અમદાવાદ મ્યુનિ. કમીશ્નરે “બંધ કવર” માં ઈજનેર અધિકારીઓને આદેશ કર્યા !
રોજ ત્રણ કલાક ફીલ્ડમાં રહેવા ડે. કમીશ્નરોને પણ તાકીદ કરવામાં આવીઃ પ૦ ટકા કેચપીટોની પરિસ્થિતિ બદ્તર જણાતા કમીશ્નરે કડક કાર્યવાહીના મુડમાં |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પરંપરાગત રીતે પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે. જેનું વરસાદના એકાદ-બે ઝાપટામાં જ સદ્દર પ્લાનનું ભવ્ય ધોવાણ થાય છે. મ્યુનિ.ઈજનેર ખાતા ના કેટલાક બેદરકાર અને ભ્રષ્ટઅધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મજબુત સાંઠગાંઠના કારણે પ્રજાના પૈસા પાણીમાં જાય છે. અને શહેર “પાણી-પાણી” થઈ જાય છે. સદ્દર “સાયકલ”ને રોકવા માટે મ્યુનિ.કમીશ્નર “મેદાન”માં આવ્યા છે. તથા છેલ્લા ચાર દિવસથી તમામ વોર્ડની પરિસ્થિતીનું નિરીક્ષણ કરી રહયા છે.
જેમાં અનેક પ્રકારની ગેરરીતિઓ બહાર આવી છે. બીજા શબ્દોમાં કહી એ તો મ્યુનિ. કમીશ્નરે જ ઈજનેર ખાતામાં વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર ને ઉજાગર કર્યા છે. તથા તેને રોકવા માટે કડક કાર્યવાહી કરી છે. જેના ભાગરૂપે તમામ ઝોન ના ડે. મ્યુનિ.કમીશ્નરો અને એડી.ઈજનેરોને “ બંધ કવર” માં ચેતવણી સ્વરૂપે આદેશ આપવામાં આવ્યા છે. !
શહેરમાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણીનો ભરાવો થાય છે. ગત વર્ષે લગભગ ર૧૦ જેટલા સ્થળે વરસાદી પાણી ભરાયા હતા. મ્યુનિ. ઈજનેરખાતા દ્વારા ચોમાસા પહેલા કેચપીટો અને મેનહોલની સફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં પરીણામ શૂન્ય રહે છે. ચાલુ વર્ષે પણ એપ્રિલ મહીનામાં એકશન પ્લાન તૈયાર થઈ ગયો હતો તથા મ્યુનિ. કમીશ્નર ની તમામ રીવ્યુ મીટીંગો માં ઈજનેર અધિકારીઓએ રૂપાળા ચિત્રો રજૂ કર્યા હતા. પરંતુ માત્ર દોઢ-બે ઈંચ વરસાદમાં જ ઈજનેર ખાતા ના રૂપાળા ચિત્રોએ શહેરને કદરૂપુ જાહેર કર્યું હતું.
જેના પગલે મ્યુનિ.કમીશ્નર ના માથે માછલા ધોવાયા હતા. તથા ગાંધીગનર સુધી તેના પડઘા પડયા હતા. તેથી ઈજનેર વિભાગની “કાર્યદક્ષતા” અને “વહીવટ”ની ચકાસણી માટે કમીશ્નર મેદાનમાં આવ્યા છે. ગત ચોમાસાથી મ્યુનિ. કમીશ્નરે અલગ-અલગ ઝોનની મુલાકાત લીધી છે. જેમાં અત્યંત ચોકાવનારા અને શરમજનક કામગીરી જાહેર થઈ છે.
જાણકાર સુત્રોનું માની એ તો લગભગ ૪૪ હજાર કેચપીટો પૈકી ૧પ હજાર કેચપીટોની પરીસ્થિતી બદ્દતર હાલતમાં હતી. પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત માત્ર કાગળ પર જ કામગીરી થઈ હતી. તે બાબતના પુરાવા પણ મળ્યા હતા. તેમજ ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને માનીતા બાંધેલા કોન્ટ્રાકટરોની સાંઠગાંઠ પણ જાહેર થઈ છે.
જેના પરિણામે મ્યુનિ. કમીશ્નરે સાત ઝોન ના ડે.મ્યુનિ. કમીશ્નરો અને એડી.ઈજનેરોને બંધ કવર માં “ફરજીયાત” કરવાની થતી કામગીરી ની યાદી આપી છે. જે મુજબ ડે.મ્યુનિ. કમીશ્નરો અને એડીશનલ ઈજનેરો એ સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ફીલ્ડમાં ફરવાનું રહેશે. તેમની સાથે એસ્ટેટ અને હેલ્થ ખાતાને જવાબદાર કર્મચારીઓએ પણ હાજરી આપવાની રહેશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનની સફાઈ માટે જેટીંગ મશીન નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કામગીરી દરમ્યાન નિયમોનું પાલન થતું નથી. તથા કર્મચારીઓની સેફટી બાબતે પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. મ્યુનિ. કમીશ્નરે તમામ ઝોનના ડે.મ્યુનિ. કમીશ્નર અને એડીશનલ ઈજનેરોને આ બાબતે ખાસ આદેશ કર્યા છે.
જેમાં કર્મચારીઓના જેકેટ્સ ગ્લોબઝ, ગમ બુટસ, માસ્ક વગેરે બાબતે ધ્યાન આપવાનું રહેશે. જેટીંગ મશીનના કોન્ટ્રાકટરે આ બાબતે બેદરકારી રાખે તો પ્રથમ ભુલ બદલ રૂ.દસ હજારની પેનલ્ટી કરવાની રહેશે. તેમ છતાં કોઈ સુધારો ના થાય તો બીજા ગુના માટે રૂ.એક લાખ નો દંડ વસુલ કરવાનો રહેશે. મ્યુનિ. કમીશ્નરે ઈજનેર અધિકારીઓને તેમની ક્ષમતા પુરવાર કરવા માટે પણ પરોક્ષ રીતે ચેલેન્જ આપી છે. સાથે-સાથે એ.સી. ચેમ્બરમાં બેસી ને જ પ્રજાનો ઉધ્ધાર કરતા ડે.મ્યુનિ. કમીશ્નરોને પણ પ્રજા વચ્ચે જવા માટે સુચના આપવામાં આવી છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.