અમદાવાદ : ત્રણ દરવાજામાં દિવાળીની ખરીદી કરવા લોકોની પડાપડી
અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને કારણે તમામ ધંધા અને રોજગાર ઠપ્પ થઈ ગયા હતા અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ગત વર્ષે કોરોનાને કારણે દિવાળી ટાળે બજારોમાં લોકોની ભીડ જોવા મળી ન હતી જેથી વેપારીઓ નિરાશ થઈ ગયા હતા. જો કે, આ વખતે ત્રણ દરવાજા બજારમાં લોકોની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે જેના કારણે વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત રવિવારના રોજ બજારમાં બે થી અઢી લાખ લોકો જોવા મળ્યા હતા.
કોરોના વાયરસને કારણે ગત વર્ષે દિવાળીનો ઉત્સાહ ઠંડો પડ્યો હતો. પરતું આ વખતની દિવાળી પહેલા કોરોના વાયરસ કાબૂમાં આવતા લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉંમટી પડ્યા છે.
જો કે, દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેમાં હવે ફકત એક જ રવિવાર બાકી રહ્યો છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ભદ્ર પ્લાઝા બજારમાં ખરીદી કરવા માટે ઉમંટી પડ્યા છે.
સારી એવી ઘરાકીને કારણે વેપારીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યા છે. ગત રોજ બજારમાં ભારે ભીડ હોવાના કારણે બજારની આજુબાજુના દરવાજાઓ વાહન વ્યવ્હાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને લોકોને પોતાના વાહન બહાર મુકી બજારમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
આ અંગે પથારણા બજારમાં વેપાર કરતા એક વેપારીએ જણાવ્યું છે કે, રવિવાર સાંજે લોકો ખરીદી કરવા માટે ઉમંટી પડ્યા હતા અને રાત્રિના 10 વાગ્યા સુધી લોકોની સારી ભીડ જોવા મળી હતી. જો કે, ગત રોજ રવિવારના રોજ બે થી અઢી લાખ જેટલા લોકો ખરીદી કરવા માટે આવી પહોંચ્યા હતા. આ સાથે માણેકચોક,રતનપોળ અને શહેરના ઘણા શોપિંગ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.