અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સમાં ખાલી બંધનો લાભ આપવા માંગણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નાગરિકો અને નાના વેપારીઓના હિત ને ધ્યાનમાં રાખી દર વર્ષે મિલકતવેરા ની વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે. જેમાં વ્યાજ રિબેટ, એડવાન્સ ટેક્સ વળતર તેમજ ખાલી બંધ યોજનાઓ મુખ્ય છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે અગમ્ય કારણોસર ખાલીબંધ યોજના બંધ કરી હતી. જેના કારણે નાના વેપારીઓની આર્થિક સ્થિતિ બગડી હતી. નવા નાણાકીય વર્ષ ની શરૂઆતથી જ લોકડાઉન નો અમલ ચાલી રહ્યો છે જેના કારણે વેપારીઓની હાલત વધારે કફોડી બની છે. જેના કારણે, નવા નાણાકીય વર્ષમાં ખાલી બંધ યોજના નો લાભ આપવા માટે માંગણી થઈ રહી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 3 મહિના થી વેપાર ધંધા બંધ છે. તેમજ તે નિયમિત કયારે થશે? તેનો જવાબ આપવો મુશ્કેલ છે. શહેરના વેપારીઓએ કોવીડ-19 ના કારણે અમલી લોકડાઉન નો ચુસ્ત અમલ કર્યો છે. તેમજ સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો નું પાલન કર્યું છે. લોકડાઉન ના કારણે વેપારીઓની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. ત્રણ મહિનાથી ઝીરો આવક સામે ભાડા અને પગાર જેવા સ્થાયી ખર્ચ ફરજીયાત ચૂકવવા પડે છે.
આ સંજોગોમાં મિલ્કતવેરા ના મોટા બિલ ની ચુકવણી કરવામાં કેટલાક વેપારી એસોસિએશને અસમર્થતા દાખવી છે. તેમજ 12 મહિના ના ટેક્સ પૈકી 06 મહિના માટે નિયમ મુજબ ખાલી બંધ યોજના નો લાભ આપવા રજુઆત થઈ રહી છે.મેડિકલ પ્રોટેક્શન અમદાવાદ ફાઉન્ડેશન ઘ્વારા પણ ખાલી બંધ ના લાભ માટે મ્યુનિ. કમિશનર ને પત્ર લખવામાં આવ્યો છે.
તેમાં જણાવ્યા મુજબ સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1521/96 તેમજ મ્યુનિસિપલ બોર્ડ ઠરાવ નંબર 848/97 મુજબ ત્રણ મહીનાથી બંધ મિલ્કતોને ખાલી બંધ યોજના નો લાભ મળવા પાત્ર છે. તેથી સંપૂર્ણ લોકડાઉન ખુલે તે સમયથી છ માસ માટે ખાલી બંધ નો લાભ આપવામાં આવે તે જરૂરી છે. નોંધનીય છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને 1 જૂન થી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા અને સિનિયર કોર્પોરેટર સુરેન્દ્રનભાઈ બક્ષી ના જણાવ્યા મુજબ અર્થતંત્ર ને ફરીથી વેગવંતુ બનાવવા માટે નાના વેપારીઓનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. લોકડાઉન ના ત્રણ મહિના બાદ ચોમાસાની સિઝન શરૂ થઈ જશે. આ સંજોગોમાં દિવાળી પહેલા વેપાર ધંધા શરૂ થાય તેવી શક્યતા નહિવત છે.
લોકડાઉન ના કારણે જે લોકોને ભાડા ની મિલકત છે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તેથી ખાલી બંધ યોજના નો લાભ આપી ને તેમને આર્થિક રાહત આપવી જરૂરી છે. પૂર્વ કમિશનરે કોઈપણ પ્રકારની નોટિસ વિના જ આ યોજના બંધ કરી હતી. તેના કારણે 1500 જેટલી પડતર ફાઈલો અભરાઇ એ મુકવામાં આવી છે મ્યુનિસિપલ વહીવટી તંત્ર એ ચાર-પાંચ વર્ષથી ફાઇલ નો નિકાલ ન કરવાની ભૂલ કરી હતી પરંતુ તેનો ભોગ વેપારીઓ બન્યા છે. કોરોના ના આ કપરા સમય દરમ્યાન ચાલુ વર્ષ ઉપરાંત ખાલી બંધ ની પડતર જૂની ફાઈલો ના પણ નિકાલ કરી વેપારીઓને રાહત કરી આપવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી છે