અમદાવાદ પોલીસ બંદોબસ્તમાં : તસ્કરોને લહેર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/chain.jpg)
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં રથયાત્રાનો તહેવાર આવતાં સમગ્ર પોલીસ બંદોબસ્તમાં રોકાઈ છે. ત્યારે ચોરો તથા તસ્કરોને છુટો દોર મળી ગયો હોય એવું વાતાવરણ સર્જાયું છે. અમદાવાદનાં મોટાભાગનાં વિસ્તારોમાં ચીલઝડપ કરતાં ચેઈન સ્નેચરો ફરી વળ્યા છે. અને એક જ દિવસમાં કેટલીક ચીલઝડપની ફરીયાદો નોધાઈ છે.
ચાંદખેડા ન્યુ સીજી રોડ ખાતે રહેતાં સરોજબેન કાંતીલાલ ચૌધરી ગઈકાલે વહેલી સવારે પોતાનાં ઘરેથી મોર્નિગ વોક માટે નીકળ્યા હતા. ચાલતાં ચાલતાં તે શંકર ભગવાનનાં મંદીર પાસે પહોંચ્યા ત્યારે એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને પાછળ બેઠેલાં શખ્સે સરોજબેનના હાથમાંથી તેમનું પર્સ ખેચી લીધું હતું. બંને શખ્સોએ ચીલઝડપ કરી બાઈક ભગાવી મુકયું હતું. સરોજબેન થોડે સુધી પાછળ દોડયા પરંતુ બાઈક ચાલકો રફૂચકકર થઈ ગયા હતા.
ઓઢવ રાજેન્દ્રપાર્ક ખાતે રહેતાં કમલેશકુમાર ઠાકોર શનિવારે રાત્રે પોતાની નોકરી પતાવીને ઘરે પરત ફરી રહયાં હતા એ સમયે સારંગપુર સર્કલ ખાતે એડીપીર બાવાની દરગાહ નજીક એક શખ્સે તેમને અટકાવ્યા હતા અને જાઈને બાઈક કેમ નથી ચલાવતો કહીને બોલાચાલી કરી હતી.દરમ્યાન બીજા એક શખ્સે તેમનાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન નજર ચુકવી કાઢી લીધો હતો. જે અંગે બાદમાં કમલેશકુમારને જાણ થતા તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
નરોડા પોલીસ સ્ટેશનમાં અક્ષયપ્રસાદ નામનાં વ્યકિતએ ફરીયાદ નોધાવી છે. કે ગઈકાલે સવારે નવ વાગ્યા તે નરોડા જીઈબી પાસે રાઘવ રેસીડેન્સી સામેથી પસાર થઈ રહયા હતા એ વખતે એક મોટર સાયકલ પર આવેલાં બે શખ્સોએ તેમનાં પત્નીનાં ગળામાંથી રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતો અને નરોડા દહેગામ સર્કલ તરફ બાઈક ભગાવી મુકી હતી.