અમદાવાદ જિલ્લામાં ૩૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ ૨૦ કેસ નોંધાયા હતા. સાણંદમાં ૬, ધંધૂકામાં ૫, ધોળકામાં ૪, દસક્રોઇમાં ૩ અને ધોલેરામાંથી ૨ કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં કોરોનાની વકરતી સ્થિતિને જાેતા કુલ ૩૫ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
જિલ્લામાં પણ કોરોના પગપેસારો કરી ગયો છે. દિવસે-દિવસે કેસો વધતા જઇ રહ્યા છે. સાણંદમાં સૌથી વધુ કેસ જાેવા મળી રહ્યા છે. જેને લઇને સાણંદમાં ૯ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી કોરોના સંક્રમણને ત્યાંજ અટકાવી દેવાના પ્રયાસો હાથ ધરાયા છે. આજે શુક્રવારે જિલ્લાના સીડીએચઓએ શેલાના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લઇને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
દસક્રોઇમાં ૮, બાવળામાં ૫, ધંધૂકામાં ૩, ધોલેરામાં ૭ અને વિરમગામમાં ૩ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જિલ્લામાં કુલ ૩૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કુલ ૬,૬૦૫ લોકો વસવાટ કરી રહ્યા છે.કોરોનાની નવી લહેરમાં આ વર્ષે સદનસીબે જિલ્લામાં એકપણ કોરોનાના દર્દીનું મોત થયું નથી. હાલમાં જિલ્લામાં કોરોનાના કુલ ૨૫ એક્ટીવ કેસના દર્દીના સારવાર હેઠળ છે. જિલ્લામાં ૪૫ વર્ષથી વધુની ઉમરવાળા કુલ ૨,૩૦,૧૩૪ લોકોને કોરોનાની રસી અત્યાર સુધીમાં મુકવામાં આવી છે.