અમદાવાદ ડિવિઝન પર યાત્રી સુવિધાને વધુ સારી બનાવાશેઃ તરૂણ જૈન

File Photo
સ્ટેશન પર યાત્રીઓની સલામતી માટે 96 સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે તેને વધુ વ્યવસ્થિત લગાવવાની સૂચના આપી હતી
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર યાત્રી સુવિધાને વધુને વધુ સારી બનાવવાના હેતુથી ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈને તેમના તમામ શાખા અધિકારીઓ સાથે અમદાવાદ સ્ટેશનનું સવારે વિસ્તૃત નિરીક્ષણ કર્યું
આ માહિતી આપતા ડિવિઝનલ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જૈને યાત્રીઓની સુવિધા હેઠળ આવતા તમામ પાસાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને યાત્રીઓને વધુ સારી સુવિધા આપવા માટે સમગ્ર સ્ટેશન પરિસર, સ્ટેશન પ્લેટફોર્મ,કેટરિંગ સ્ટોલ, સ્ટેશન પર સુરક્ષા, સ્ટેશન પર ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષિત રેલ સંચાલન માટે રૂટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવેલ છે.
આ નિરીક્ષણ દરમિયાન, તેમણે પ્લેટફોર્મ નંબર એકના પ્રવેશદ્વાર પર યાત્રીઓના આગમન અને નિકાસી ગેટ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કરવામાં આવતી સુરક્ષાનો પણ નોંધ લીધી હતી તથા સુરક્ષામાં વધુ સુધારો કરવાના નિર્દેશ આપ્યો હતો તેમજ અમદાવાદ સ્ટેશનના પરિસરમાં આવતા વાહન ઓટો, બસ વ્યવસ્થા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી જેથીબહારગામથી આવતા-જતા યાત્રીઓને કોઈ અગવડ ન પડે.
તેમણે સ્ટેશન પરિસર અને સ્ટેશન પ્લેટફોર્મ પર વધુ સફાઈ વ્યવસ્થા માટે સફાઈ કર્મચારીઓને પણ નિર્દેશ આપ્યો હતો.અને સ્ટેશન પર યાત્રીઓની સલામતી માટે 96 સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે તેને વધુ વ્યવસ્થિત લગાવવાની સૂચના આપી હતી જેથી કેમેરાઓથી વધુને વિસ્તારને કવર થઈ શકે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સારી રીતે ગોઠવી શકાય.
સ્ટેશન પરની ખાણીપીણીની વ્યવસ્થામાં વધુ સુધારો કરવા માટે તેમણે ફૂડ સ્ટોલનું પણ નિરીક્ષણ કર્યું હતું અને ફૂડ સ્ટોલની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા સૂચના આપી હતી. આ સાથે સ્ટેશન પર આવતા અને જતા પાર્સલને સુનિશ્ચિત જગ્યાએ રાખવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો જેથી યાત્રીઓને પ્લેટફોર્મ પર પાર્સલના બંડલોને કારણે ચાલવામાં કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
ત્યારબાદ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈને સ્ટેશનના વી.આઈ.પી. લોજમાં તમામ શાખા અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી મુસાફરોની સુવિધાને વધુ સારી બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે ડિવિઝનના તમામ વિભાગોના શાખા અધિકારીઓ અને પર્યવેક્ષક ઉપસ્થિત રહ્યા હતા.