Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને રપ૦ નંગ વેન્ટીલેટરની ખરીદી કરી

પ્રતિકાત્મક

સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોએ ફાળવેલ બજેટમાંથી ૧૦૦ નંગ અને મ્યુનિ. ફંડમાંથી ૧પ૦ નંગ વેન્ટીલેટર લેવાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન અનેક દર્દીઓએ વેન્ટીલેટર અને ઓકસીજનના અભાવે જીવ ગુમાવ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે શહેરના સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોએ વેન્ટીલેટર માટે ખાસ બજેટની ફાળવણી કરી હતી.

મ્યુનિ. શાસકોએ પણ “સેવા”ના કાર્યમાં લેશમાત્ર વિલંબ કર્યા વિના ચૂંટાયેલા પ્રતિનિધિઓના બજેટ અને મ્યુનિ. ફંડમાંથી રપ૦ વેન્ટીલેટરની ખરીદી કરી છે. મ્યુનિ. કોર્પોરેશને કોરોના કાળ દરમ્યાન નાગરીકોની સારવાર માટે રૂા.૭૦૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોમાં વેન્ટીલેટર તથા ઓકસીજનના અભાવે કોરોના દર્દીઓના મૃત્યુ ન થાય તેની તકેદારી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લઈ રહયા છે. શહેરના બે સાંસદો, ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરટરો એ વેન્ટીલેટર માટે બજેટ આપ્યા હતા તે રકમમાંથી મ્યુનિ. કોર્પોરેશને રપ૦ નંગ વેન્ટીલેટરની ખરીદી કરી છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ રૂા.૧૦ લાખની કિંમતના એક એવા રપ૦ વેન્ટીલેટર ખરીદીને હોસ્પીટલોમાં ઈન્સ્ટોલ કરવામાં આવી રહયા છે. જેમાં એસ.વી.પી. હોસ્પીટલમાં ૧૩૮, વી.એસ.હોસ્પીટલમાં ૪૦, એલ.જી. હોસ્પીટલમાં પપ તથા શારદાબેન હોસ્પીટલમાં ૧૭ નંગ વેન્ટીલેટર ઈન્સ્ટોલ કરવામાં આવશે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓના બજેટમાંથી લગભગ ૧૦૦ નંગ વેન્ટીલેટરની ખરીદી થઈ છે. જયારે મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાંથી ૧પ૦ નંગ વેન્ટીલેટર ખરીદી કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શીલર કંપનીના વેન્ટીલેટર ખરીદ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ વર્ષની વોરંટી છે.

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોમાં હાલ ર૦૦ વેન્ટીલેટર છે જે પૈકી એસ.વી.પી.માં ૧૩૦ અને ૭૦ નંગ વી.એસ., એલ.જી અને શારદાબેનમાં છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓકસીજનની સમસ્યા થઈ હતી તેથી મનપા એ તાત્કાલીક બહેરામપુરામાં ૩૦૦ ટન કેપેસીટીનો પ્લાન્ટ તૈયાર કર્યો હતો તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે કોરોનાની પ્રથમ લહેર સમયથી દર્દીઓને વિનામુલ્યે અથવા રાહતદરે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા હતા. મ્યુનિ. કોર્પોરેશને ખાનગી હોસ્પીટલો સાથે કરાર કરી ખાલી બેડ સંપાદન કર્યા હતા બીજી લહેરમાં પણ આ પધ્ધતિ યથાવત્‌ રાખવામાં આવી હતી.

તદ્‌પરાંત કોરોનાના રેપીડ અને આરટીપીસીઆર ટેસ્ટ, સંજીવની રથ, તમામ કેડરના સ્ટાફ માટે ભોજન, દવાઓ સહીતના ખર્ચ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૩૦ એપ્રિલ સુધી કોરોના માટે રૂા.૭૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જે પૈકી દવાઓ, મોંઘા ઈન્જેકશન, પીપીઈ કીટ, ટેસ્ટીંગ કીટ વગેરે માટે રૂા.ર૦૦ કરોડનો ખર્ચ થયો છે.

રાજય સરકારે રૂા.૭૧૭ કરોડ ખર્ચ સામે રૂા.પ૩૮ કરોડ મનપાને ચુકવ્યા છે. જયારે રૂા.૧૩૭ કરોડ બાકી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.