અમદાવાદ મનપાના જમ્બો બજેટમાંથી નાગરિકોની સુખાકારી માટે નજીવો ખર્ચઃ બે વર્ષમાં રૂ.૪૦૦ કરોડ જ વપરાયા
(ર્દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છેલ્લા ૧૫ વર્ષથી વિકાસના દાવા કરી રહ્યા છે. તેમજ મ્યુનિ. બજેટનું કદ રૂા. ૪૨૧ કરોડ થી વધી ૧૫ વર્ષમાં રૂા. ૯ હજાર કરોડ સુધી લઈ ગયા છે. પરંતુ શાસકો અને વહીવટીતંત્રના વિકાસ દાવાની પોલ અવારનવાર જાહેર થતી રહી છે.
ધોવાણમાં વરસાદી પાણીના ભરાવા, રોડ ના ધોવાણ તેમજ ભૂવા પડવા, ઉનાળામાં પીવા લાયક પાણી અને અપૂરતા પ્રેશરની સમસ્યા, ૨૦ ટકા વિસ્તારોમાં પાણી અને ડ્રેન્જના નેટવર્કનો અભાવ પાણીજન્ય રોગચાળાએ વિકાસની પરીભાષા બદલી છે. માર્ચ-૨૦૨૦માં કોરોનાના આગમન બાદ વિકાસનું વસ્ત્રાહરણ થયું છે.
તેમ છતાં અધિકારીઓ હજી સુધી સત્ય સ્વીકારવા તૈયાર નથી જ્યારે હોદ્દેદારો સત્ય સમજવા તૈયાર નથી. શહેરમાં છેલ્લા એક દોઢ મહીનામાં કોરોનાનો આંતક જાેવા મળ્યો છે. જેમાં મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય અને વહીવટી સેવાના ધજાગરા ઉડ્યા છે. છેલ્લા દોઢ દાયકાથી જે દાવા થતા રહ્યા છે તે કેટલા ખોખલા અને પોકળ હતા તે વધુ એક વખત સાબિત થયુ છે.
ઉંચી ઇમારતો અને મનોરંજનને વિકાસ માનતા અધિકારીઓ અને રાજકારણીઓએ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ સહેજ પણ ધ્યાન આપ્યુ નથી. મ્યુનિ. કોર્પોરેશન તરફથી હેલ્થ વિભાગ માટે જે રકમ ફાળવવામાં આવે છે તેનો મોટો હિસ્સો વહીવટી પ્રક્રિયા માટે ખર્ચ થાય છે જ્યારે દવા અને આધુનિક સાધનો માટે અડધો ટકો પણ ખર્ચ થતો નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટની રકમમાં કરોડો રૂપિયાનો વધારો કરવામાં આવે છે. પરંતુ મ્યુનિ. અધિકારીઓ અને હોદ્દેદારો નાગરીકોના સ્વાસ્થ્ય તરફ બેદરકાર રહ્યા છે. તથા બદલતા યુગ મુજબ નવા તબીબી સાધનો કે દવાઓ માટે ખર્ચ કરી શક્યા નથી.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માં હેલ્થ વિભાગમાં માટે કુલ રૂા. ૬૯.૮૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે પૈકી ૬૮ ટકા રકમ પગાર માટે ખર્ચ થઈ હતી. લોકશિક્ષણના નામે રૂા. ૨.૪૬ કરોડ તેમજ અન્ય ખર્ચના નામે રૂા. ૭૯ લાખ ખર્ચ કરવામાં આવ્યા છે.
પરંતુ તેની સામે નાગરીકોના સ્વાસ્થ્ય માટે માત્ર રૂા. ૪.૬૫ કરોડ (બે વર્ષમાં) ખર્ચ થયા છે. જેમાં પોલીયો માટે રૂા. ૬૬.૮૨ લાખ અને થેલેસેમીયા માટે માત્ર રૂા. ૧.૨૫ લાખ ખર્ચ થયા છે. ચાલી-ઝુંપડપટ્ટીમાં તબીબી સારવાર પાછળ બે વર્ષમાં રૂા. ૩.૩૬ લાખ ખર્ચ કરવામાં આવ્યા છે.
શહેરમાં ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માં મચ્છર નિવારણ કાર્યક્રમ પાછળ રૂા. ૩૫.૬૧ કરોડનો ખર્ચ થયો છે. જે પૈકી રૂા. ૧૯.૬૭ કરોડનો પગાર માટે ખર્ચ કરવામાં આવ્યા છે. મેલરીયા મેડીકલ પ્રોગામ અંતર્ગત બે વર્ષમાં રૂા. ૧૩.૨૯ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. જેમાં ધુમાડાની દવા, ઝોન પાવર, આઈ.બાર સ્પ્રે સહીતના ખર્ચનો સમાવેશ થાય છે. જેમાં ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માં રૂા. ૬.૪૩ કરોડનો ખર્ચ થયો છે. જૈ પૈકી રૂા. ૬.૩૯ કરોડ પગાર પેટે ચુકવવામાં આવ્યા છે. મતલબ, મેલેરીયા માટે બે વર્ષમાં માત્ર રૂા. ચાર લાખ ખર્ચ થયો છે.
મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શારદાબેન અને એલ.જી. હોસ્પિટલની પરિસ્થિતિ પણ અલગ નથી. એલ. જી. હોસ્પિટલમાં ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦માં કુલ રૂા. ૧૧૪.૦૮ કરોડનો ખર્ચ થયો હતો. જેની સામે મેડીકલ સાધનો, ઇન્જેકશન, તમામ પ્રકારની દવાઓ, એક્સ-રે ફીલ્મ, એન્ટી રેબીટ, સર્જિકલ સાધનો, લેબોરેટરી કેમીકલ વગેરેની ખરીદી માટે રૂા. ૩૪.૭૭ કરોડ જ ખર્ચ થયા હતા.
જ્યારે બે વર્ષનો પગાર ખર્ચ રૂા. ૬૪ કરોડ હતો. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંચાલિત સાત રેફરલ હોસ્પિટલોમાં બે વર્ષ દરમ્યાન કુલ રૂા. ૬.૭૮ કરોડનો ખર્ચ થયો છે. જે પૈકી દવાઓ માટે રૂા. ૩૦.૧૬ લાખ, સર્જીકલ સાધનો માટે રૂા. ૧૫.૧૨ લાખ તથા લેબોરેટરી કેમીકલ માટે રૂા. ૬.૯૦ લાખ ખર્ચ કરવામાં આવ્યા છે.
જ્યારે પગાર પેટે રૂા. ૬.૧૬ કરોડનો ખર્ચ થયો છે. આવી જ પરિસ્થિતિ મેટરનીટી હોસ્પિટલોની છે. જેમાં બે વર્ષમાં રૂા. ૧૭.૭૭ કરોડના ખર્ચ સામે રૂા. ૧૧.૭૨ કરોડ પગાર ખર્ચ થયો છે. શારદાબેન હોસ્પીટલ બે વર્ષ દરમ્યાન કુલ રૂા. ૮૪.૬૧ કરોડનો ખર્ચ થયો છે.
જેની સામે દવાઓ, સર્જિકલ અને મેડીકલ સાધનો, એક્સ-રે ફીલ્મ, લેબ કેમીકલ, ઈન્જેકશન , એન્ટી રેબીટ વગેરે પાછળ માત્ર રૂા. ૧૪.૮૩ કરોડ જ વાપરવામાં આવ્યા છે. જ્યારે પગાર ખર્ચ રૂા. ૫૫.૭૨ કરોડ છે.