અમદાવાદ ગાડીના કાચ અને ટુ-વ્હીલરની ડેકી તોડી ચોરી કરતા ૫ આરોપી ઝડપાયા
અમદાવાદ, મહારાષ્ટ્ર અને તામિલનાડુથી આવી ગાડીના કાચ અને એક્ટિવાની ડેકી તોડી ચોરી કરતા ૫ આરોપીને ચોરીના ૪ વાહનો અને રૂ.૨.૩૦ લાખ સાથે ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, એલિસબ્રીજ કાપડિયા ગેસ્ટ હાઉસ પાસેથી ચોરીના વાહનો સાથે ૫ આરોપીઓ નીકળવાના છે.
જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ વોચ રાખીને ગોઠવાઈ અને આ ચોર ટોળકીના પાંચ મેમ્બરોને ઝડપી લીધા હતા. જેમાં મહારાષ્ટ્રના નાગેશ પવાર, તેનો દીકરો બાબુ પવાર, કોટેશ ગાયકવાડ, અનિલ ગાયકવાડ અને તામિલનાડુના અશોક ગૌરીપંથી ગુંજી પાસેથી ચોરીના ૩ એક્ટિવા અને ૧ બાઇક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમની વધુ તપાસ કરતા તેમની પાસેથી ચોરીના રૂ.૨.૩૦ લાખ પણ મળી આવ્યા હતા.
આ તમામ આરોપની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની વધુ પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ વતનથી અમદાવાદ આવી વટવામાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા. તેઓ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વાહનની ચોરી કરતા હતા.
આ ચોરી કરેલા વાહન લઈને તેઓ બેંકની બહાર બેસી રહેતા અને બેંકમાંથી રૂપિયા લઇને નીકળતા લોકોની રેકી કરતા હતા. એ પછી તેમનો પીછો કરતા અને તેઓ જે જગ્યાએ તેમની કાર પાર્ક કરે ત્યાં થોડા સમય પછી તેઓ પહોંચી જતા અને ગિલોલ મારી ગાડીનો કાચ તોડી તેમાં રહેલી રોકડની ચોરી કરી ફરાર થઈ જતા હતા. બેંકમાંથી કોઈ વ્યક્તિ એક્ટિવાની પર નીકળે તો તેનો પીછો કરી તેની નજર ચૂકવીને તક મળે ત્યારે ડેકી તોડી રૂપિયાની ચોરી કરી લેતા હતાં.
પોલીસની પુછપરછ દરમિયાન આ આરોપીઓએ સોલા, ઓઢવ, બાપુનગર, કલોલ, સહિતના અનેક વિસ્તારમાં ગાડીના કાચ અને એક્ટિવાની ડેકી તોડીને રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.તેમજ પોલીસે તેમના અન્ય સાગરિતોની પણ શોધખોળ હાથ ધરી છે.HS3