Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ શાસકોનું અણધડ આયોજન

File

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના ‘અણધડ આયોજન’ માટે પ્રખ્યાત બની રહ્યુ છે. ચૂંટણીના વર્ષમાં નાગરીકોને રીઝવવા માટે કરોડો રૂપિયાના ખર્ચથી નવા કામો શરૂ કરવામાં આવે છે. પરંતુ યોગ્ય આયોજનના અભાવે તેનો લાભ નાગરીકોને મળતો નથી. તેમજ પ્રજાના રૂપિયાનું આંધણ થાય છે લાંભા વોર્ડમાં ચાલી રહેલા સ્ટ્રોમ વાટર ડ્રેનેજના કામમાં પણ આવો જ નજારો જાવા મળી રહ્યો છે.


મ્યુનિસિપલ કોર્પોરેશને લાંભામાં સ્ટ્રોમ વાટરનું કામ શરૂ કર્યુ છે. લાંભા વોર્ડની ટી.પી.પ૭,પ૮ માં વરસાદી પાણીના નિકાલ માટેે રૂ.૧૧ કરોડના ખર્ચેથી નવી લાઈનો નાંખવામાં આવી રહી છે. ચોમાસાની સિઝનમાં આ લાઈનો મારફતે વરસાદી પાણી નજીક ના સ્ટ્રોમ વાટર પંપીંગ સ્ટેશન સુધી જાય છે.

સ્ટ્રોમ લાઈનમાં વરસાદી પાણીની જે આવક થાય છે તેનો નિકાલ કરવા માટે સ્ટ્રોમ વાટર પંપીંગ સ્ટેશન જરૂરી છે. પરંતુ લાંભા વોર્ડમાં પંપીંગ સ્ટેશન બનાવવાની દિશામાં શાસકોએ વિચાર સુધ્ધા કર્યો નથી. જેના પરિણામે કરોડો રૂપિયાનો ખર્ચ એળે જાય એવી દહેશત વ્યક્ત થઈ રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર લાંભા સ્ટ્રોમ વાટર લાઈન માટે બે પંપીંગ સ્ટેશન બનાવવા માટે જે તે વિભાગ દ્વારા ટેન્ડંર જાહેર કરવામાં આવ્યા હતા. બે પંપીંગ સ્ટેશન માટે એક જ સંસ્થાએ રસ દાખવ્યો હતો. મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગ દ્વારા બે પંપીંગ સ્ટેશન માટેની દરખાસ્ત વાટર સપ્લાય કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. પરંતુ કમિટી ચેરમેને સિંગલ ટેન્ડરના કારણો દર્શાવી દરખાસ્ત પરત કરી હતી તથા શોર્ટ ટર્મ ટેન્ડર જાહેર કરવા સુચન કર્યા હતા.

કમિટિ ચેરમેનની સુચના મુજબ નવા ટેન્ડર જાહેર થઈ ગયા છે પરંતુ તેની મંજુરી પ્રક્રિયા અને વર્ક ઓર્ડર માટે ે એક માસ જેટલો સમય થઈ શકે છે. આ સંજાગોમાં નવા ડ્રેનેજ પંપીંગ સ્ટેશનના કામ ચોમાસા પહેલાં પૂર્ણ થાય એવી કોઈ જ શક્યતાઓ નથી. તેથી સ્ટ્રોમ વાટર લાઈનમાં વરસાદી પાણીની જે આવક થશે તેનો નિકાલ ક્યાં કરવો તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

વાટર સપ્લાય ચેરમેને સિંગલ ટેન્ડરના કારણો દર્શાવી દરખાસ્ત નામંજુર કરી હતી. નિયમ મુજબ તેમનો નિર્ણય યોગ્ય છે. પરંતુ મનપામાં દર અઠવાડીયે અનેક સિંંગલ ટેન્ડર મંજુર થઈ રહ્યા છે. તથા કમિટિ દ્વારા નામંજુર કરવામાં આવેલ દરખાસ્ત પણ ફરીથી મંજુર થાય છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા સિક્યોરીટી સર્વિસ માટે જે શરતો સાથે દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી

તે શરતો કમિશનરને માન્ય ન હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમ મુજબ ટેન્ડર મંજુર થઈગયા બાદ તેમાં કોઈપણ ફેરફાર થઈ શકતા નથી. પરંતુ મ્યુનિસિપલ હોદ્દેદારો અને અધિકારીઓએ આ તમામ નિયમો અભરાઈએ મુક્યા છે. આવા સંજાગોમાં સ્ટ્રોમ વાટર લાઈન માટે માત્ર નિયમોની દુહાઈ આપીને નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબત આશ્ચર્યજનક લાગે છે.

સ્ટ્રોમ વાટર લાઈનના કામ ચાલી રહ્યા છે એવા સંજાગોમાં જુન-ર૦ર૦ પહેલાં પંપીંગ સ્ટેશન તૈયાર થવા જરૂરી છે. વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં વર્ક ઓર્ડર આપવામાં આવે તો ચાર મહિનામાં જ પંપીગ સ્ટેશન તૈયાર થવા અશક્ય છે. તેથી ચાલુ વરસે સ્ટ્રોમ વાટર લાઈન માટે થઈ રહેલ ખર્ચ એળે જાય તેવી ૧૦૦ ટકા શક્યતા છે. લાંભાના રહીશોને વધુ એક વખત ચોમાસામાં કેડસમા પાણીમાંથી અવરજવર કરવી પડશે. આ કિસ્સામાં વહીવટી તંત્રનો દોષ નથી, પરંતુ શાસકોની અણઆવડત જવાબદાર છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.