અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો
અમદાવાદ, લોકડાઉન-૪માં મળેલી છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં અચાનક કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ ૧૯ કેસ નોંધાયા હતા. જ્યારે એકનું મોત થયું હતું.દસ્ક્રોઈમાં ઘુમા અને સાઉથ બોપલમાં ૧-૧,સાણંદ ૩, બાવળા ૧, વિરમગામ ૩, ધોળકા ૩, માંડલ ૧, દેત્રોજ ૩ અને ધંધુકામાં ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા ૪ દિવસમાં કેસોનું પ્રમાણ વધ્યું છે. રોજના ૧૦થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. લોકડાઉન હળવું થતાં લોકો ગામડા તરફ અને શહેરોમાંથી અવરજવર વધતા સંક્રમણ વધ્યું છે. બીજી તરફ રિક્વરીની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૩૯ પોઝિટિવ કેસો નોંધાયા છે.
જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ સાણંદ, બાવળા, તેમજ ધોળકાના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. તે વિસ્તારના લોકો તેમજ રાષ્ટ્રરક્ષકોને મળ્યા હતા તેમજ તેઓએ સ્થિતિની સમીક્ષા કરી હતી. ધોળકા ટાઉનમાં સૌથી વધુ કેસ હોવાથી વેપારીઓએ સ્વૈસ્છિક રીતે સવારના ૮થી બપોરના ૧૨ વાગ્યા સુધી જ દુકાનો ખોલવાનો અને ઓડ-ઇવન પધ્ધતિનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.