અમદાવાદ જિલ્લાના 147 ગામોમાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
‘મેરી માટી, મેરા દેશ’ : અમદાવાદ જિલ્લો-અમદાવાદ જિલ્લામાં “માટીને નમન, વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાયું
વીર શહીદોની યાદમાં અમૃત સરોવરો સહિતનાં જળાશયો પાસે, શાળાના મેદાનમાં, પંચાયત ખાતે અને મંદિરના પ્રાંગણમાં શિલાફલકમનું નિર્માણ કરવામાં આવ્યું
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.
ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ઠેર ઠેર ગ્રામ પંચાયતો ખાતે વીર શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અભિયાનના આજે બીજા દિવસે અમદાવાદ જિલ્લાના 147 ગામોમાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત જનભાગીદરી થકી ભવ્ય ઉજવણી કરાઈ હતી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના 147 ગામમાંથી 58 ગ્રામ પંચાયતમાં તળાવ ખાતે વસુધાવંદન અને શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 45 ગામમાં પ્રાથમિક શાળા ખાતે વસુધાવંદન કાર્યક્રમ યોજાયો અને શિલાફલકમનું નિર્માણ કરાયું.
13 જેટલા ગામોમાં પંચાયત ખાતે જ આ કાર્યક્રમ યોજાયો તથા 23 ગામોમાં અમૃત સરોવર ખાતે આ અભિયાનની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત 8 ગામોમાં મંદિરના પ્રાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વીરોને નમન કરવાના હેતુથી તમામ પંચાયતમાં શિલાફલકમનું નિર્માણ કરાયું હતું. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા ગામ દીઠ 75 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વધુમાં ગામના લોકોએ ભેગા મળી હાથમાં માટી અને માટીનો દીવો લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ ઉપરાંત વીર શહીદોના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તમામ ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં તા. 9થી 12 ઓગસ્ટ સુધીમાં તમામ 469 ગામો ખાતે તબક્કાવાર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.