અમદાવાદ: એક દિવસમાં ૧૦૮ને ૨૫૦૦૦ કૉલ આવે છે
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તે આપણે સૌ જાણીએ છીએ. આખો દિવસ તમને ૧૦૮નો અવાજ સંભળાતો હશે. બુધવારના રોજ બપોરે લગભગ ૨ વાગ્યે સિવિલ હોસ્પિટલની બહાર ૩૦ જેટલી એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી હતી, જેમાંથી સાતમા નંબરની એમ્બ્યુલન્સના ડ્રાઈવર અનિમેષે(નામ બદલવામાં આવ્યું છે) પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે જણાવ્યું કે, અમે રાણિપમાં દર્દીના ઘરેથી ૧૦ વાગ્યે નીકળ્યા અને ૧૦.૩૦ સુધીમાં હોસ્પિટલ પહોંચી ગયા. ડોક્ટરે દર્દીનું બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ માપ્યું અને એમ્બ્યુલન્સના સપ્લાયથી તેમને ઓક્સિજન ચઢાવવામાં આવ્યો. આ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં હજી લગભગ ૪૫ જેટલી મિનિટનો સમય લાગશે.
અનિમેષની શિફ્ટ સવારે ૬ વાગે શરૂ થાય છે અને આ બીજા દર્દી હતા જેમને તેમણે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. શિફ્ટના પ્રથમ દર્દીએ પહેલાથી જ ખાનગી હોસ્પિટલમાં ફોન કરીને જાણકારી આપી દીધી હોવાને કારણે ગણતરીના કલાકોમાં કામ પતી ગયુ હતું. પાછલા એક અઠવાડિયામાં જ્યારથી કોરોનાની સ્થિતિ વકરી છે, મારો મોટાભાગનો સમય હોસ્પિટલોની બહાર લાઈનોમાં ઉભા રહેવામાં જ જાય છે. કોરોનાની સારવાર આપતી હોસ્પિટલો તો ભરાઈ જ રહી છે પરંતુ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે પણ સતત ફોન આવી રહ્યા છે.
ઈએમઆરઈ ૧૦૮ના સીઓઓ જશવંત પ્રજાપતિ જણાવે છે કે, અમારા કોલ સેન્ટરમાં અમુક વાર દિવસના ૨૫૦૦૦ ફોન આવે છે અથવા તો કહી શકાય કે એક મિનિટમાં ૧૭ ફોન આવે છે. આમાંથી ઘણાં ફોન ફોલો-અપ માટે આવતા હોય છે. પરંતુ ચોક્કસપણે કહી શકાય કે કેસની સંખ્યા વધવાની સાથે જ અહીં ફોનની સંખ્યામાં પણ વધારો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ફોન કોલની સંખ્યામાં વધારો થતા અમે નવી લાઈન શરૂ કરી છે અને સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગના કોલ સેન્ટરનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ.
જૂની એમ્બ્યુલન્સોને પણ ફરીથી કાર્યરત કરી રહ્યા છીએ અને અમદાવાદ શહેરમાં એમ્બ્યુલન્સની સંખ્યા બમણી કરી નાખી છે. પરંતુ હું લોકોને અપીલ કરીશ કે અવારનવાર ફોન કરવાનું ટાળે અને સુનિશ્ચિત કરુ છું કે તમારા કોલ રેકોર્ડ થાય છે અને તેમના પર ચોક્કસપણે પ્રતિભાવ આપવામાં આવશે. ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓનો પ્રાથમિકતા આપવામાં આવે છે.