અમદાવાદ : પ્રેમિકાની ઈચ્છા માટે હત્યા કરી હત્યારા પ્રેમીપંખીડાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં એક બ્રિજ પર વાહન ચાલક સાથે ઝપાઝપી કરી તેને છરી મારી યુવકની હત્યા નિપજાવનાર ત્રણ મિત્રોની ધરપકડ કરી યુવકની પ્રેમિકા અને સગીરા મિત્રની પણ અટકાયત ઇસનપુર પોલીસે કરી છે. ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ પાંચ આરોપીઓમાં એક યુવતી અને એક યુવક બને પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકાએ મોબાઈલ ફોન માંગતા પ્રેમીએ રોડ પર યુવકને આંતરીને મોબાઈલ લૂંટયો હતો. હત્યા બાદ આરોપીઓ અડધું અમદાવાદ ફર્યા પણ પોલીસ ને જોઈને બાઇક ૧૨૦ની સ્પીડે ભગાવ્યું પણ પોલીસ આ લોકોને પકડવામાં સફળ સાબિત થઈ. પણ પ્રેમિકા અને પ્રેમીની પ્રેમ કહાની હવે સલાખો પાછળ શરૂ રહેશે.
થોડું કામ છે આવું હમણાં એમ કહીને ઘર માથી ગયેલા ઉમંગ દરજીને જોવા માટે આખોય પરિવાર હવે રાહ જોઈ રહ્યો છે. પરંતુ હવે એ ઉમંગ દરજી પાછો ક્યારેય નહીં ફરે કારણકે અજાણ્યા ચાર થી પાંચ જેટલા લોકોએ ઉમંગ દરજી ઉપર શુક્રવારે રાત્રે ગુરુજી બ્રિજ ઉપર છરી ના ઘા માર્યા હતા, આ સમગ્ર બાબતને લઈને ઇસનપુર પોલીસ લૂંટ-વિથ મર્ડરનો ગુનો દાખલ કરીને પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમી આધારે કૃણાલ દલવાડી, હાર્દિક ઉર્ફે ચીમન અગ્રવાલ, શ્યામ ઉર્ફે લક્કી રાઠોડ અને બે સગીરાની ધરપકડ કરી છે.
આ તમામ લોકો મિત્રો છે. એક ગૃપ બનીને તેઓ એક જગ્યાએ ભેગા થયા હતા ત્યારે શ્યામની પ્રેમિકાએ તેની પાસે મોબાઈલ ફોન ગિફ્ટમાં માંગ્યો હતો. પણ શ્યામ પાસે પૈસા ન હોવાથી તે પ્રેમ સાબિત કરવા મોબાઈલ લાવવા મથ્યો હતો. બાદમાં તમામ લોકો નિકળ્યા અને ત્યાં ઉમંગ દરજી વાહન પર જતો હતો. તેની પાસે મોબાઈલ ફોન દેખાતા જ શ્યામએ તેને રોક્યો, માર્યો અને ફોન છીનવવાનો પ્રયાસ કર્યો પણ ઉમંગ લડ્યો અને તેને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.
પોલીસસુત્રોનું કહેવું છે કે, ગુનાને અંજામ આપ્યા બાદ શ્યામ અને તેની ગર્લફ્રેન્ડ ભાગ્યા હતા. વાસણા શાહપુર સહિતના અનેક વિસ્તારોમાં પોલીસથી બચવા ફર્યા હતા. પણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને દૂરથી પોલીસને જોઈને ફરી શ્યામ ભાગ્યો હતો. પોલીસ પાસે કાર અને શ્યામ પાસે બાઇક હતું અને શ્યામએ ૧૨૦ની સ્પીડે બાઇક હંકાર્યું અને પોલીસ તથા શ્યામ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પણ ઇસનપુર પોલીસસ્ટેશનના પીએસઆઇ કે.એમ.ચાવડા એ હિંમત ન હારી અને જીવના જોખમે તમામ લોકોને ઝડપી પાડી હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલ્યો હતો.