અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ભુલનું પુનરાવર્તન કર્યું
અપુરતી સુવિધા સાથે કોરોના ટેસ્ટમાં વધારો થતા દર્દીઓને થઈ રહેલ હાલાકી
( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોનાનો કહેર જાેવા મળી રહયો છે તથા એપ્રિલ અને મે મહીનાનું પુનરાવર્તન થવાની દહેશત વ્યકત થઈ રહી છે તેમજ અનલોક દરમ્ય્ન આપવામાં આવેલી છુટછાટના કારણે કેસ વધી રહયા હોવાના આક્ષેપ પણ થઈ રહયા છે જેના કારણે મ્યુનિ. કોર્પોરેશને ચા ની કીટલી અને પાન ના ગલ્લાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં કોરોનાના વધી રહેલા કેસ માટે ટેસ્ટીંગમાં વધારો થયેલ વધાોર મુખ્ય કારણ હોવાના દાવા તંત્ર દ્વારા થઈ રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશનના આ દાવા સાચા હોય તો પૂર્વ મ્યુનિ. કમિશ્નરે એપ્રિલ- મે મહીનામાં જે ભુલ કીર હતી તે ભુલનું પુનરાવર્તન થઈ રહયુ છે જયારે એક્ટીવ કેસની સંખ્યામાં થયેલ વધારો અને ડીસ્ચાર્જ સંખ્યામાં થયેલ ઘટાડાને ચિંતાજનક માનવામાં આવી રહયો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓને શોધવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ગત એપ્રિલ અને મે મહીનામાં પૂર્વ કમિશ્નરે “કેચ ધી વાયરસ”ની નીતિ અપનાવી હતી જેના કારણે પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થયો હતો જેની સામે દર્દીઓને સારવાર આપવા માટે પુરતી વ્યવસ્થા થઈ ન હતી જેના કારણે નાગરીકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી. હોસ્પીટલમાં તે સમયે માત્ર પ૦૦ બેડની વ્યવસ્થા હતી કેસમાં વધારો થતા બેડની સંખ્યા બમણી કરવાની ફરજ પડી હતી સાથે સાથે સોલા અને અસારવા સીવીલમાં પણ તાત્કાલિક કોવિડ સારવાર શરૂ કરવામાં આવી હતી તદપરાંત ખાનગી હોસ્પિટલોને પણ મોઘી સારવાર માટે છુટ આપી હતી. મ્યુનિ. કમિશ્નરની બદલી સાથે કોવિડ નીતિમાં પણ ફેરફાર થયો હતો પરંતુ કેસમાં નોંધપાત્ર ઘટાડો જુલાઈ મહીનાના અંતથી જાેવા મળ્યો હતો.
જેના કારણે એસ.વી.પી હોસ્પીટલની ક્ષમતા ઘટાડીને ૩૦૦ બેડ સુધી કરવામાં આવી છે જયારે ડો. જીવરાજ મહેતા સહીત લગભગ સાત ખાનગી હોસ્પિટલો સાથેના કરાર પણ રદ કરવામાં આવ્યા હતા કેસ ઘટતા આર્થિક ભારણ ઘટાડવા માટેના દાવા કરવામાં આવ્યા હતા મ્યુનિ. કોર્પોરેશનનો આ નિર્ણય ખોટો સાબિત થઈ રહયો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મોટાપાયે એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે ખાનગી સોસાયટીઓમાં ટેસ્ટના બે થી ત્રણ રાઉન્ડ પુરા થયા છે તેવી જ રીતે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો, પ૦ કિઓસ્ક, બાગ બગીચા, રેલ્વે સ્ટેશન, કડીયાનાકા વગેરે સ્થળે પણ વિનામુલ્યે ટેસ્ટ થઈ રહયા છે.
તદ્પરાંત વોર્ડ દીઠ મેગા ટેસ્ટીંગ પણ શરૂ કરવામાં આવ્યા છે જેના કારણે ફરી એક વખત કેસ વધી રહયા છે જેની સામે સારવારના સાધનો ઓછા થયા છે તેથી દર્દીઓ એડમીટ થવા માટે ભટકી રહયા છે. પૂર્વ કમીશ્નરે સારવાર માટે સુવિધા ઉપલબ્ધ કર્યા વિના “ટેસ્ટીંગ ઝૂંબેશ” શરૂ કરી હતી તે સમયે જે ભયનું વાતાવરણ પેદા થયુ હતુ તેવો જ માહોલ હાલ પણ જાેવા મળી રહયો છે. મ્યુનિ. કમિશ્નર અને કોરોના ટીમે ટેસ્ટીંગ વધારવા નિર્ણય કર્યા છે પરંતુ તેની સામે હોસ્પીટલોની સંખ્યા અને બેડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એસ.વી.પી હોસ્પિટલ માત્ર ૩૦૦ બેડથી કાર્યરત્ છે તથા ર૦ કરતા વધુ તબીબો કોરોના સંક્રમિત થયા છે તદ્દપરાંત સતત બે-ત્રણ મહીનાથીકામ કરતા હોવાથી કોરોના વોરીયર્સની કાર્યક્ષમતા ઉપર પણ અસર થઈ છે. આ તમામ બાબતોની અસર દર્દીઓની સારવાર પર થઈ રહી છે.
દર્દીઓ વધુ એક વખત દાખલ થવા માટે ભટકી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને હવે કવોરેન્ટાઈન માટે સલાહ આપવામાં આવે છે પરંતુ નાગરીકો કોરોના નામથી ફફડી રહયા છે તથા દાખલ થવાનો આગ્રહ રાખે છે. મ્યુનિ તંત્ર દ્વારા બે હજાર જેટલા બેડ ઉપલબ્ધ હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ તેની સામે પોઝીટીવ અને એકટીવ કેસની સંખ્યા વધી રહી હોવાથી બેડ ખુટી રહયા છે. પુરતી સુવિધા ઉપલબ્ધ કર્યા વિના શરૂ કરવામાં આવેલા ટેસ્ટીંગનો ભોગ નાગરીકો બની રહયા છે તથા યોગ્ય સમયે, યોગ્ય હોસ્પીટલમાં એડમીશન મળતા ન હોવાથી નાગરિકો ટેસ્ટ કરાવતા ડરી રહયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.