અમદાવાદ : મ્યુનિ.એ ૨૮૨ કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગને કાબુમાં લેવા મ્યુનિ.એ કુલ ૩૬૮ એકમોની તપાસ કરી ૨૮૨ એકમોને નોટિસ ફટકારી હતી. મચ્છરના બ્રિડીંગ મળવાથી ઓઢવના બે એકમો પાસેથી એકમ દીઠ રુપિયા પચાસ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. કુલ રુપિયા છ લાખથી પણ વધુની રકમ કોમર્શિયલ એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે વસુલવામાં આવી હતી.
આ અંગે મળતી માહીતી મુજબ. મચ્છરજન્ય રોગોને નિયંત્રણમાં લેવાની કામગીરીના ભાગરૃપે હેલ્થ વિભાગે શહેરમાં વિવિધ કોમર્શિયલ એકમોમાં તપાસ કરી હતી. ઓઢવમાં આવેલા એ.આઈ.એન્જિનિયરીંગ તેમજ મેટસો આઉટોટેકમાં મચ્છરના બ્રિડીંગ મળતા વહીવટી ચાર્જ વસુલાયો હતો. ગોતાની રેનીસન્સ હોટલને બ્રિડીંગ મળી આવતા રુપિયા ત્રીસ હજાર, થલતેજના રીલાયન્સ માર્ટ, રુપિયા વીસ હજાર, ગાલા એમ્પારીયા પાસેથી રુપિયા પચ્ચીસ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
જાેધપુરના ઈસુઝી વર્કશોપ પાસેથી રુપિયા પચ્ચીસ હજાર તથા જમાલપુરના પી એન્ડ આર ગ્રુપ તથા થલતેજના રીલાયન્સ માર્ટ પાસેથી એકમ દીઠ રુપિયા પચ્ચીસ હજારનો વહીવટી ચાર્જ વસુલાયો હતો. આ સિવાયના એકમો પાસેથી રુપિયા પંદર હજારથી રુપિયા પાંત્રીસસો સુધીનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.