અમદાવાદ ગ્રામ્યમાં ૧૦૦ બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરવા વિચાર-વિમર્શ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Bhupendrasinh-4-1024x768.jpg)
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંદર્ભે જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સમીક્ષા કરી
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરવા માટે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વેદાંતા કેઈર્ન્સના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ‘મારુ ગામ, કોરોના મુક્ત ગામ ’ના આહવાનને ઝીલી લઈ સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તે નહી દિશામાં આરંભાયેલી નક્કર કામગીરી સંદર્ભે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. શિક્ષણમંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાની મુલાકાત લીધી હતી.
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિરમગામના ભોજવા ખાતેના કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઈ તબીબો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત શિક્ષણમંત્રીશ્રીએ વિરમગામ પ્રાંત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને સ્વૈચ્છીક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી કોવીડના મહત્તમ દર્દીઓને સ્થાનિક સ્તરે જ આરોગ્યસુવિધા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે અંગેની વ્યૂહરચના ઘડી કાઢી હતી.
શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સીતાપુર ખાતે ઝાયડસ દ્વારા સ્થપાયેલી ૧૨૦ બેડની હોસ્પિટલના કોવીડ વોર્ડની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ રામપુરા ખાતેના ચંપા વિજય કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઈ ઓક્સિજન બેડની સુવિધા માટેનું આયોજન કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.
શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ ગ્રામ્યમાં કોવીડને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, ગુજરાત સરકાર મોટા શહેરો ઉપરાંત નાના નગરો અને ગામડાઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કટિબદ્ધ છે. અને તેના ભાગરૂપે જ રાજ્ય સરકારે ‘’સૌનો સાથ અને સૌનો વિકાસ’’ એ જ ધ્યેયમંત્રને આગળ ધપાવતા ગ્રામ્ય વિસ્તારમાં પણ જનભાગીદારીથી કોરોના સંક્રમણને ખાળવા શ્રેણીબદ્ધ પગલા લીધા છે.
શિક્ષણમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ અને અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.