અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કોરોના માટે રૂા.૬૪પ કરોડનો ખર્ચ કર્યો :બે લાખ દર્દીઓને નવજીવન મળ્યુ
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ- ર૦ર૦માં કન્ફર્મ થયો હતો તેના લગભગ ૪૩૦ દિવસ બાદ કોરોના કેસની કુલ સંખ્યા બે લાખને પાર કરી ગઈ છે. આ સમયગાળા દરમ્યાન કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સતત પ્રયાસ કરતા રહયા છે.
શહેરમાં મે-જુન ર૦ર૦માં કોરોનાની પ્રથમ લહેર આવી હતી જેમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદ દિવાળી તહેવારો દરમ્ય્ન નાનકડી લહેર આવી હતી. જાેકે તંત્ર દ્વારા હાલ ચાલી રહેલી લહેરને જ બીજી લહેર ગણવામાં આવી રહી છે.
મનપા દ્વારા કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયો તે સમયથી ૩૦ એપ્રિલ-ર૦ર૦ સુધી નાગરીકોની સારવાર માટે કુલ રૂા.૬૪ર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્તમાન લહેરમાં ૩૦ એપ્રિલ સુધી કોરોના દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા રૂા.રરપ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જે અગાઉ કરતા ઓછા છે.
શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશને ર૦ર૦માં ખાનગી હોસ્પીટલો સાથે કરાર કર્યા હતા જેમાં જનરલ વોર્ડ, એચ.ડી.યુ તેમજ આઈ.સી.યુ બેડ માટેના દર નકકી કરવામાં આવ્યા હતા.
કોરોના દર્દીની સારવાર માટે દાખલ થયા બાદ તમામ ખર્ચ મનપા દ્વારા ચુકવવામાં આવ્યો હતો. ઓકટોબર-ર૦ર૦ સુધી તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રૂા.૩૧૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો
જેમાં એસવીપી હોસ્પીટલ માટે રૂા.૧૧૦ કરોડ અને દવા- ઈન્જેકશનો માટે રૂા.૧૧૬ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા જયારે ખાનગી હોસ્પીટલો, ધન્વંતરિ રથ, ટ્રાન્સપોર્ટેશન મેડીકલ સ્ટાફ અને દર્દીઓના ભોજન વગેરે માટે રૂા.૮પ કરોડ ચુકવવામાં આવ્યા હતા.
આ સમયગાળા દરમ્યાન મોટાપાયે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા ર૦ લાખ એન્ટીજન ટેસ્ટ કીટ અને પ૦ હજાર આરટીપીસીઆર કીટ ખરીદ કરવામાં આવી હતી.
શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોનાએ ફરી ઉથલો માર્યો હતો. જાેકે ૧પ દિવસમાં જ સંક્રમણ પર કાબુ આવી ગયો હતો. પરંતુ આ સમયગાળા દરમ્યાન દર્દીઓની સારવાર માટે રૂા.૧૩ર કરોડનો ખર્ચ થયો હતો
ડીસેમ્બર-ર૦ર૦ના અંતમાં કોરોનાનો કુલ ખર્ચ રૂા.૩૧૩ કરોડથી વધી રૂા.૪૪પ કરોડ થયો હતો જેમાં એસવીપી હોસ્પીટલનો ખર્ચ રૂા.૧૩૦ કરોડ હતો જયારે ખાનગી હોસ્પીટલોને રૂા.૪૮ કરોડ ચુકવવામાં આવ્યા હતા.
નવા વર્ષમાં પણ કોરોના સંક્રમણમાં કોઈ વધારો જાેવા મળ્યો ન હતો તેમજ ફેબ્રુઆરી મહીનામાં દૈનીક કેસની સંખ્યા ઘટીને પ૦ થઈ હતી
મ્યુનિ. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો હતો જેને બીજી લહેર કહેવામાં આવે છે. આ લહેર દરમ્યાન માર્ચ મહીનામાં ૯પ૦૦ કેસ નોંધાયા હતા જયારે એપ્રિલમાં કેસની સંખ્યા ૯ર૦૦૦ને પાર થઈ હતી મે મહીનામાં પણ કેસનો આંકડો ૬પ હજારને પાર કરી ગયો છે
કોરોનાની બીજી લહેર દરમ્યાન જાન્યુઆરીથી એપ્રિલ ર૦ર૧ સુધી કોરોના દર્દીઓના ટેસ્ટીંગ અને સારવાર માટે રૂા.ર૦૦ કરોડનો ખર્ચ થયો છે તેમજ કુલ ખર્ચ રૂા.૪૪પ કરોડથી વધી રૂા.૬૪પ કરોડ થયો છે
જેમાં એસ.વી.પી હોસ્પીટલના ખર્ચ રૂા.રર૧ કરોડ, ખાનગી હોસ્પીટલના બીલની રકમ રૂા.૯૦ કરોડનો સમાવેશ થાય છે. જયારે દવા, ટેસ્ટીંગ કીટ વગેરે માટે બીજી લહેર દરમ્યાન માત્ર રૂા.૧ર કરોડનો ખર્ચ થયો છે.
બીજી લહેરમાં સરકાર તરફથી એન્ટીજન કીટ અને અન્ય દવાઓ આપવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાના પ્રથમ કેસ નોંધાયા બાદ અંદાજે ૪૧૦ દિવસમાં (૩૦ એપ્રિલ-ર૦ર૧) ૧ લાખ ૬૧ હજાર કેસ નોંધાયા છે. જયારે ર૩ મે સુધી કેસની સંખ્યા ર લાખ ર૬ હજાર થઈ છે.
આ દરમ્યાન તંત્ર દ્વારા રૂા.૬૪પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના કારણે બે લાખ નાગરીકોને નવી જીંદગી મળી છે. જયારે ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવેલ ખર્ચ અને કેસને ધ્યાનમાં લેવામાં આવે તો મનપાએ પેશન્ટ દીઠ રૂા.૩૯૭૭૦ ખર્ચ કર્યા છે.
પ્રથમ લહેર પુર્ણ થઈ તે સમયે પેશન્ટ દીઠ ખર્ચ ૮૩ હજાર હતોો. વર્તમાન લહેરમાં ખાનગી હોસ્પીટલોમાં વિનામુલ્યે સારવાર બંધ કરવામાં આવી હોવાથી તેમજ સરકાર દ્વારા દવાઓ આપવામાં આવી હોવાથી ખર્ચ ઘટયો હોવાનો અંદાજ છે.