અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને મેટ્રો ‘મોંઘી’ પડી : એક વર્ષમાં રૂા.ર.૪૦ કરોડનું નુકસાન
મેટ્રોના કામ દરમિયાન એક વર્ષમાં ૩૦ સ્થળે ડ્રેનેજ- પાણીની લાઈનો તૂટી ઃ ૧૦ સ્થળે રોડ તૂટ્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય સરકારના ડ્રીમ પ્રોજેકટ “મેટ્રો રેલ” અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને શહેરીજનો માટે શિરદર્દ બની રહયો છે મેટ્રોના કામમાં અસહ્ય વિલબં થયો છે જેના કારણે રોડ- રસ્તાની દુર્દશા થઈ છે તેમજ અનેક સ્થળે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે.
જયારે મેટ્રોના કામ દરમ્યાન અંડરગ્રાઉન્ડ યુટીલીટીને પણ નુકશાન થઈ રહયુ છે. મેટ્રોની બેદરકારીના કારણે વારંવાર પાણી અને ડ્રેનેજની લાઈનો તુટી જાય છે. જયારે સ્ટ્રોર્મ લાઈનમાં થઈ રહેલા નુકશાનના કારણે વરસાદી પાણી નિકાલની સમસ્યા ગંભીર બની રહી છે. એક અંદાજ મુજબ છેલ્લા એક વર્ષમાં મેટ્રોના કારણે મનપાને રૂા.બે કરોડનું આર્થિક નુકશાન થયુ છે. જયારે નાગરીકો પીવાલાયક પાણી અને ડ્રેનેજ બેકીંગની સમસ્યાનો સામનો કરી રહયા છે.
સ્માર્ટ સીટી અમદાવાદની પબ્લીક યુટીલીટીને મેટ્રો પ્રોજેક્ટના કારણે ભારે નુકશાન થઈ રહયુ છે રાજય સરકારનો ડ્રીમ પ્રોજેકટ અમદાવાદીઓ માટે દુઃસ્વપ્ન બની ગયો છે. મ્યુનિ. કોર્પોરેશનના પાંચ ઝોનમાં મેટ્રોના કામ ચાલી રહયા છે આ પાંચ ઝોનમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન ૩૦ સ્થળે મેટ્રોના કારણે નુકશાન થયુ છે જે મેટ્રોના કારણે જે સ્થળે નુકશાન થયુ છે તેના રીપેરીંગનો ખર્ચ રૂા.ર.૩૬ કરોડ થાય છે. સદર રકમ સામ સામે માંડવાળ થશે પરંતુ પાણી, ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનને પારાવાર નુકશાન થયુ છે. સુત્રોએ જણાવ્યા મુજબ મેટ્રોના કામ દરમ્યાન બોડકદેવ વોર્ડમાં ૯૦૦ એમ.એમ. ડાયામીટર લાઈનના મેનહોલને ઢાંકી દેવામાં આવ્યુ છે જેથી તેના ડીશીલ્ટીંગ માટે સી.સી.ટી.વી.નો ઉપયોગ કરવો પડયો છે જેના માટે રૂા.ર૯.૯૦ લાખનો ખર્ચ થયો છે. સ્ટેડીયમ વોર્ડમાં પલક જંકશન પાસે મશીન હોલ, ડ્રેનેજ લાઈન અને કેચપીટને નુકશાન થયુ હતુ
જેના માટે રૂા.ચાર લાખનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવ્યો છે. ખોખરા વોર્ડમાં લોકોમલ કુંભારની ચાલી પાસે ૭પ૦ એમ.એમ. ડ્રેનેજ લાઈન તુટી ગઈ હતી જેને રૂા.૪૪.૯૦ લાખના ખર્ચથી રીપેર કરવામાં આવી હતી. રબારી કોલોનીથી સ્વસ્તિક ચાર રસ્તા સુધી ડ્રેનેજ લાઈનને નુકશાન થયુ હતુ જેના રીપેરીંગ માટે રૂા.રર.૪પ લાખનો ખર્ચ થયો છે.
શહેરમાં મેટ્રોના જે સ્થળે કામ ચાલી રહયા છે તે વિસ્તારોમાં સર્વિસ રોડ અને મુખ્ય રોડ તુટી જાય છે તે રીપેર કરવાની જવાબદારી મેટ્રોના શિરે છે. મેટ્રો દ્વારા સમયસર રોડ-રસ્તા રીપેરીંગ કામ થતા નથી. આ કારણોસર ભૂતકાળમાં મ્યુનિ. ઈજનેર વિભાગે મેટ્રોને અનેક વખત નોટિસ આપી હતી તેમ છતાં ‘મેટ્રો’માં સુધારો આવતો નથી. ર૦ર૦માં જીરાજ પાર્કથી એ.પી.એમ.સી વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશને રૂા.ર૩.૯પ લાખના ખર્ચથી ખાડા પૂર્યા હતા. મેટ્રોના કારણે છેલ્લા ચાર- પાંચ મહિનામાં ૧૦ કરતા વધુ સ્થળોએ રોડ તૂટી ગયા છે જયારે ર૭ જેટલા સ્થળે ડ્રેનેજ, કેચપીટ, મશીન હોલ અને સ્ટ્રોમ વોટર લાઈનોને નુકશાન થયા છે. તદઉપરાંત ડ્રેનેજ પ્રોજેકટ વિભાગને પણ રૂા.૮૭.પ૦ લાખનું નુકસાન થયું છે જેમાં અખબારનગર સર્કલ પર ૧ર૦૦ એમ.એમની ડ્રેનેજ લાઈન તથા જીવરાજપાર્ક બ્રીજ પાસે ૧૮૦૦ની ડ્રેનેજ લાઈનને નુકસાન થયું છે
આ બંને લાઈનોના રીપેરીંગ પાછળ રૂા.૪૦ લાખનો ખર્ચો થયો છે. જયારે મેટ્રો રૂટ પરની લાઈનોના મશીન હોલ પુરાઈ જવાથી ડીશીલ્ટીંગ અને રીપેરીંગ માટે રૂા.૪૭.પ૦ લાખનો ખર્ચ થયો છે. મ્યુનિ. વોટર એન્ડ સુઅરેઝ કમીટી ચેરમેન જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ અંડર ્ગ્રાઉન્ડ યુટીલીટીને નુકસાન ન થાય તે માટે મેટ્રોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે તેમજ સંકલન કરીને કામ કરવા માટે પણ સુચના આપવામાં આવશે જેના કારણે નાગરિકોને થતી હાલાકી દુર થઈ શકે.