અમદાવાદ મ્યુનિ.કમીશ્નર અને મેયર વચ્ચે ગજગ્રાહ
બંગલા રીનોવેશન માટે કમીશ્નરે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યોઃ સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન કમીશ્નરે જે દિવસથી પદભાર સંભાળ્યો છે તે દિવસથી ચૂંટાયેલી પાંખ ખાસ કરીને શાસકપક્ષનું અસ્તિત્વ જાખમાઈ રહયું છે.મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા દોઢ વર્ષથી કમીશ્નરનું એકચક્રી શાસન ચાલી રહયું છે. તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સિવાય ભાજપના કોઈપણ હોદેદારો કે કોર્પોરેટરોને કમીશ્નર વ્યવસ્થિત જવાબ આપતા નથી.
તે બાબત ના આક્ષેપો અને ચર્ચા અવાર-નવાર થઈ રહયા છે. પરંતુ કમીશ્નરની નિયુકિત બાદ બનેલ ઘટનાક્રમ પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો આ બાબતમાં તથ્ય હોય તેમ લાગી રહયું છે. વિશ્વની સૌથી મોટી રાજકીયપાર્ટીના વડાપ્રધાને પસંદ કરીને નિયુકત કરેલ મેયરને પણ કમીશ્નર કટ-ટુ-સાઈઝ કરવા સતત પ્રયાસ કરી રહયા છે. છેલ્લા એેક મહીનામાં જ આ પ્રકારના બે કિસ્સા બહાર આવ્યા છે. ત્યાં મેયરની પ્રતિષ્ઠા ને ઝાંખપ લાગે તે પ્રકારની કામગીરી કમીશ્નરના માર્ગદર્શન હેઠળ થઈ હોવાની ચર્ચાએ જાર પકડયું છે.
મ્યુનિ. કોર્પોરેશનના તમામ ૧૯ર કોર્પોરેટરોને તેમના મત વિસ્તારમાં પ્રજાકીય કામો કરવા માટે દર વર્ષે રૂ.રપ લાખનું બજેટ આપવામાં આવે છે. જયારે મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને વિપક્ષી નેતાને હોદ્દાની રૂએ વધુ બજેટ આપવામાં આવે છે. જેનો ઉપયોગ તેઓ શહેરના કોઈપણ સ્થળે કરી શકે છે. જે અંતર્ગત મેયર બીજલબેન પટેલે તેમના બજેટમાંથી સ્ટીલના બાંકડા મુકવવા માટે રૂ.પાંચ લાખની ફાળવણી કરી હતી.
ઓછી રકમ હોવાના કારણે ટેન્ડર પ્રક્રિયા કરવાની જરૂરીયાત રહેતી નથી. તેથી જવાબદાર વિભાગ દ્વારા કવોટેશન મંગાવવામાં આવ્યા હતા તથા સૌથી ઓછા ભાવ ભરનાર રાજદીપ સ્ટીલ ઈન્ડ. ને બાંકડા દીઠ રૂ.૮૯૬૮ ના ભાવથી પ૦ નંગ બાંકડા નો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આટલી નાની રકમ ના કોન્ટ્રાકટ કે ઓર્ડરના કામ કમીટી સમક્ષ રજુ કરવામાં આવતા નથી.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીએ જ ડે.મ્યુનિ. કમીશ્નર રૂ.દસ લાખ અને મ્યુનિ. કમીશ્નરને રૂ.૧પ લાખ સુધીની નાણાંકીય સત્તા આપી છે. તેથી નાણાંકીય સતાનો ઉપયોગ કરીને ડે.મ્યુનિ. કમીશ્નર કક્ષાએથી સદ્દર કોર્પોરેશનને મંજૂરી આપી શકાય તેમ હતી. પરંતુ મેયરને કટ-ટુ-સાઈઝ કરવાની તક શોધતા કમીશ્નરે સેન્ટ્રલ સ્ટોલ દ્વારા પ૦ નંગ બાંકડાની ફાઈલ તૈયાર કરાવી હતી તથા મંજૂરી માટે મટીરીયલ્સ એન્ડ મેનેજમેન્ટ કમીટી સમક્ષ રજુ કરવામાં આવી હતી.
ચોકાવનારી બાબત એ છે કે મટીરીયલ્સ કમીટીમાં ભાજપના જ ચેરમેન અને સભ્યો હોવા છતાં કોઈએ પણ સદ્દર દરખાસ્ત પરત મોકલી ડે.કમીશ્નરની નાણાકીય સતામાંથી કામ મંજૂર કરાવવા માટે રજૂઆત કરી ન હતી. મટીરીયલ્સ કમીટીની મંજૂરી બાદ પ૦ નંગ બાંકડા જેની ખરીદ કિંમત રૂ.૪.૪૮ લાખ થાય છે. તેની ખરીદીનું કામ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ મંજૂરી માટે રજુ કરવામાં આવ્યું હતું. તે સમયે પણ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને સભ્યોએ આટલી નાની રકમની દરખાસ્ત શા માટે કમીટી સમક્ષ રજુ કરવામાં આવી છે ?
મેયર બજેટમાંથી માત્ર પ૦ બાંકડા ખરીદવા માટે કમીશ્નરે કમીટીની મંજૂરી લેવાની ફરજ પાડી |
તેવો પ્રશ્ન પુછવાની હીંમત દાખવી ન હતી. જાણકારોનું માની એ તો મ્યુનિ.કમીશ્નર અને સ્ટેન્ડીંગ ચેરમેન ના રાજકીય ગોડફાધર એક જ હોવાથી અન્ય હોદ્દેદારોને કોરાણે મુકવાની તેમજ ખોટી રીતે બદનામ કરવાની પ્રથા ચાલી રહી છે. જેના કારણે જ સ્ટેન્ડીંગ ચેરમેને પણ રૂ.પાંચ લાખ કરતા પણ ઓછી રકમના કામની દરખાસ્તને મંજૂરી આપી હતી. જયારે કમીશ્નરે નાણાંકીય સત્તાનો દુરુપયોગ કરીને રૂ.ત્રણ કરોડના ખર્ચથી હંગામી ધોરણે ભરતી કરેલ એક હજાર વોલીયન્ટર્સના કામ માટે પુછવાની નૈતિક હીંમત સ્ટેન્ડીંગ ચેરમેન દાખવી શકયા નથી.
મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીએ વાર્ષિક બજેટમાં મેયર બંગલાને જમીન દોસ્ત કરી ફરીથી બનાવવા માટે જાહેરાત કરી હતી. તથા તે મુજબ ટેન્ડર પણ જાહેર કર્યા હતા. કન્સલટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીઝાઈન મુજબ મેયર બંગલા માટે લગભગ રૂ.૧.પ૦ કરોડનો ખર્ચ થાય તેમ હતો. તે સમયે કમીશ્નરે તેમના પ્રચાર-પ્રસાર માધ્યમોને એકટીવ કરીને મેયર બંગલાનો વિરોધ કરાવ્યો હતો. જેના કારણે તે સમયે દરખાસ્ત પરત કરવામાં આવી હતી. ત્યારબાદ ખર્ચમાં ઘટાડો કરી રૂ.૮૦ લાખની નવી દરખાસ્ત તૈયાર કરાવી તેને મંજૂર કરવામાં આવી છે.
જેની સામે મ્યુનિ. કમીશ્નરે મકાનના રીનોવેશન માટે જ રૂ.એક કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કર્યો છે. આટલી માતબર રકમ લો-ગાર્ડન સ્થિત કમીશ્નર બંગલા માટે ખર્ચ કરી હોવા છતાં કોઈપણ કમીટીની મંજૂરી લેવાની દરકાર કમીશ્નરે કરી ન હતી.
તથા તેમને આપવામાં આવેલી નાણાંકીય સતાનો દુરુપયોગ કરી રૂ.૧પ લાખની મર્યાદામાં ટેન્ડર મંગાવી બારોબાર કામ કરાવ્યા છે.
જયારે સ્ટીલના બાંકડા માટે માત્ર રૂ.૪.૪૮ લાખના મેયર બજેટને કમીટી સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવે તેવો તખ્તો એક જ રાજકીય ગોડફાધર ના બે શિષ્યો દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક સુત્રોએ સદ્દર દરખાસ્ત અંગે બચાવ કરતા જણાવ્યું હતું કે ઓફર-કવોટેશન માટે કમીશ્નરને રૂ.ત્રણ લાખ સુધીની જ સતા છે. તેથી કમીટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પંરતુ કમીશ્નરે મકાન રીનોવેશન માટે જે રીતે રૂ.૧પ લાખની મર્યાદાનો દુરુપયોગ કર્યો હતો તેવી રીતે રૂ.ત્રણ લાખની મર્યાદામાં મેયરના બાંકડા માટે ઓફર-કવોટેશન પણ મંગાવી શકયા હોત.
મ્યુનિ.કમીશ્નરને પાંચ પૈકી ચાર હોદ્દેદારો સાથે મનમેળ નથી તે બાબત જગજાહેર થઈ ચુકી છે. તેથી કોઈપણ પ્રોજેકટ માટે હોદ્દેદારો ને વિશ્વાસમાં લેવાનું મુનાસીબ સમજતા નથી. મ્યુનિ. હોદેદારો વિરોધ કરે ત્યારે “મુખ્યમંત્રીની સુચના” મુજબ કામ થાય છે. અથવા “મુખ્યમંત્રીને માહિતગાર” કરવામાં આવ્યા છે. તેમ જણાવી હોદેદારો ને ચુપ રહેવા ફરજ પાડવામાં આવે છે.
મ્યુનિ. કમીશ્નર આ પ્રકારે “મુખ્યમંત્રી” ના નામનો દુરુપયોગ કરી મનમાની કરી રહયા છે. તેવી ચર્ચા મ્યુનિ.ભાજપમાં ઘણા સમયથી થઈ રહી છે. લોકસભા ચુંટણી સમય પણ કમીશ્નરે નારણપુરા વિસ્તારમાંથી ભાજપના બેનરો-હોડીંગ્ઝ દૂર કરાવ્યા હતા
તેથી નારાજ હાઈકમાન્ડે તેમની બદલી કરવા આદેશ કર્યા હતા તે સમયે સ્ટેન્ડીંગ ચેરમેને દોડા-દોડી કરીને કમીશ્નરની બદલી રોકાવી હતી. બાંકડા બજેટના મલિન રાજકારણ બાદ પણ હોદ્દેદારોએ કમીશ્નર બદલી માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પરંતુ વધુ એક વખત સ્ટેન્ડીંગ ચેરમેન બદલી રોકાવા પ્રયાસ કરી રહયા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ ભવનમાં માત્ર ઉચ્ચ અધિકારીઓ માટે જ કમીશ્નરે જીમ્નેશીયમ તૈયાર કરી તેનું ઉદ્ઘાટન પણ કર્યું છે. જે અંગે મેયર કે અન્ય ત્રણ હોદ્દેદારોને વિશ્વાસમાં લેવાની દરકાર પણ કમીશ્નરે કરી નથી ! જેના કારણે મેયરે આક્રોશ પણ વ્યકત કર્યા છે. ઓફીસ સમયમાં “કસરત” ન થાય તથા મ્યુનિ. ભવનનું જીમ્નેશીયમ કોઈપણ સંજાગોમાં કાર્યરત થશે નહીં તેમ સ્પષ્ટ જણાવ્યું છે.