અમદાવાદ-બોટાદ અને બોટાદ-ગાંધીગ્રામ પેસેન્જર ટ્રેન શરૂ
સાળંગપુર જતાં યાત્રિકો માટે ખુશીના સમાચાર
વડોદરા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેવાની સાથે તેઓ અમદાવાદ સહિત ગુજરાતને કરોડો રૂપિયાના ૧૮ જેટલા વિવિધ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની સાથે ખાતમુહૂર્ત કર્યુ હતું. આ કાર્યક્રમ દરમિયાન તેઓ સાબરમતી-બોટાદ ગેજ કન્વર્ઝન લાઈનનું લોકાર્પણ કરવાની સાથે અમદાવાદ-બોટાદ અને બોટાદ-ગાંધીગ્રામ પેસેન્જર ટ્રેનને ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
તેની સાથે જ સાબરમતી ઉપરાંત સુરત, ઉધના અને સોમનાથ સ્ટેશન રિડેલપમેન્ટ પ્રોજેક્ટ, વડોદરામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવન માટે ભૂમિપૂજન કરવાની સાથે અન્ય કાર્યક્રમો ઓનલાઈન સંપન્ન કર્યું હતું. PM નરેન્દ્ર મોદી દ્વારા આજે જે કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી ગુજરાતનાં હજારો મુસાફરોને લાભ થવા જઈ રહ્યો છે. આજથી ગુજરાતમાં અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થઈ છે.
નોંધનીય છે કે આ રૂટ પર ટ્રેનો વર્ષોથી ચાલતી હતી પરંતુ ટ્રેનના પાટાને પહોળા કરવાના કામ માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રેન બંધ હતી. જાેકે આજથી ફરીથી પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થઈ રહી છે જેનાથી અમદાવાદથી સાળંગપુર દાદાના દર્શન તથા ગણેશપુરા જેવા મંદિરે જતાં યાત્રાળુઓ માટે ખાસ સુવિધા રહેશે.
આ સિવાય લુનિધાર-ઢસા, પાલનપુર-રાધનપુર ટ્રેનને પણ PM મોદીએ લીલી ઝંડી બતાવી છે, સાથે સાથે અનેક રેલવે સ્ટેશનના કામોનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતેથી સ્પે.ટ્રેન બપોરે ૨.૦૫ કલાકે ગાંધીગ્રામ-બોટાદ ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવશે.
ગાંધીગ્રામથી આ ટ્રેન બપોરે ૩.૦૨ કલાકે ઉપડશે અને વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ગોધનેશ્વર, કોટગાંગડ, અરણેજ, લોથલ, ભુરખી, લોલીયા, હડાળાભાલ, ડોલી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદ્રવા, જાળીયા રોડ, સાળંગપુર, અગાઉ જેવા સ્ટેશનોએ સ્ટોપ કરી અને બોટાદ ખાતે સાંજે ૭.૨૦ કલાકે પહોંચશે. દૈનિક ગાંધીગ્રામથી સવારે ૬.૫૫ કલાકે ટ્રેન ઉપડી અને બોટાદ ખાતે ૧૦.૩૦ કલાકે પહોંચી જશે.
અને બીજી ટ્રીપ સાંજે ૬ કલાકે ઉપડી અને બોટાદ રાત્રે ૯.૫૫એ પહોંચશે. બોટાદથી સવારે ૬ કલાકે ટ્રેન ઉપડી અને ગાંધીગ્રામ ખાતે ૯.૩૫ કલાકે આવી પહોંચશે. બીજી ટ્રીપ બોટાદથી સાંજે ૫.૨૦ કલાકે ઉપડી અને ૯ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. તેમજ ભાવનગરથી લુણીધારની દૈનિક ટ્રેન તા.૧૮થી શરૂ થશે.
ભાવનગર ટર્મિનસથી સવારે ૫ કલાકે ઉપડી ભાવનગર પરા, સિહોર, ધોળા, ઢસા, લાઠી, ખીજડીયા, ચિત્તલ થઇ અને લુણિધાર ખાતે સવારે ૭.૩૫ કલાકે પહોંચશે. લુણીધારથી આ ટ્રેન સવારે ૧૦ વાગે ઉપડી અને ભાવનગર ખાતે ૧૨.૩૦ કલાકે આવી પહોંચશે.SS3KP