Western Times News

Gujarati News

અમદાવાદ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન: રિપોર્ટીંગ બંધનું એલાન

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં એક પણ પડતર પ્રશ્નનો ઉકેલ નહીં લાવ્યા હોવાના આક્ષેપ સાથે અમદાવાદ જીલ્લા પંચાયત હસ્તકના ફાર્માસિષ્ટ, લેબોરેટરી ટેકનિશીયન, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને રિપોર્ટીંગ બંધ કરવાનું એલાન આપ્યુ છે. જન્મ, કુટુંબ કલ્યાણ, રસીકરણ અને હાલમાં ચાલી રહેલા શાળા આરોગ્ય કાર્યક્રમ સહિતના કામનો એક પણ રિપોર્ટ વડી કચેરીને નહીં મોકલી સરકાર પર દબાણ લાવવા માટે આરોગ્ય કર્મચારીઓ મક્કમ રહેવાની ચીમકી આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા મેલેરીયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘના આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેતૃત્વ હેઠળ તારીખ ૧૭/૦૧/૨૦૧૯થી આરોગ્ય સેવા બજાવતા પંચાયત હેઠળના વિવિધ સંવર્ગના કર્મચારીઓને આદેશ આપી તા.૨૧/૦૧/૨૦૧૯થી રાજય વ્યાપી આંદોલન ચાંગેના જડબેસલાક કાર્યક્રમો આપી સફળ લડત આપવામાં આવતા નામદાર સરકાર પક્ષે આપેલ આવેદન પત્રમાં સમાવિષ્ટ પડતર પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવી આપવાનો નિર્ણય લઇ ઉભયપક્ષે સમાધાન થયેલ.

પરંતુ પડતર પ્રશ્નોનું આજદીન સુધી કોઇપણ પ્રકારનું નિરાકરણ ન લાવી સરકારે આ મહાસંઘ સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરેલ છે. પરીણામે સમગ્ર રાજયમાં આરોગ્ય કર્મચારીઓમાં ઉગ્ર રોષ અને આક્રોશ ઉદભવેલ છે. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘની તા.૨૦/૧૦/૨૦૧૯ના રોજ જામનગર ખાતે થયેલ કારોબારી સભામાં ચર્ચા વિચારણા બાદ અને તાપી-વ્યારા જિલ્લાના પદમડુંગરી ખાતે તા. ૨૪/૧૧/૨૦૧૯ના રોજ આરોગ્ય મહાસંઘની એકશન પ્લાન મીટીંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર સરકારશ્રીને ફરીથી જલદ આંદોલનના કાર્યક્રમો આપી આરપારની લડત આપવાનું ઠરાવવામાં આવતા જયાં સુધી રજૂ થયેલ તમામે તમામ પડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ ન આવતા આ આદેશનો જિલ્લાભરના તમામ સંવર્ગના તમામ કર્મચારીઓ આદેશનો અમલ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.