અમદાવાદ એરપોર્ટ પર જૂન મહિનામાં બે લાખથી વધુ મુસાફરોની અવરજવર નોંધાઈ
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતાં હવે લોકો વ્યસ્ત થવા માંડ્યાં છે. લોકોના ધંધા રોજગાર ફરી શરૂ થતાં ટ્રાફિકમાં પણ વધારો થયો છે. તેવી જ રીતે એર ટ્રાફિક પણ ફરી વાર ધમધમવા માંડ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં ૭૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાની પહેલી લહેર બાદ એરપોર્ટ પર મુસાફરો પરત ફર્યા હતાં પરંતુ બીજી લહેર ખતરનાક સાબિત થતાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર મે મહિનામાં ૧ લાખ ૩૨ હજાર મુસાફરો જ્યારે જૂન મહિનામાં ૨ લાખ ૨૩ હજાર ૪૦૦ મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. જૂન મહિનામાં કુલ ૨ હજાર જેટલી ફ્લાઈટોની અવરજવર હતી. અમદાવાદ એરપોર્ટ પર જૂનમાં પ્રત્યેક ફ્લાઈટમાં સરેરાશ ૧૦૩થી વધારે મુસાફરો હતાં. બીજી બાજુ મે મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી માત્ર ૭૫ લોકોની જ અવરજવર નોંધાઈ હતી.
અમદાવાદ એરપોર્ટ પરથી મે મહિનામાં ૨૧૫ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ૭૪૪૨ મુસાફરો જ્યારે જૂનમાં ૨૧૨ ઈન્ટનેશનલ ફલાઈટમાં ૯ હજાર ૨૮૮ મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. આ સ્થિતિએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સરેરાશ ૩૫ જ્યારે જૂનમાં ૪૩ મુસાફરો હતા. આમ, મે કરતાં જૂનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સાધારણ વધારો નોંધાયો છે.