અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મોડેલ રોડ પાંચ વર્ષમાં જ ગાયબ !
જુના મોડેલ રોડ ને સાચવવાના બદલે નવા મોડેલ રોડ તૈયાર થશેઃ રૂ.૧ર૦ કરોડનો થઈ રહેલો ધુમાડો
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર બે-ત્રણ વર્ષે વિકાસની પરીભાષા બદલાય છે. આ બદલાવ ચુંટાયેલી પાંખ દ્વારા નહીં પરંતુ ગાંધીનગરથી ડેપ્યુટેશન પર આવતા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનમાં કમીશ્નરપદે જેમની નિમણુંક થાય છે. તેમની ઈચ્છા મુજબ વિકાસના કામો થાય છે તે બાબત સર્વવિધ્ન થઈ ચુકી છે. નજીકના ભુતકાળમાં જ તત્કાલીન કમીશ્નરે ફૂટપાથની પહોળાઈ ઓછી રાખવા આદેશ કર્યો હતો. જયારે વર્તમાન કમીશ્નરે મહત્તમ પહોળાઈ રાખીને “મોડેલ ફૂટપાથ” બનાવવા જાહેરાત કરી છે. તેમજ તેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે
તેવી જ રીતે લગભગ પાંચ-સાત વર્ષ પહેલા મનપા દ્વારા “મોડેલ રોડ” તૈયાર કરવામાં આવ્યા હતા જેના માટે કરોડો રૂપિયા ખર્ચ થઈ ચુકયા છે. પરંતુ તે સમયે તૈયાર કરવામાં આવેલા તમામ મોડેલ રોડ “ખોવાઈ” ગયા છે. તેથી વર્તમાન કમીશ્નરે નવા નીતિ નિયમો અને ડીઝાઈનથી નવા મોડેલ રોડ બનાવવા જાહેરાત કરી છે. મ્યુનિ.વહીવટીતંત્ર ને ખોવાયેલા રોડ શોધવામાં રસ નથી તેથી શહેરીજનોને જા આવો કોઈ મોડેલ રોડ મળે તો મ્યુનિ.કમીશ્નરનો સંપર્ક કરવાના કટાક્ષ પણ મનપામાં થઈ રહયા છે.
મ્યુનિ.કમીશ્નરે નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માં રૂ.પાંચ હજાર કરોડના વિકાસ કામ કરવા જાહેરાત કરી છે. જેનો અમલ રોડ ફૂટપાથ અને બ્રીજથી શરૂ કરવામાં આવ્યો છે.મ્યુનિ.કમીશ્નરને ફૂટપાથની પહોળાઈ ઓછા લાગી રહી હોવાથી નવી ફૂટપાથ તૈયાર કરવા આદેશ કર્યા છે. જેના માટે રૂ.૧૬પ કરોડનો ખર્ચ થાય તેવી શકયતા છે. તેમજ તમામ ઝોનમાં “મોડેલ રોડ” બનાવવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે.
સી.જી.રોડના ધોરણે રૂ.૧૧૮ કરોડના ખર્ચથી “મોડેલ રોડ” ડેવલપ કરવા માટે દાવા કરવામાં આવ્યા છે. જયારે સાત વર્ષ અગાઉ રૂ.૧રપ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા “મોડેલ રોડ” ગાયબ થઈ ગયા છે. જેને શોધવાની તસ્દી લેવામાં આવતી નથી. પૂર્વ મ્યુનિ.કમીશ્નર મહાપાત્રા એ મોડેલ રોડ અભિગમ અપનાવ્યો હતો. જેમાં રોડ ને દબાણ અને ફેરીયામુકત રાખવા રોડ પર સ્ટ્રીટ ફર્નીચર ડેવલપ કરવા તેમજ વાહન ચાલકોને ટ્રાફિકમુકત રોડ મળી રહે તેવા દાવાને સમયે કરવામાં આવ્યા હતા. જેના માટે ફેઝ-૧ અને ફેઝ-ર માં કુલ ૭૦ કીલોમીટર ના રોડ તૈયાર કરવામાં આવ્યા હતા.
મોડેલ રોડ બનાવવા માટે ફેરીયાઓને હટાવવા માટે પણ અઢળક મેન અને મનીપાવર નો વ્યય થયો હતો. પરંતુ આજે આ મોડેલરોડ કયાં ગાયબ થયા છે. તેની માહિતી રોડ-પ્રોજેકટ અધિકારી તથા મ્યુનિકમીશ્નરને પણ નહીં હોય તે બાબત નકારી શકાય તેમ નથી. મોડેલ રોડ ના કન્સ્પેટ બાદ સ્માર્ટ રોડ માટે પણ થોડા સમય માટે ચર્ચાઓ ચાલી હતી તથા ખર્ચ પણ થયા હતા. તેનો પૂર્ણ અમલ થાય તે પહેલા જ કમીશ્નર ચેમ્બરમાં પરીવર્તન આવ્યું હતું. તથા નવા અને વર્તમાન કમીશ્નરે ફરીથી મોડેલ રોડનો રાગ છેડયો છે.
મ્યુનિ.કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ મનપામાં કમીશ્નરની બદલી સાથે કાર્ય પધ્ધતિ અને કાર્યપ્રણાલિમાં પરત જ ફેરફાર થઈ જાય છે. પૂર્વ કમીશ્નરે જે નીતિ વિષયક નિર્ણય લીધા હોય તેના અમલ પણ થતા નથી. પૂર્વ કમીશ્નર ગુપ્તપ્રસાદ મહાપાત્રે રોડ કામ માટે ખાસ નિયમો જાહેર કર્યા હતા જેનો અમલ થતો નથી. શહેરમાં નવા બ્રીજ બનાવવા માટે દિલ્હીની સંસ્થા પાસે સર્વે કરાવવામાં આવ્યા બાદ પણ “ ઓન ડીમાન્ડ” બ્રીજ બની રહયા છે. તથા બ્રીજની દિશા નકકી કરવા માટે પણ સર્વે થઈ રહયા છે.
ફૂટપાથની પહોળાઈ ઓછી કરવા ભૂતકાળમાં લેવાયેલા નિર્ણય અભરાઈએ મુકી લાલબસ પાર્ક થાય તેટલી પહોળાઈ ફૂટપાથો બનાવવા માટે કાર્યવાહી થઈ રહી છે. સી.જી.રોડને નામશેષ કરવામાં આવ્યો હોય તેવી લાગણી પણ શહેરીજનોમાં જાવા મળે છે. તેમ છતાં સી.જી.રોડના ધોરણે નવા મોડેલ રોડ બનાવવા પ્રયાસ થઈ રહયા છે. ચોકાવનારી બાબત એ છે કે તમામ ઝોન-વોર્ડમાં મોડેલ રોડની ડીઝાઈન અલગ-અલગ રહેશે. હયાત રોડની પરિસ્થિતિને અનુરૂપ ઝોનકક્ષાએથી જ નવી ડીઝાઈન તૈયાર કરવામાં આવશે તથા તે મુજબ જ રોડ બનશે. ટ્રાફિક મુકત કે દબાણમુકત અંગેની કોઈ નીતિને અવકાશ રહેશે. માત્ર પહોળી ફૂટપાથોને સ્થાન આપવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.