અમદાવાદ જિલ્લામાં આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવા વિતરણનો આંક 2.55 કરોડે પહોંચ્યો
COVID-19 મહામારી સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુષ વિભાગની માર્ગદર્શિકા મુજબ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના ૨૪ સરકારી આયુર્વેદ દવાખાના તથા ૨૧ હોમિયોપેથી દવાખાનામાં અત્યાર સુધી ૨.૫૫ કરોડ કરતા વધું આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ વિતરણ ઝુંબેશ ચાલી રહી છે.
કોરોના મહામારીમાં સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ અનેકવિધ પગલાં લીધા છે. તેમાં આયુર્વેદ અને હોમિયોપેથીનો પણ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની શરુઆત થઇ ત્યારથી આજ દિન સુધીમાં સમગ્ર જિલ્લામાં આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથી દવાઓનો ડોઝ જિલ્લાના ૨૪ આયુર્વેદ દવાખાનામાં કુલ ૧,૧૪,૨૬૪૭૯ દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ૨૧ હોમિયોપેથી દવાખાનામાં ૭૪,૪૩,૩૫૫ થી વધુ ડોઝનું વિતરણ થયું.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ૫ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ૬૩,૫૩,૭૯૯ આયુર્વેદીક ઉકાળાના પેકેટ આપવામાં આવ્યા. તે જ રીતે 5 સરકારી હોમિયોપેથી હોસ્પિટલમા ૨,૭૪,૪૮૨ લોકોએ હોમિયોપેથી દવાઓનો લાભ લીધો છે.
અમદાવાદ જિલ્લામાં આવેલા ક્વોરેટાઇન સેન્ટરમાં પણ ૩૬,૧૦૧ જેટલા આયુર્વેદીક ઉકાળાનાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ૨૧,૧૦૧ જેટલી હોમિયોપેથીની દવાઓ આપવામાં આવી.આમ, કોવીડ મહામારીના સંક્રમણમાં અમદાવાદ જિલ્લા પંચાયતે આયુર્વેદ અને હોમિયોપેથી જેવી વૈકલ્પિક ચિકિત્સાનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે.