અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોરોનાની આડમાં કૌભાંડ !
બાયોમેડીકલ વેસ્ટ એકત્રીત કરવાના કોન્ટ્રાકટમાં પરિવારવાદના આક્ષેપ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: માનવી પર જયારે તકલીફ આવે છે ત્યારે ગમે તેવો નાસ્તિક પણ આસ્તિક થઈ જાય છે તથા ઈશ્વરનો ડર રાખીને કામ કરે છે. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના કેટલાક મહાનુભવોને ઈશ્વર કે કર્મનો કોઈ જ ડર નથી. વૈશ્વિક મહામારી દરમ્યાન લોકોને ગુજરાન ચલાવવાની તકલીફ થઈ રહી છે તેવા સમયે પણ આ લોકો પ્રજાના રૂપિયા બે હાથે લૂંટી રહયા છે.
કોરોનાના દર્દીઓને કવોરેન્ટાઈન કરવામાં આવે છે તે સ્થળેથી કચરો એકત્રિત કરવાના નામે કેટલાક લોકો કરદાતાઓના પરસેવાની કમાણી ઘર ભેગી કરી રહયા છે. જેને મ્યુનિ. શાસકો મુક સમંતિ પણ આપી રહયા છે. ગત્ ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કવોરેન્ટાઈન દર્દીઓ તથા કોવીડ કેર સેન્ટરોમાંથી કચરો એકત્રિત કરવા માટે રજુ થયેલ વિવાદાસ્પદ દરખાસ્તને કમીટી ચેરમેને મંજુર કરી છે.
નોધનીય બાબત એ છે કે કમીટી સભ્યના ઉગ્ર વિરોધની પણ નોધ લેવામાં આવી ન હતી. જયારે સોલીડ વેસ્ટ ખાતા તરફથી રજુ કરવામાં આવેલી દરખાસ્તનો લાભ ભાઈ-ભત્રીજાઓને મળી રહયા હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે. આ કોન્ટ્રાકટ “મુસાભાઈ ના વા-પાણ” કહેવતની યાદ અપાવી જાય છે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવેલ હોસ્પિટલો, સમરસ હોસ્ટેલ, કોવિડ સેન્ટરો તથા કવોરેન્ટાઈન કરવામાં આવેલ પરિવારોના ઘરેથી કચરો એકત્રીત કરી તેનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા માટે બી.એલ. એન્વાયરો એન્જીનીયરીંગ નામની સંસ્થાને ત્રણ મહીનાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.
જેમાં સંસ્થાએ દૈનિક ચાર હજાર સ્થળેથી કચરો એકત્રિત કરી તેનો બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટમાં નિકાલ કરવાની શરત રાખવામાં આવી હતી પરંતુ સદ્ર કવોટેશન આધારીત કોન્ટ્રાકટમાં ચોંકાવનારી શરત એ છે કે હવે કોન્ટ્રાકટર તરફથી માત્ર ડ્રાયવર અને લેબર જ સપ્લાય કરવાના રહે છે. જયારે કચરો એકત્રીત કરવાની ગાડી, ડીઝલ તથા મેઈન્ટન્સ ખર્ચની જવાબદારી મનપા ભોગવી રહી છે.
આમ, ગાડી દીઠ એક ડ્રાયવર અને એક લેબર સપ્લાય કરવા માટે કોન્ટ્રાકટરને દૈનિક રૂા.૬ હજાર ચુકવવામાં આવી રહયા છે. માર્ચ મહીનામાં માત્ર પૂર્વ ઝોનમાં ૦૧, પશ્ચિમ ઝોનમાં ૦ર, ઉત્તર ઝોનમાં ૦૧, દક્ષિણ ઝોનમાં ૦૧ તથા મધ્યઝોનમાં ૦૧ મળી કુલ ૦૬ ગાડી માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમાં વધુ ત્રણ ગાડીનો વધારો કરીને ૦૮ ગાડી (ટીમ) કરવામાં આવી હતી. જયારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા ૧પ દિવસે પેમેન્ટ કરવાની સગવડતા પણ કોન્ટ્રાકટરને કરી આપવામાં આવી છે જેના માટે ઠરાવ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા બાયોમેડીકલ વેસ્ટ એકત્રીત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે આપવામાં આવેલા ત્રણ મહીનાના કોન્ટ્રાકટની મુદત પૂર્ણ થતા તેને વધુ ૦૬ માસ માટે રીન્યુ કરવાની દરખાસ્ત સ્ટે. કમીટી સમક્ષ રજુ કરવામાં આવી હતી, જેને મંજુર કરવામાં આવી છે, નવી દરખાસ્તમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સમક્ષ બિહામણુ ચિત્ર રજુ કરવામાં આવ્યુ હતું. જેમાં અગાઉ બે ટન બાયોમેડીકલ એકત્રીત થતો તેના બદલે પાંચ ટન બાયો વેસ્ટ ઉત્પન્ન થાય છે. તથા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહયો છે તથા આ રોગચાળાના વ્યાપને જાેતા કવોરેન્ટાઈન ઘરો અને વિસ્તારો સતત વધી શકે છે તે પ્રકારના લખાણ કરી સ્ટેન્ડીંગ ચેરમેન પર પરોક્ષ રીતે દબાણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
જેના પગલે સ્ટેન્ડીંગ કમીટીએ ૦૮ ટીમના બદલે રર ટીમ રાખવાની દરખાસ્તને સીધી મંજુરી આપી છે. જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી પર દૈનિક રૂા.૧ લાખ ૩ર હજાર અને માસિક રૂા.૪૧ લાખનો બોજ પડશ. બી.એલ. એન્વાયરો એન્જીનીયરીંગ નામની સંસ્થાને માત્ર એક ડ્રાયવર અને એક લેબર સપ્લાય કરવા માટે દૈનિક રૂા.૬ હજાર આપવામાં આવી રહયા છે.
પરંતુ તેની કામગીરી અત્યંત નબળી રહી છે તથા શરતો મુજબ કામ થતા નથી. સ્ટેન્ડીંગ કમીટી સભ્ય જતીનભાઈ પટેલે પણ આ સંસ્થાની કામગીરી અને કોન્ટ્રાકટની શરતો સામે અસંતોષ વ્યકત કર્યો હતો. ભાજપના કોર્પોરેટર અને રીક્રીએશન કમીટી ચેરમેન જીગ્નેશભાઈ પટેલ કોરોનાના કારણે હોમ આઈસોલોટેડ થયા છે પરંતુ તેમના ઘરે જ કચરો લેવા માટે ગાડીઓ જતી નથી.
આ મતલબની ફરીયાદ પણ સ્ટેન્ડીંગ ચેરમેન સમક્ષ રજુ થઈ હતી પરંતુ ચેરમેને અગમ્ય કારણોસર ઉચ્ચ અધિકારીના અંગત લોકોને મનપાની તિજાેરી ખાલી કરવાનો પરવાનો આપ્યો છે તેવા આક્ષેપ પણ થઈ રહયા છે. મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જે સંસ્થાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે સંસ્થા પાસે સ્વ-માલિકીની કોઈ જ ગાડી નથી તેથી સ્પોટ-ટુ-ડમ્પ ના કોન્ટ્રાકટરોની રપ ગાડીઓ લઈને બાયો મેડીકલના કોન્ટ્રાકટરને આપવામાં આવી છે. જેના બળતણ અને નિભાવ ખર્ચ પણ સ્પોટ ટુ ડમ્પ ના કોન્ટ્રાકટર ભોગવી રહયા છે. કોન્ટ્રાકટની શરત મુજબ એકત્રીત કરવામાં આવેલા કચરાનો નિકાલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાઈડ લાઈન્સ મુજબ કરવાનો રહે છે.
સુત્રોએ જણાવ્યા મુજબ આ શરતનું પુર્ણ પાલન થતુ નથી તથા નિયમની છટકબારી માટે રેફયુઝ સ્ટેશન અથવા મ્યુનિ. કોર્પોરેશન જણાવે તે જગ્યાઓ પર ખાલી કરવાની શરત રાખવામાં આવી છે. તેથી બાયો મેડીકલ વેસ્ટની ગાડીઓ રેફયુઝ સ્ટેશન પર જ ખાલી થાય છે
. સ્ટે. કમીટીમાં આ મામલે પણ જતીનભાઈ પટેલે સવાલ કર્યા હતા. પરંતુ જવાબદાર અધિકારી હાજર જ રહયા ન હોવાથી ચર્ચા થઈ શકી ન હતી. કોરોના દર્દીઓના કોવિડ કેર સેન્ટર કે હોમ કવોરેન્ટાઈન પરિવારો પાસેથી એકત્રિત કરવામાં આવેલા બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ ચાંગોદર તથા કલોલના પ્રોસેસ સેન્ટર પર કરવાનો રહે છે. કોન્ટ્રાકટર આ બંને સ્થળે જાય તો પણ બળતણ ખર્ચ તો સ્પોટ ટુ ડમ્પના કોન્ટ્રાકટરો એ જ ભોગવવાનો રહે છે. આ કામમાં ગાડીઓ આપી હોવાથી સ્પોટ ટુ ડમ્પની કામગીરી પર સીધી અસર થઈ છે.
પરંતુ તે તરફ ધ્યાન આપવામાં આવી રહયુ નથી. મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સૂત્રોનું માનીએ તો સોલીડ વેસ્ટ ખાતા તરફથી વ્યવસ્થિત રીતે ઓફર મંગાવવામાં આવી હોત તો ગાડી અને ડીઝલ સાથે વધુમાં વધુ રૂા.ચાર હજારના ભાવથી કામ થઈ શકે તેમ છે. પરંતુ ખાતાના એક અધિકારીના સ્વજનને જ કોન્ટ્રાકટ આપવાનો હોવાથી ઉંચા ભાવ અને થર્ડ પાર્ટીના ગાડી-બળતણના ભોગે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેના કારણે બાયો મેડીકલ વેસ્ટના કોન્ટ્રાકટર બી.એલ. એન્વાયરો એન્જીનીયરીંગને તો ફાયદો થયો છે.
પરંતુ સ્પોટ ટુ ડમ્પ ના કોન્ટ્રાકટરોને નુકશાન થઈ રહયુ છે. તેથી તેમનુ નુકશાન સરભર કરવા માટે નવી દરખાસ્ત તૈયાર થઈ રહી છે જેેમાં ડ્રાયવર અને લેબર ખર્ચ કાપી ગાડી દીઠ રૂા.રપ૦૦ થી ૩૦૦૦ લેખે આપવામાં આવશે. જેને “ખાતર પર દિવેલ” કહી શકાય તેમ છે. માત્ર એક વ્યક્તિના લાભાર્થે મનપાને કેટલુ નુકશાન થઈ રહયુ છે.
તેની ગણત્રી સ્ટેન્ડીંગ ચેરમેને કરી હોય તેમ લાગી રહયુ નથી. આંતરીક સુત્રોનું માનીએ તો જે સંસ્થાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેના કર્તાહર્તા અગાઉ જનમાર્ગમાં ૧૧ માસના કોન્ટ્રાકટથી નોકરી કરતા હતા. ત્યારબાદ સોલીડ વેસ્ટમાં પણ કોર્પોરેશનના કામ કરી ચુકયા છે. સદર સંસ્થાનું રજીસ્ટર્ડ સરનામુ, પાનકાર્ડ તથા ગુમાસ્તા નોધણીની વિગતો જાહેર થાય તો અહીં પણ રાજકારણની જેમ પરિવારવાદ છે કે કેમ ? તેની વિગતો બહાર આવી શકે તેમ છે.