Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે રૂા.૮૧૧૧ કરોડનું બજેટ રજુ કર્યુ

ડ્રાફટ બજેટમાં પ્રથમ વખત ફાયર વિભાગને અપગ્રેડ કરવા જાેગવાઈ: મહિલાઓ માટે ર૧ પીંક ટોઈલેટ બનાવવા જાહેરાત: બોપલ, કઠવાડાના ડેવલપમેન્ટ માટે રૂા.૯૦ કરોડ ખર્ચ થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માટે મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ રૂા.૮૧૧૧ કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કર્યુ છે. મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં પ્રજા પર નવા કરવેરા નાંખવામાં આવ્યા નથી.

મ્યુનિ. કમિશ્નરે નવા નાણાકીય વર્ષમાં એનર્જી સેવીંગ, ફાયર વિભાગ, મોડેલ શાળા, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ વગેરે પર ભારુ મુકયો છે સાથે-સાથે મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોના નવીનીકરણ માટે પણ ખાસ જાેગવાઈ કરવામાં આવી છે. જાેકે, ભુતકાળની માફક કમિશ્નર લોચન શહેરાના બજેટમાં પણ આવકનું પલડુ અસમતોલ જણાય છે. જયારે એડમીન અને પાવર – બળતણના ખર્ચમાં દર્શાવેલ વધારો ગળે ઉતરે તેમ નથી.

મ્યુનિ. કમિશ્નર લોચન શહેરાએ ર૦રર-ર૩ ના નાણાકીય વૃષમાં પ્રજાના આરોગ્ય અને જાનમાલની સુરક્ષા પર ખાસ ધ્યાન આપ્યુ છે. મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત ફાયર વિભાગ માટે રૂા.૧૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. સાથે-સાથે ફાયર કર્મચારીઓના યુનિફોર્મ માટે પણ અલગ જાેગવાઈ થઈ છે.

મ્યુનિ. કમિશ્નરે ફાયર એડવાઈઝરી કાઉન્સીલની ગાઈડલાઈન મુજબ દર પાંચ કિલોમીટરે એક ફાયર ચોકી બનાવવા જાહેરાત કરી છે. ર૦રર-ર૩માં શાહવાડી- વાસણા, ચાંદલોડીયા તથા શીલજમાં ફાયર ચોકી બનાવવામાં આવશે. ત્રણ ફાયર ચોકી તથા તેમાં જરૂરી સાધનો માટે રૂા.૧૦.પ૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.

આગ કે અન્ય દુર્ઘટના સમયે રિસ્પોન્સ સમય ઘટાડવા માટે પાંચ વર્ષમાં ૩પ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. નવા નાણાકીય વર્ષમાં ગોતા, વટવા- લાંભા તથા રામોલ- હાથીજણમાં ફાયર સ્ટેશન બનાવવા કમિશ્નરે રૂા.૭પ કરોડની ફાળવણી કરી છે. શેહરમાં ર૦-રપ માળની બિલ્ડીંગો બની રહી છે જેની સામે ફાયર વિભાગ પાસે હાઈડ્રોલીક પ્લેટફોર્મનો અભાવ છે નવા નાણાકીય વર્ષમાં ૧૦૪ મીટર ઉંચાઈ સુધી હાઈડ્રોલીક પ્લેટફોર્મની ખરીદી થશે.

શહેરના નાગરીકોને શુધ્ધ અને પીવાલાયક પાણી પુરતા પ્રેશરથી મળી રહે તેમજ પાણીની સમસ્યા ઓછી થાય તે માટે નવા ૧પ વો.ડી. સ્ટેશન બનાવવા જાહેરાત કરી છે જાેકે મધ્યઝોનમાં નવા વો.ડી. સ્ટેશન બનાવવામાં કમિશ્નરે રસ દાખવ્યો નથી. શહેરની સુઅરેજ સીસ્ટમ અપગ્રેડ કરવા તથા સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવા માટે ડ્રાફટ બજેટમાં રૂા.૬૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ખારીકટ કેનાલને રૂા.૯૦૦ કરોડના ખર્ચથી ડેવલપ કરવામાં આવશે.

જેના માટે રાજય સરકાર તરફથી રૂા.૪૦૦ કરોડ અને વર્લ્ડ બેંકની લોનમાંથી રૂા.૪૦૦ કરોડ ખર્ચ થશે જયારે મ્યુનિ. કોર્પોરેશન પણ રૂા.૧૦૦ કરોડનો ખર્ચ કરશે. ર૦રર-ર૩માં ખારીકટ માટે રૂા.૧૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે ર૦ર૧-રર ના અંદાજપત્રમાં ૧૩ બ્રીજ માટે જાહેરાત કરવામાં આવી હતી.

જે પૈકી રાજય સરકાર દ્વારા ૦૯ બ્રીઝ માટે મંજુરી મળી છે. ર૦રર-ર૩માં બાકી રહેલા ૦૪ બ્રીજ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. જયારે ૧૧ સ્થળે ક્રોસિંગ મુક્ત લાઈન માટે અંડરપાસ કે રેલ્વે ઓવરબ્રીજ બનાવવામાં આવશે. મ્યુનિ. કમિશ્નરે તમામ ઝોનમાં એક સ્માર્ટ શાળા બનાવવા પર ખાસ ભાર મુકયો છે.

નવા વર્ષમાં સાત સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવશે શહેરને હરીયાળુ બનાવવા તેમજ નાગરીકોના આનંદ- પ્રમોદ માટે નવા ૧૪ બગીચા બનાવવામાં આવશે. જયારે સાત બગીચાના નવીનીકરણ થશે. મ્યુનિ. બજેટમાં પ્રથમ વખત મહીલાઓ માટે ર૧ “પીંક ટોયલેટ” બનાવવા માટે જાહેરાત થઈ છે.

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલના નવીનીકરણ માટે રૂા.૧૬૦ કરોડ, એલ.જી. હોસ્પીટલના ડેવલપમેન્ટ માટે રૂા.રરપ કરોડ, શારદાબેનના નવીનીકરણ માટે રૂા.૧૮૦ કરોડની જાહેરાત કરવામાં આવી છે.

શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો બોપલ, નાના ચિલોડા, કઠવાડામાં માળખાકીય સુવિધા માટે સ્વર્ણિમ જયંતી ગ્રાન્ટમાંથી રૂા.૯૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત રોડ માટે રૂા.૪૦ કરોડ, પાણી માટે રૂા.૩૦ કરોડ તથા ડ્રેનેજ માટે રૂા.ર૦ કરોડના કામ કરવામાં આવશે. મ્યુનિ. કમિશ્નરે ઝોનલ બજેટ માટે રૂા.પ૦૦ કરોડની ફાળવણી કરી છે. મધ્યઝોનને રૂા.પ૬ કરોડ, ઉત્તરઝોન માટે રૂા.૮પ કરોડ, દક્ષિણ ઝોન માટે રૂા.૯૪ કરોડ, પૂર્વ ઝોન માટે રૂા.૯૦ કરોડ, પશ્ચિમ ઝોન માટે રૂા.૬પ કરોડ, ઉ.પ.ઝોન તથા દ.પ.ઝોન માટે રૂા.પપ.પપ કરોડની જાેગવાઈ કરી છે.

આવક-જાવકની દૃષ્ટિએ અસમતોલ બજેટ
મ્યુનિ. કમિશ્નર લોચન શહેરાનું બજેટ સામાન્ય નાગરીકો માટે સમતોલ માનવામાં આવે છે પરંતુ ખર્ચ અને આવક મામલે અસમતોલ લાગી રહયુ છે. રાજય સરકાર તરફથી ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ પેટે દર વરસે રૂા.૧૦૪પ કરોડ મળે છે તેમ છતાં વધુ આવક દર્શાવવા માટે કમિશ્નરે ર૦રર-ર૩ માં ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ પેટે રૂા.૧પ૦૦ કરોડ મળશે તેવા દાવા કર્યા છે.

ડ્રાફટ બજેટમાં એનર્જી સેવીંગ પર ભાર મુકવામાં આવ્યો છે તેમ છતાં પાવર-બળતણ ખર્ચમાં ૧૧ ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. મનપામાં છેલ્લા ત્રણ વર્ષથી એડમીન, ખર્ચ રૂા.૮પ કરોડ થાય છે જયારે ર૦રર-ર૩માં એડમીન ખર્ચમાં રૂા.ર૩.૩૧ ટકાનો નોધપાત્ર વધારો દર્શાવ્યો છે.

મ્યુનિ. કમિશ્નરે બજેટ કદમાં વધારો કરવા માટે આવક અને જાવકના આંકડા સાથે રમત કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માટે રૂા.૮૧૧૧ કરોડના બજેટમાં રૂા.૪ર૪૦ કરોડ રેવન્યુ તથા રૂા.૩૮૭૧ કરોડ કેપીટલ બજેટ છે. નાણાકીય વર્ષ ર૦ર૧-રર ના ડ્રાફટ બજેટમાં કમિશ્નરે રૂા.૬૩૬ કરોડનો વધારો કર્યો છે પરંતુ મ્યુનિ. શાસકો દ્વારા મંજુર કરવામાં આવેલા અંદાજપત્રમાં રૂા.૧૩૮૪ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કમિશ્નરે વર્તમાન નાણાકીય વર્ષ માટે શાસકો દ્વારા જાહેર કરવામાં આવેલા વિકાસકાર્યમાં રૂા.૧૧૦૬ કરોડનું “ગાબડુ” પાડ્યુ છે ડ્રાફટ બજેટમાં રેવન્યુ આવક રૂા.પ૬પ૬ કરોડ મળશે તેવા દાવા કરવામાં આવ્યા છે પરંતુ ર૦૧૯-ર૦ ની રેવન્યુ આવક રૂા.૩૯૦૩.ર૩ કરોડ તથા ર૦ર૦-ર૧ની રેવન્યુ આવક રૂા.૪૪૯૭.૬ર કરોડ હતી.

ઓકટ્રોય ગ્રાન્ટ તથા ટેક્ષની આવકમાં કોઈ નોંધપાત્ર વધારો થાય તેમ નથી તેથી વર્ષાન્તે રીવાઈઝડ બજેટમાં આવક ઘટાડવામાં આવે તેવી દહેશત નિષ્ણાતો વ્યકત કરી રહયા છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાને ડ્રાફટ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે કમિશ્નરે પરંપરા મુજબ કલીન સીટી અને સ્માર્ટ સીટીના દાવા કર્યા છે.

પરંતુ જે શહેરમાં ૧૦૦ ટકા ડ્રેનેજ અને પાણીના નેટવર્ક ન હોય તેને સ્માર્ટ સીટી કેવી રીતે કહેવામાં આવે છે તે બાબત સમજી શકાય તેમ નથી, મ્યુનિ. કમિશ્નરે જે રીતે વાયદા કર્યા છે તેનો પુર્ણ અમલ થાય તો જ બજેટ સાર્થક માનવામાં આવશે અન્યથા માત્ર શાસક પક્ષને ખુશ કરવા માટે બજેટ તૈયાર કરવામાં આવ્યુ હોય તેમ માનવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.