અમદાવાદ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ હેઠળ 19 હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ
PFMS પોર્ટલથી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ સીધી જમા થતા ખેડૂતોમાં સંતોષની લાગણી
અમદાવાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના માર્ગદર્શન અને રાહબરી હેઠળ, કૃષિ રાહત પેકેજ હેઠળ 25,427 ખેડૂતોને રૂ. 24.06 ( ચોવીસ કરોડ)ની સહાય ચૂકવવામાં આવી છે.(22-10-2020 ની સ્થિતિ)જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી મળેલા આંકડાઓ મુજબ અમદાવાદ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત 248 થી વધુ ગામોની ડેટા એન્ટ્રી કરવામાં આવી અને તેના આધારે આ સહાયની રકમ ચૂકવવામાં આવી છે. નોંધનીય છે કે ચાલુ વર્ષે રાજ્યના કેટલાક ભાગોમાં થયેલા કમોસમી વરસાદના પગલે અસરગ્રસ્ત બનેલા ખેડૂતોની સહાય માટે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું, જે અંતર્ગત આ સહાયની ચૂકવણી કરવામા આવી રહી છે.
અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં 3,92,488થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી છે.(21-10-2020 ની સ્થિતિ)
ઉલ્લેખનીય છે કે કૃષિ રાહત પેકેજ અંગેની અરજીઓ હજુ સ્વીકારાઈ રહી છે. આ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 31-10-2020 છે. આથી જે ખેડૂતોને અરજી કરવાની બાકી હોય તે ખેડૂતો તલાટીશ્રીના દાખલા સાથે ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ સેન્ટરમાંથી વી.સી.ઈ મારફત અરજી કરાવી શકે છે.
કૃષિ રાહત પેકેજ અંગેની વિગતો આપતા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ જણાવે છે કે, ‘’ચાલુ વર્ષે ખેડૂતોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે PFMS પોર્ટલથી સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. જેથી જિલ્લાકક્ષાએથી અરજી મંજૂર થાય તેના એક જ દિવસમાં સહાયની રકમ ખેડૂતના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા થાય છે.’’
અમદાવાદ જિલ્લામાં કૃષિ રાહત પેકેજની કામગીરી પર વધુ પ્રકાશ પાડતા અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેશ પટેલ કહે છે કે, ‘’ કૃષિ રાહત પેકેજની રકમ PFMS પોર્ટલથી ચૂકવાતા કામગીરી વધુ પારદર્શક અને ઝડપી બની છે જેથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.’’