અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
અમદાવાદથી બેંગલોર જવા રવાના થયેલા પ્લેનના એન્જીનમાં આગ લાગતાં અફડાતફડી : તમામ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યાઃ રન વે બંધ કરી ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
અમદાવાદ: એક તરફ શહેરમાં અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં એરપોર્ટ તથા આસપાસનાં વિસ્તારને જડબેસલાક સુરક્ષા સજ્જ કરવામાં આવ્યું છે અને કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને એ માટે સ્થાનિક પોલીસનાં કાફલાને ઉતારી દેવામાં આવ્યાં છે.
જે સતત પેટ્રોલિંગ કરી રહ્યાં છે. ઉપરાંત અન્ય એજન્સીઓ પણ ચાંપતી રાખી રહી છે. જ્યારે ખુદ અમેરીકન એજન્સીનાં સુરક્ષા જવાનોએ પણ ટ્રમ્પની મુલાકાતનાં સ્થળો પર પોતાનાં સાધનો વડે ચકાસણી શરૂ કરી દીધી છે. ટ્રમ્પનું જ્યાં ઉતરાણ થવાનું છે એ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ તમામની ચાંપતી નજર છે અને ફાયર બ્રિગેડનાં જવાનો પણ ખડેપગે હાજર છે. ત્યારે આજે સવારે ગો એરનું એક વિમાન ટેક ઓફ કરતાંની ગણતરીની મિનિટોમાં જ એન્જિનમાં આગ લાગતાંની સાથે જ પાયલોટે તાત્કાલિક ઉતરાણ કરાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ચકચાર મચી હતી. અને એરપોર્ટ એથોરીટી દોડતી ગઈ હતી.
જ્યારે ૧૦૦થી વધુ પ્રવાસીઓનાં જીવ પણ અધ્ધર થઈ ગયા હતા. જા કે મળતી માહિતી અનુસાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને સુરક્ષા અધિકારીઓ પ્લેનનાં એન્જીનમાં શા કારણે આગ લાગી તેની તપાસ ચલાવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં અમદાવાદ આગમનની તૈયારીઓને પગલે એરપોર્ટ ઉપર પણ ચાંપતો બંદોબસ્ત છે અને રાષ્ટ્રપતિનાં સ્વાગતને આખરી ઓપ અપાઈ રહ્યું છે. ત્યારે આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગો એરની એક ફ્લાઈટ ૧૦૦થી વધુ મુસાફરોને લઈને બેંગ્લોર જઈ રહી હતી ત્યારે ટેકઓફ થયાંની થોડી જ વારમાં વિમાનનાં એક એન્જિનમાં આગ લાગ્યાંની જાણ પાયલોટને થઈ હતી.
જેથી તુરંત જ પાયલોટે અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીને જાણ કરીને તાત્કાલિક ઉતરાણ કરાવાની પરવાનગી માંગી હતી અને તરત જ ફ્લાઈટનું ઉતરાણ કરાવ્યું હતું. આગની જાણકારીનાં પગલે વિમાનમાં બેઠેલાં પાયલોટ તથા અન્ય સ્ટાફ ચોંકી ગયા હતા. વિમાનમાં આગની જાણકારી મળતાં તમામ ઓફીસરો ચોંકી ઉઠ્યા હતા અને ગણતરીની સેંકડોમાં જ ફાયર બ્રિગેડ પોલીસ તથા અન્ય જવાનોને આદેશો આપી દેવાયા હતા.
જેનાં પગલે તમામ સુરક્ષા કર્મચારીઓ એરપોર્ટ રન વે નજીક ગોઠવાઈ ગયા હતા. વિમાન થોભવાની સાથે જ ફાયરબ્રિગેડનાં જવાનોએ પોતાની કામગીરી તુરંત શરૂ કરી દીધી હતી. વિમાનમાં આગ લાગવાની જાણ થતાં અંદર બેઠેલાં ૧૦૦થી વધુ મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. અને બુમાબુમ કરી મુકી હતી. રોકકળ શરૂ થતાં જ વિમાનનાં ક્રુ મેમ્બરોએ પરિસ્થિતિ સંભાળી લેતાં તમામ મુસાફરોને શાંત પાડ્યા હતાં.
બીજી તરફ બહાર મદદ માટે આવેલાં જવાનોએ પણ એક તરફ વિમાનનાં એન્જીનમાં લાગેલી આગ બુઝાવવાની કાર્યવાહી કરી હતી.
બીજી તરફ મુસાફરોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરતાં ગણતરીની મિનિટોમાં જ તમામને બચાવી લેવાયા હતાં. જ્યાં ગ્રાઉન્ડમાં હાજર બસમાં બેસાડીને તમામને એરપોર્ટમાં લઈ જવાયા હતાં. અને કુશળ કાર્યવાહી દ્વારા ગણતરીની મિનિટોમાં જ એન્જીનની આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. કોઈ જાનહાની ન થતાં બધાંએ હાશકારો અનુભવ્યો છે. જા કે આ વિમાનનાં એન્જીનમાં કયા કારણોસર આગ લાગી એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
બેંગ્લોર જતી આ ફ્લાઈટમાં આગ લાગતાં જ પાયલોટે સતર્ક બની તુરંત જ ફ્લાઈટને લેન્ડ કરાવી દેતાં બેંગ્લોર જતાં તમામ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર હવે બીજી ફ્લાઈટની રાહ જાઈ રહ્યાં છે. તમામ પાસાંઓની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે એક વિમાનમાં આગ લાગ્યાની જાણકારી મળતાં અમેરીકન એજન્ટો પણ ચોંક્યા હતા અને એરપોર્ટ ઓથોરીટી પાસેતી તમામ માહિતી મંગાવી હતી.
બીજી તરફ એરપોર્ટમાં બેઠેલાં અન્ય મુસાફરોને જાણ થતાં જ તરેહ-તરેહની વાતો ફેલાઈ હતી. અને મોટી સંખ્યામાં વિમાનમાં બેઠેલાં મુસાફરોનું વિચારી તમામનાં જીવ પડીકે બંધાયા હતા. ગો એરની આ ફ્લાઈટ તાત્કાલિક કેન્સલ કરવામાં આવી હતી. અને મુસાફરો માટે અન્ય ફ્લાઈટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એરપોર્ટમાં જ રોકી રખાયા છે. જ્યારે આગની ઘટનાને પગલે રન વે પણ બંધ કરી દેવાતાં અન્ય ફ્લાઈટો પણ મોડી પડી હતી.