અમદાવાદ ભાવનગર અને સુરતની મોટા ભાગની હીરા ફેક્ટરીઓમાં વેકેશન જાહેર

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ ભાવનગર અને સુરતની મોટા ભાગની હીરા ફેક્ટરીઓમાં વેકેશન જાહેર કરી દેવાયું છે. કારણ કે, ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતા વેપારીઓએ નુકસાન જવાના ભયથી વેચાણ કરવાનું હાલમાં બંધ રાખ્યું છે.
બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર પણ બ્રેક મારી રહ્યા છે. તૈયાર હીરાના પૂરતા ભાવ ન મળતા અમુક ફેક્ટરીઓમાં બેથી ત્રણ કલાક સુધી કામના કલાક ઘટાડાયા છે. જ્યારે નાના યુનિટોએ સાતથી ૧૦ દિવસનું વેકેશન જાહેર કરી દીધું હોવાનું જાણવા મળે છે.
છેલ્લા દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીના જણાવ્યા મુજબ, હાલમાં રફના ભાવ તો ઘટ્યા છે, પરંતુ તૈયાર હીરાના ભાવ તે મુજબ મળી રહ્યા નથી. જે વેપારીની હોલ્ડિંગ કેપેસિટી ઓછી છે તેઓ વેકેશન રાખી રહ્યા છે.
જ્યારે કેટલાંક યુનિટ બંધ રાખવાના બદલે સમય ઘટાડી રહ્યા છે. પરંતુ તહેવારો આવતા હોવાથી ફરી રિમાન્ડમાં વધારો થસે એવી શક્યતા છે. વૈશ્વિક હીરા બજારમાં સતત વધી રહેલા પોલિશ્ડ હીરાના પુરવઠા પર લગામ કસવાની આવશ્યકતા ઊભી થઇ છે.
જેને અનુસંધાને માગ અને પુરવઠાની સ્થિતિને સુદ્રઢ બનાવવા હીરાની અગ્રણી કંપનીઓ ઉનાળી વેકેશન જાહેર કરી રહી છે. યુક્રેન કટોકટી પછી રશિયા પર લગાડવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અમેરિકામાં વ્યાજદર અને ફુગામાં થયેલો વધારો સહિતના નકારાત્મક વૈશ્વિક પરિબળોના પગલે પોલિશ્ડ હીરાની માગ અને કિંમતોમાં ઘટાડો થયો છે. આમ પણ ઉનાળાના વેકેશનમાં રત્ન કલાકારો વતન જવા માટે ઉપડતા હોય છે.