અમદાવાદ જિલ્લામાં ૪ લાખથી વધુ લોકોનું રસીકરણ
સમગ્ર ગુજરાતમાં રસીકરણની કામગીરીમાં અમદાવાદ જિલ્લો અવ્વલ
હવે, એ પુરવાર થઈ રહ્યું છે કે કોરોના મહામારીમાં વેક્સિન(રસી) એ જ અસરકારક હથિયાર છે અને આ યુદ્ધ જીતવા માટે સૌએ આ અમોઘ શસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. આ સંજોગોમાં અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણમાં અવ્વલ સ્થાન મેળવીને એ સાબિત કર્યું છે કે નાગરિકની સુરક્ષા એ જિલ્લા વહીવટીતંત્રનો ધ્યેયમંત્ર છે. ૨૮ એપ્રિલ,૨૦૨૧ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં કુલ ૪,૧૫,૭૩૩ લોકોને રસી આપવામાં આવી છે. જેમાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર અને ૪૫ વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુની આગેવાનીમાં નાગરિકોને રસીકરણ દ્વારા સલામત બનાવવા માટેનું અભિયાન હાથ ધર્યું હતું. જેના પગલે સમગ્ર રાજ્યમાં અમદાવાદ જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
અમદાવાદ જિલ્લામાં ૩૭,૭૦૨(૯૯ ટકા) ફ્રંટલાઈન વર્કર્સ રસીનો પ્રથમ ડોઝ લીધો છે,જ્યારે ૩૨,૨૦૧( ૭૩ ટકા)એ રસીનો બીજો ડોઝ લઈ સુરક્ષા-કવચ પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીયછે કે ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોને રસી આપવાની બાબતમાં ધોલેરા તાલુકાના નાગરિકોએ નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંક કરતા પણ વધુ રસીકરણ કરાવ્યું છે.
( ૧૦૪ ટકા). જ્યારે સાણંદ અને દેત્રોજ જેવા તાલુકાઓએ ૯૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરી ચૂક્યા છે. જ્યારે બાવળા, ધંધુકા, ધોળકા, માંડલ જેવા તાલુકાઓએ ૮૫ ટકા લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.આમ, ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક રીતે અગ્રણી અમદાવાદ જિલ્લાએ આરોગ્યની બાબતમાં પણ પથદર્શક કામગીરી કરી બતાવી છે.