અમદાવાદ: કેનેડા ગયા પછી પતિએ ફોન ઉપાડવાનુ બંધ કરી દીધું
અમદાવાદ, પાછલા થોડા સમયમાં ગુજરાત સહિત દેશભરમાંથી વિદેશ સ્થાયી થનારા લોકોની સંખ્યા વધી રહી છે. ખાસકરીને મોટી સંખ્યામાં લોકો કેનેડા તરફ વળી રહ્યા છે. સ્ટુડન્ટ વિઝા હોય કે પછી ડાઈરેક્ટ લોકો કેનેડાની નાગરિકતા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી એક યુવતી માટે આ અનુભવ ઘણો કડવો રહ્યો છે.
સામાન્યપણે કેનેડા ગયા પછી વ્યક્તિ ૩-૪ મહિના પછી પોતાના ડિપેન્ડન્ટ એટલે કે પતિ, પત્ની, માતા, પિતા અથવા ભાઈ કે બહેનને ત્યાં બોલાવી શકે છે, પરંતુ અહીં તો કેનેડા ગયા પછી પતિએ જાણે તું કોણ અને હું કોણનું વલણ અપનાવતા આખરે યુવતીએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે.
ઘોડાસર વિસ્તારમાં રહેતી કૃપા(ઓળખ છુપાવવા માટે નામ બદલવામાં આવ્યું છે)ના લગ્ન પાંચ જ મહિના પહેલા થયા હતા. કેનેડા જવાનું કહીને તેના પતિએ લગ્ન પહેલા જ સાસરી પક્ષ પાસેથી પાંચ લાખ રુપિયા અને લગ્ન પછી ૨૦ લાખ રુપિયા માંગ્યા હતા.
કૃપાને તેના માતા-પિતાના ઘરે મૂકીને પતિ કેનેડા જતો રહ્યો અને ત્યાં પહોંચ્યા પછી કોઈ પણ પ્રકારનો સંપર્ક તે નહોતો કરતો. તેણે પત્નીના ફોન પણ ઉઠાવવાના બંધ કરી દીધા હતા. આખરે કંટાળીને કૃપાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વિસ્તારપૂર્વક વાત કરીએ તો, જાન્યુઆરી, ૨૦૨૨માં કૃપાના લગ્ન આણંદ જિલ્લાના બોરસદમાં રહેતા યુવક સાથે થયા છે. યુવક અત્યારે કેનેડામાં છે. કૃપાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ અનુસાર, લગ્નના ૨૦ જ દિવસ સુધી કૃપા સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો.
પછી સાસરી પક્ષે પોતાનો અસલ રંગ બતાવ્યો હતો. લગ્ન પહેલા તો કૃપાના પિતાએ પાંચ લાખ રુપિયા આપ્યા હતા, પરંતુ લગ્ન પછી પણ કેનેડાની પીઆરના નામે ૨૦ લાખની માંગણી કરવામાં આવી. આ પૈસા માટે પતિ અને સાસરીના લોકો કૃપા પર દબાણ કરતા હતા.
તેઓ માનસિક રીતે કૃપાને પરેશાન કરતા હતા. એપ્રિલ, ૨૦૨૨માં કૃપાના પતિએ વિદેશ જવાની તૈયારી શરુ કરી હતી, પરંતુ આ દરમિયાન પણ સામાન્ય બાબતોમાં લડાઈ થતી હતી. કૃપા પતિને એરપોર્ટ પર મૂકવા આવી તે જ સમયે તેને પિયર જવાનું કહેવામાં આવ્યુ હતું.
આટલુ જ નહીં, સાસરિયાઓએ ધમકી પણ આપી હતી કે જાે તે પિયરમાંથી આવશે તો તેને મારી નાખવામાં આવશે. કેનેડા પહોંચ્યા પછી કૃપાના પતિએ ફોન પર પણ વાત કરવાનુ બંધ કરી દીધુ હતું. ઈસનપુર પોલીસે કૃપાની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરુ કરી છે.SS1MS