અમદાવાદ જિલ્લાનો રોજગાર ભરતી મેળો ૪ ઓક્ટોબરે યોજાશે
અગાઉ ચૂંટણી આચાર સંહિતાના કારણે રોજગાર ભરતી મેળો મોકુફ રાખવામાં આવ્યો હતો તે હવે તારીખ ૪ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ નવરંગપુરા અમદાવાદ ખાતે યોજાશે. મદદનીશ નિયામક-રોજગારની કચેરી અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં અમદાવાદના યુવાનો જેવાકે, ધોરણ ૮ પાસ/૧૦પાસ/૧૨પાસ, સ્નાતક, બી.એ., બી.કોમ, બી.એસ.સી, બી.સી.એ., એમ.એસ.સી., એમ.બી.એ. (માર્કેટિંગ અને ફાઇનાન્સ) એમ.સી.એ., બી.ટેક., બી.ફાર્મ., એમ.ફાર્મ. તેમજ આઈ.ટી.આઈ ફીટર, વાયરમેન, વેલ્ડર, કાર્પેન્ટર, મેસન, ડીઝલ-મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, ઓટોમોબાઇલ, સી.એન.સી. અને વી.એમ.સી. ઓપરેટર,અને ડિપ્લોમા અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ ૧૮ થી ૩૫ વર્ષ સુધીની વય ધરાવતા યુવાનો ભાગ લઇ શકશે.
આ ભરતી મેળામાં અમદાવાદ જિલ્લાની ૪૦ કરતાં વધારે નામાંકિત કંપનીના પ્રતિનિધિઓ ઇન્ટરવ્યૂ લેવા સ્થળ પર હાજર રહેશે એમ, રોજગાર નિયામક અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.