અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે સંદીપ સાંગલેએ પદભાર સંભાળ્યો
પ્રૉ-એક્ટિવ અભિગમ અપનાવી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની કટિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરશ્રી
અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે શ્રી સંદીપ સાંગલેએ આજે પદભાર સંભાળ્યો છે. પદભાર સંભાળ્યા બાદ મીડિયાના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં નવનિયુક્ત કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના પ્રાણપ્રશ્નોને વધુ ઝડપથી ઉકેલવા એ મારી પ્રાથમિકતા રહેશે.
કલેક્ટરશ્રીએ કહ્યું કે, સામાન્ય જનતાની સમસ્યાના ઉકેલ માટે વહીવટીતંત્ર પ્રૉ-એક્ટિવ કામગીરી કરે તેના પર વિશેષ ધ્યાન અપાશે. તેમણે અમદાવાદ જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેનું સંકલન વધુ સુદ્રઢ બનાવવાની પણ નેમ વ્યક્ત કરી હતી.
તેમણે ઉમેર્યું કે, અમદાવાદ જિલ્લામાં કોવીડની સ્થિતિમાં દિન-પ્રતિદિન સુધારો થઈ રહ્યો છે, આ સ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ કાળજી લેવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારી-ગણે પુષ્પગુચ્છથી નવનિયુક્ત કલેક્ટરશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે શ્રી સંદિપ સાંગલે આ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.