અમદાવાદ ટ્રાફિક પોલીસની ટોઈંગ કામગીરી ગોકળ ગતીએ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Towing-van1-1024x683.jpg)
(તસ્વીરઃ- જયેશ મોદી, અમદાવાદ) અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને તેનો અમલ શરૂ કરી દેવાયો છે શહેરમાં રસ્તાઓ ઉપર પાર્ક કરવામાં આવતા વાહનો ટ્રોઈંગ કરી લેવામાં આવે છે તસ્વીરમાં આ કામગીરીથી થાકેલો ટ્રોઈંગનો કર્મચારી આરામ ફરમાવતો નજરે પડે છે. અમદાવાદ પોલીસ દ્વારા ટોઈંગ કામગીરી માટે કેટલાં વાહનો છે અને કયા કયા વિસ્તારમાં ટોઈંગ કામગીરી કરવામાં આવી તેનો કોઈ રીપોર્ટ મળતો નથી તદઉપરાંત જે વિસ્તારમાં વાહનો અડચણરીતે પાર્ક કરાયા હોય તો ક્યાં ફરીયાદ કરવી તે નાગરીકોને જ ખબર નથી.
શહેરમાં ટ્રાફિક પોલીસની ઝુંબેશ ઝડપી ચાલી હવે પાછી ગોકળગતીએ ચાલવા માંડી છે. ફરીથી અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ પર જેવા કે આંબાવાડી સર્કલ નજીક તેમજ શિવરંજીની ચાર રસ્તા પર પોલિસ હોવા છતાં લોકો રોડ પર સાંજના સમયે પીક અવર્સ દરમ્યાન ગાડીઓ પાર્કિગ કરે છે.
શહેરના એવા કેટલાંય કોમર્શિયલ બિલ્ડીંગો છે જે 20 વર્ષથી વધુ જૂના છે તે બિલ્ડીંગોમાં પાર્કિગની સુવિધા ન હોવાને કારણે રસ્તા પર જ લોકો ગાડી પાર્ક કરી દે છે. ચિરાગ મોટર્સ ચાર રસ્તા ગુજરાત કોલેજ રોડ પર આવેલા હરિકૃપા ટાવરની બહાર પંજાબ નેશનલ બેંક અને ખાદી ગ્રામોદ્યોગમાં આવતા ગ્રાહકોને પાર્કિગની કોઈ જ સુવિધા ન હોવાને કારણે રોડ પર જ વાહન પાર્ક કરી દેવાની ફરજ પડે છે. આ રોડ પર ડિવાઈડર બનાવવાની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી.