Western Times News

Gujarati News

જેતલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર

વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે.

જેના ભાગરૂપે કોરોનાની વૈશ્વિક મહામારીમાં છેલ્લા દશ મહિનાથી રાત-દિવસ લોકોની સેવામાં ખડેપગે રહેનાર ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એવા ર્ડાકટર, સ્ટાફ નર્સ અને સફાઇકર્મીઓને તંત્રની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાની રસી આપવાનું આજથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે.

આ રસીકરણ અભિયાનના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કુલ ૨૦ સ્થળો પર રસીકરણનો આરંભ કરવામાં આવ્યો. જેમાં અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશબાબુએ રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલે એ જણાવ્યું કે ‘’ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કપરો સમય આવવાથી લોકોનું જીવનધોરણ બદલાઈ ગયુ છે.પહેલાની માફક અત્યારે આપણે સ્વજનો અને મિત્રો સાથે હળીમળી શકતા નથી. આપણા જીવનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એ વણાઇ ગયું છે. ‘’

ગુજરાતમાં કોરોનાના પ્રથમ કેસ આવ્યા બાદથી અત્યાર સુધી સતત  રાત-દિવસ ખડેપગે સેવા આપનાર  ડોકટર , હેલ્થકેર વર્કસ, ફ્રન્ટ લાઈન વર્કસ, સફાઇ કર્મચારીઓની કામગીરીને કલેકટરશ્રીએ બિરદાવતા કહ્યું કે ‘’ ફ્રંટલાઈન વર્કર્સ  પોતાનો જીવ જોખમમાં મુકીને તેઓ જનસેવાના આ યજ્ઞમાં જોડાયેલા રહયા છે. તેથી રસીના પ્રથમ ડોઝના તેઓ પહેલા  હકદાર બને છે .

રસીકરણ એ કોરોના સામેની લડાઇમાં અમોઘ શસ્ત્ર સાબિત થશે. જેમ લડાઇમાં  સૈનિકોના હાથમાં મશીનગન જેવા શસ્ત્રો  હોવા છ્તાં સાવચેતી અને વધુ સલામતી માટે તેઓ વેપન અને આર્મર પણ પહેરે છે તેમ રસી આવ્યા બાદ પણ  કોરોનાની હજી ચાલી રહેલી લડાઇમાં લોકોનું શસ્ત્ર માસ્ક છે . કલેક્ટરશ્રીએ જનતાને  હજુ પણ કોવીડ અંગે સાવચેતી રાખવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. શિલ્પાબેન યાદવ સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.