અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં 5 મી માર્ચ સુધી સભા- સરઘસ પર પ્રતિબંધ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ જિલ્લા/ તાલુકા પંચાયતો અને વિરમગામ, ધોળકા તથા બારેજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ યોજાનાર છે.
મુક્ત,ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત સિવાયના સમગ્ર અમદાવાદ વિસ્તારમાં તા. ૦૫-૦૩-૨૦૨૧ સુધી સભા- સરઘસ પર અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪ થી મળેલ અધિકારની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પ્રતિબંધ અંતર્ગત ચાર કરતાં વધારે માણસો એ ભેગા થવું નહીં અગર કોઈ સભા કરવી કે બોલાવવી નહીં તેમજ સરઘસ કાઢવું નહીં. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત સિવાયના સમગ્ર અમદાવાદ વિસ્તારમાં રસ્તાઓ, રસ્તાઓની ફુટપાથ,ગલીઓ તથા પેટા ગલીઓનો પણ સમાવેશ થાય છે.
આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, તેમ જ ફરજ ઉપર હોય અથવા ધાર્મિક અથવા મરણોત્તર અથવા અધિકૃત સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવી હોય તેવા સભા- સરઘસોને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫ ની પેટાકલમ- ૩ હેઠળ અને ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫) ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશેતેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદના જાહેરનામામાં ફરમાવાયું છે.