અમદાવાદ મનપાએ રાજસ્થાન હોસ્પિટલને 77 લાખનો દંડ કર્યો
અમદાવાદ (દેવેન્દ્ર શાહ),
અમદાવાદમાં કોરોનાના કેસ અને મરણ વધી રહ્યા છે તેમ છતાં કેટલીક ખાનગી હોસ્પિટલો ઘ્વારા દર્દીઓની સારવારને લઈને ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે.જેના પરિણામે, દર્દીએ જીવ ગુમાવ્યા હોવાના પણ કિસ્સા બહાર આવી રહયા છે.
આવા જ કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા રાજસ્થાન હોસ્પિટલ ને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.જેની કાર્યવાહીના ભાગરૂપે રાજસ્થાન હોસ્પિટલ ટ્રસ્ટ અને ટ્રસ્ટઓને શનિવારે દંડ કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ ગત સપ્તાહ દરમ્યાન મનપાએ એપેડમીક એકટ અંતર્ગત રાજસ્થાન હોસ્પિટલને નોટિસ આપી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એમ.ઓ.યુ.થયા બાદ હોસ્પિટલ તરફથી 50 ટકા બેડ કોરોના માટે ફાળવવામાં આવ્યા નહતા તેમજ હોસ્પિટલ સ્ટાફની લાપરવાહીના કારણે કોરોનાના દર્દીએ જીવ ગુમાવ્યો હતો.
જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા રાજસ્થાન હોસ્પિટલ ટ્રસ્ટ, 8 બોર્ડ સભ્યો અને ટ્રસ્ટીઓને શો-કોઝ નોટિસ આપી હતી. જેના ભાગરૂપે મનપાએ કુલ રૂપિયા 77 લાખ નો દંડ કર્યો છે. જેમાં રાજસ્થાન ટ્રસ્ટને રૂપિયા 25 લાખ તેમજ બોર્ડના 8 સભ્યો અને 18 ટ્રસ્ટીઓ મળી કુલ 26 લોકોને વ્યક્તિદીઠ રૂપિયા2 -2 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આમ, ટ્રસ્ટ ને રૂપિયા 25 લાખ તેમજ હોદ્દેદારો-ટ્રસ્ટીઓને રૂપિયા 52 લાખ મળી કુલ રૂપિયા 77 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે ગત 18 જૂને લાઈફ કેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડતા તેમને રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.
ડે. હેલ્થ ઓફિસર અને લાઈફકેરના તબીબોએ આ અંગે રાજસ્થાન હોસ્પિટલના તબીબો સાથે વાત પણ કરી હતી. તેમ છતાં ફરજ પરના સ્ટાફે સમયસર દરવાજો ન ખોલતા દર્દીનું મૃત્યુ થયું હતું. મૃતકના પરીવારજનોએ આ મામલે હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આ ઘટનાની તપાસ દરમ્યાન આક્ષેપો સાચા હોવાનું સાબિત થયું હતું. તેથી એપેડમીક એકટ મુજબ હોસ્પિટલના 8 હોદ્દેદારો અને અન્ય 18 ટ્રસ્ટઓ મળી કુલ 26 લોકોને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી..
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે પ્રતિક્રિયા આપતા તે સમયે હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ કરીને તેનું “સી” ફોર્મ રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.