અમદાવાદ બ્લાસ્ટ કેસઃ ૩૮ આરોપીને ફાંસીની સજા, ૧૧ આરોપીને જીવે ત્યાં સુધી કેદ
અમદાવાદ, શહેરમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થયો છે. આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા ૪૯ દોષિતોને સજાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને સજામાં યુએપીએની કલમ ૨૦ હેઠળ ૩૮ આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે, ૧૧ આરોપીઓને આજીવન કેદ જીવે ત્યાં સુધી સજા ફટકારવામાં આવી છે.
કોર્ટ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ૧થી ૧૬ નંબર અને ૧૮, ૧૯, ૨૦, ૨૮, ૩૧, ૩૨, ૩૬, ૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૨, ૪૪, ૪૫, ૪૭, ૪૯, ૫૦, ૬૦, ૬૩, ૬૯, ૭૦ અને ૭૮ નંબરના આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. મૃતકના પરિજનોને ૧ લાખનું વળતર આપવામાં આવશે.
આ સાથે ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજારનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંક સામાન્ય ઇજા વાળા વ્યક્તિઓને ૨૫ હજાર રુપિયાનું વળતર આપવામાં આવશે. ગત ૦૮ ફેબ્રુઆરીના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો. જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ૪૯ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
કોર્ટમાં પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે, આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે. આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાનમાં લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, ઇજાઓ પામ્યા. એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. આરોપીઓને મહત્તમ સજા થવી જાેઈએ. આરોપીઓને કોઈ રહેમ ના આપવી જાેઈએ.
આ કેસમાં કોર્ટે કુલ ૭૮માંથી ૪૯ આરોપીઓને યુએપીએ અંતર્ગત દોષિત જાહેર કર્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત યુએપીએ અંતર્ગત ૪૯ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ ૪૯ પૈકીના ૧ દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરી હોવાથી તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બાકીના ૨૯ આરોપીઓને કોર્ટે શંકાના આધારે નિર્દોષ જાહેર કર્યા છે.
દોષિત આરોપીઓમાંથી ૩૨ આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે.સિરિયલ બ્લાસ્ટના ચુકાદામાં કોર્ટે ૪૯માંથી ૩૮ દોષિતને ફાંસીની સજા કોર્ટે સંભળાવતા બ્લાસ્ટના પીડિત પરિવારોમાં ખુશીની લહેર છવાઈ છે. સિવિલ ટ્રોમાં સેન્ટર પાસે થયેલા બ્લાસ્ટમાં ઘવાયેલા રમણલાલએ ચુકાદાથી ખુશી જાહેર કરી છે.
તેમણે કહ્યુ કે, આગામી પેઢીમાં આ અસર થશે અને આવું કૃત્ય કરતા કોઈ સો વાર વિચાર કરશે તેવો સંતોષ વ્યક્ત કર્યો છે.આ સિરિયલ બ્લાસ્ટમાં સૌથી મોટો બ્લાસ્ટ સિવિલ ટ્રોમા સેન્ટર પર થયો હતો. જ્યાં ઘાયલોની સેવા કરવા આવેલા સેવાર્થીઓ પણ બ્લાસ્ટનો ભોગ બન્યા હતા. આ ટ્રોમાં સેન્ટરમાં ઘવાયેલા રમણલાલએ કોર્ટે સંભળાવેલા આ ચુકાદાથી સંતોષ વ્યક્ત કર્યો છે.
બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો સેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે તે ભાજપના મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર રમણલાલ માળી પણ ત્યાં સેવા આપવા પહોંચ્યા હતા.દર્દીઓને દાખલ થવામાં મદદ કરતા હતા ત્યારે અચાનક જ બ્લાસ્ટ થયો હતો.
જેમાં રમણલાલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ૨૨ દિવસની સારવાર બાદ સાજા થયા હતા પરંતુ એ ઘટનાના નિશાન હજુ તેમના શરીર પર અને મગજમાં છે.
તેમણે જણાવ્યું કે, ૨૦૦૮માં સિવિલ ટ્રોમાં સેન્ટર બ્લાસ્ટમાં ઘાયલ દર્દીઓને સેવા આપવા સિવિલ ગયો હતો. ત્યાં બ્લાસ્ટ થયો જેમાં લોખંડની એન્ગલ મારા પગમાંથી આરપાર થઈ ગઈ હતી. કોર્ટના આ ચુકાદાથી જે પીડિત પરિવારો છે તેઓ ચોક્કસ ખુશ થશે.
કારણ કે, ઘાયલોને સારવાર માટે સેવા માટે જ્યારે ડોકટર્સની ટીમ કામે લાગી હોય અને તેમની હત્યાનું કાવતરું જે ઘડાયું હતું તેવા હત્યારાઓને ક્યારેય ક્ષમા ન કરી શકાય. માત્ર રમણલાલ માળી જ નહીં એ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા પૂર્વ કાઉન્સિલર તુલસી ભીલ અને વિષ્ણુભાઈએ પણ કોર્ટના આ ચુકાદાને આવકર્યો હતો.HS