અમદાવાદ જિલ્લા કલેક્ટરના હસ્તે 108 એમ્બ્યુલન્સ સેવાને ૪૦ ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયા.
108 એમ્બ્યુલન્સને ઓક્સિજનનો વિક્ષેપરહિત પુરવઠા માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ વ્યવસ્થા સુદ્રઢ બનાવી
કોવીડગ્રસ્ત દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનો પુરવઠો સતત મળી રહે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી મળેલા ૪૦ ઓક્સિજન સિલિન્ડર 108 સેવાને અર્પણ કર્યા હતા.
આ અર્પણવિધિ વેળાએ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે એ જણાવ્યું હતું કે, અસાધારણ પરિસ્થિતિના કારણે 108માં ઓક્સિજનનો વપરાશ ઘણો વધી ગયો છે, જેની પૂર્તિ માટે વધારાના ૪૦ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે, જેના પગલે આરોગ્યસેવા અવિતરપણે ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે કોવીડના કારણે 108 એમ્બ્યુલન્સ સેવા પર ભારણ વધ્યું છે અને તેના કારણે આ એમ્બ્યુલન્સને વારંવાર ઓક્સિજન સિલિન્ડર ભરાવવા માટે જવું પડતુ, તેથી સમયનો બગાડ થતો હતો. પણ હવે 108 સેવામાં વધારાના ઓક્સિજન સિલિન્ડર આવતા આરોગ્યસેવા વધુ સુદ્રઢ બનશે.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરર શ્રી હર્ષદભાઈ વોરા, ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્રભાઇ શાહી, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નટુભાઇ પટેલ, શ્રી હેમંતભાઇ શાહ, શ્રી પ્રતિકભાઇ પટવારી, શ્રી સચીનભાઈ પટેલ, શ્રી કે.આઇ.જોષી અને અધિકારીગણ હાજર રહ્યા હતા.