ADC બેંકની અદ્યતન સુવિધાઓ સાથે સિંગરવા શાખા ખુલ્લી મુકાઈ
બેંકની આ શાખા સિંગરવા વિસ્તારના લોકોને અદ્યતન બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરશે.
સિંગરવામાં આજ સુધી રૂપિયા ૭૦ કરોડના કામો પૂર્ણ કરાયા છે. _શ્રી પ્રદીપસિંહ જાડેજા
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું છે કે, વધતા વિકાસની સાથે બેંકોની જરૂરિયાત વધી છે ત્યારે સિંગરવા વિસ્તારમાં શરૂ કરાયેલી આ બેંકથી વિસ્તારના લોકોને અદ્યતન બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ થશે. મંત્રીશ્રીએ આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની સિંગરવા શાખાને ખુલ્લી મુકી હતી. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મંડળીની ૧૯૯ મી શાખામાં માઇક્રો એ.ટી.એમ. એસ.એમ.એસ. બેન્કિંગ, ઈમિડીએટ પેમેન્ટ સર્વિસ, સ્ટેમ્પ ફ્રેંકીંગ, લોકર, ઇન્ટરનેટ બેન્કિંગ તથા અન્ય અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સિંગરવા અને આસપાસના વિસ્તારના લોકો માટે આ બેંકની શાખા ઉપયોગી થશે. સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી યોજનાઓનો પરિણામલક્ષી લાભ વિસ્તારના લોકોને મળશે.
આ વિસ્તારના લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાનો આનંદ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આખા વિસ્તારમાં સૌથી મહત્તમ વિકાસ કામો કરાયા છે. આજ સુધી રૂપિયા ૭૦ કરોડના કામો પૂર્ણ કરાયા છે અને આગામી દિવસોમાં ૩૦ કરોડના કામ કરાનાર છે. શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારનું નમૂનારૂપ કહેવાય એવું આરોગ્ય ભવન ઊભું કરાયું છે. રોજના ૭૦૦ દર્દીઓ તેનો લાભ મેળવે છે સાથે-સાથે ઓવરહેડ ટાંકી, બોર અને પાઇપલાઇન દ્વારા શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું છે એટલું જ નહીં પાકા રસ્તા તળાવ બગીચા જેવી સુવિધાઓ પણ ઊભી કરાઇ છે. રાજ્યમાં કુલ પાંચ ગ્રીન સ્કૂલ બનાવાઈ હોવાનો ઉલ્લેખ કરી શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, આ પાંચ પૈકી એક ગ્રીન સ્કૂલ સિંગરવામાં બનાવાઇ છે
બેંકના ચેરમેન શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંક તેની સેવાઓનું સતત વિસ્તરણ કરી રહી છે. કુલ અંદાજે રૂપિયા ૧૦ હજાર કરોડનો વાર્ષિક કારોબાર ધરાવે છે. રૂપિયા ૬,૦૦૦ કરોડની થાપણનો અને રૂપિયા ૧૫૦૦ કરોડનું ધિરાણ ધરાવે છે. સિંગરવા શાખાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, આ બેંક દ્વારા સિંગરવા ગામને ડિજિટલ વિલેજ બનાવવાની નેમ છે. હવેથી ગામનો પ્રત્યેક ખાતેદાર ડિજિટલ વ્યવહાર કરી શકશે. કોઈપણ રાષ્ટ્રીય બેંકમાં હોય તેટલી અને તેવી અદ્યતન સગવડો આ શાખામાં છે. બેંક દ્વારા સામાજિક જવાબદારી સ્વરૂપે પણ કાર્યરત રહેશે એમ તેમણે ઉમેર્યું હતું
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના શ્રી કિરીટ ઠાકરેએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ ૧૯૯ મી શાખા સિંગરવા અને આસપાસના વિસ્તારની ગ્રામ્ય પ્રજા માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ પ્રસંગે બેંકના ડિરેક્ટરશ્રીઓ, પદાધિકારીઓ, સિંગરવાના સરપંચશ્રી, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા..