અમદાવાદ ડિવિઝન ખાતે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” ની ઉજવણી કરવામાં આવી
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મેડિકલ વિભાગ દ્વારા “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” નિમિત્તે રેલવેના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ યુનિટ અમદાવાદથી રેલવે સ્ટેશન અમદાવાદ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ સ્થળોએ વિશ્વ તમાકુ નિષેધ દિવસને લગતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન પરિસરમાં પ્લેટફોર્મ નંબર એક અને કોન્કોર્સ હોલ સુધી રેલી યોજવામાં આવી હતી.
અમદાવાદ રેલવે સ્ટેશનના કોન્કોર્સ હોલમાં આવતા જતાં લોકો માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ બે-ત્રણ હજાર લોકોએ આ પ્રદર્શન જોયું હતું. ત્યાં હાજર પેસેન્જરોને જાગૃત કરવા માટે એક હેલ્થ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદ મ્યુનિસિપલ વિભાગના આરોગ્ય વિભાગના અધિકારી ડો. શ્રી ચિરાગ શાહ અને તેમની આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી અને જીસીએસ મેડિકલ કોલેજના ડો. ઉર્વી શાહ કેન્સર સર્જન અને શ્રી સરફરાઝ મન્સૂરી કેમ્પ ઓફિસર, રેલવે હેલ્થ યુનિટ,કાલુપુરના ડો. એન્ટોની મેથ્યુ,આરોગ્ય વિભાગના કર્મચારીઓ, રેલવે સ્ટેશન ક્ષેત્રના આરોગ્ય નિરીક્ષક શ્રી પ્રકાશ ગીરી અને તેમની ટીમ, રેલવે સ્ટેશન ક્ષેત્રમાં કામ કરતા કુલીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા.
સ્ટેશન પર આવતા જતા તમામ પેસેન્જરોને પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાં ઉપસ્થિત મુસાફરો અને રેલીમાં ભાગ લેનાર લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જણાવવામાં આવ્યું હતું અને લોકોને તમાકુ છોડવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય આરોગ્ય નિરીક્ષક શ્રીમતી કવિતા મેનન અને આરોગ્ય નિરીક્ષક શ્રી આલોક અગ્રવાલે સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.