અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ પાર્કિંગ વિના આવાસ તૈયાર કર્યાં
ઓઢવ આવાસમાં નિયમ વિરૂધ્ધ દુકાનો વચ્ચે બે ફુટના પિલ્લર બનાવ્યાઃ કોન્ટ્રાકટર- અધિકારી શંકાના દાયરામાં
મ્યુનિ. કોર્પોરેશનની બાંધકામ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ !
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ હાઉસીંગ પ્રોજેકટ વિભાગ ભ્રષ્ટાચારની ગંગોત્રી બની રહયો છે. આર્થિક રીતે નબળા વર્ગ, પ્રોજેકટ અસરકર્તા, ઝુંપડા ત્યાં પાકા મકાન જેવી યોજનાઓ અંતર્ગત હજારોની સંખ્યામાં પાકા આવાસ તૈયાર કરવામાં આવ્યા છે.
ફાળવણી અંગે વર્ષોથી વિવાદ ચાલી રહયો છે તેવી જ રીતે ખાલી મકાનના ગેરકાયદેસર કબજા લેવા, મુળ માલિક દ્વારા નિયમ વિરૂધ્ધ વેચાણ કરવા, મકાન ભાડે આપવા, મુળ અસરકર્તાના સ્થાને અન્યને ફાળવણી વગેરે વિવાદ પણ કાયમી બની ગયા છે. આ તમામ સમસ્યાઓ કરતા પણ વધુ ગંભીર સમસ્યા બાંધકામની રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકા આવાસના બાંધકામની ગુણવતા અત્યંત નબળી હોવાની ફરીયાદો અવારનવાર બહાર આવે છે. ઓઢવ વિસ્તારમાં માત્ર એક મહીના અગાઉ જ લોકાર્પણ કરવામાં આવેલા આવાસના બાંધકામની ગુણવતા તો નબળી જ છે, પરંતુ નિયમ વિરૂધ્ધ પાર્કીંગમાં જ દુકાનો બનાવવામાં આવી હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે.
શહેરના ઓઢવ વોર્ડમાં સ્લમ રીહેલીલીટેશન અને રીડેવલપમેન્ટ પોલીસી- ર૦૧૩ અંતર્ગત ઓઢવ વોર્ડમાં વાલ્મિકી વાસ, ભરવાડના છાપરા ચામુંડાનગર, સુખીયાનગર, ચુનારાના છાપરા હરીજનના છાપરા, ઈન્દીરાનગરના નવા-જુના છાપરા, વણઝારાના છાપરાના નામે પ્રચલિત સ્લમના સ્થાને ૧૬૧૦ પાકા આવાસ અને પર દુકાનો બનાવવામાં આવ્યા છે જેના માટે કુલ રૂા.૧૬૪.૭૪ કરોડનો ખર્ચ થયો છે.
સદ્ર પાકા આવાસોનું લોકાર્પણ ગત ર૧ માર્ચે કરવામાં આવ્યુ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકા આવાસોના બાંધકામ ક્ષતિયુક્ત હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે, મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી પર દુકાનો પૈકી ર૯ દુકાનોમાં બિલકુલ વચ્ચે ર ફુટના પીલ્લર છે, જે નિયમ વિરૂધ્ધ છે અનેક મકાનોમાં તિરાડ પડી ગઈ છે.
નવા બાંધકામ હોવા છતાં ધાબા પરથી પાણી લીકેજ થાય છે, મકાન ફાળવણીના માત્ર દસ દિવસમાં જ પાણીના બંને બોર બંધ થઈ ગયા હતા જેના કારણે બહારથી ટેન્કરો મંગાવવાની ફરજ પડી હતી તેમજ દરેક બ્લોકમાં પારાવાર ગંદકી પણ હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઓઢવ આવાસના બાંધકામ અંગે કમીટી ચેરમેન અશ્વિનભાઈ પેથાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે જે સ્લમના રહીશોને પાકા મકાન કે દુકાન ફાળવવામાં આવ્યા છે તેમણે તેમની અલગ-અલગ કમીટીઓ બનાવી છે. તમામ કમીટીના ચેરમેન/ સેક્રેટરીએ લેખિતમાં પ્લાન ફેરફાર કરવા રજુઆત કરી હતી.
મુળ પ્લાન મુજબ બ્લોક નંબર એ, બી, સી, ડી અને ઈ માં ગ્રાઉન્ડ તથા ફર્સ્ટ ફલોર પર દુકાનો દર્શાવી હતી તે નાના રોડ પર હોવાથી બ્લોક નંબર ક્યુ, આર, એસ.ટી,યુ.વી, એમ, ડબલ્યુ કે જે મોટા રોડ પર આવ્યા છે તેમાં દુકાનો બનાવવા માંગણી કરી હતી તેથી આ તમામ બ્લોકમાં ફર્સ્ટ ફલોરની દુકાનો ગ્રાઉન્ડ ફલોર પર બનાવવામાં આવી છે. બિલ્ડીંગના સ્ટ્રકચર તૈયાર થઈ ગયા બાદ આ ફેરફાર કરવામાં આવ્યા હોવાથી દુકાનો વચ્ચે પીલ્લર આવી ગયા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઓઢવ આવાસ અંગેના આક્ષેપ અને ખુલાસા વચ્ચે એક બાબત એવી પણ બહાર આવી છે કે કમીટીની માંગણી મુજબ દુકાનોના સ્થાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે તથા જે સ્થળે પાર્કીંગ દર્શાવવામાં આવ્યા હતા તે જગ્યા પર દુકાનો બનાવવામાં આવી છે. જેના કારણે સદ્ર આવાસમાં પાર્કીંગનો અભાવ રહે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાર્કીંગ ન હોય તેવા બાંધકામના પ્લાન મંજુર થતા નથી તેમજ બી.યુ પણ આપવામાં આવતા નથી, તેમ છતાં ઓઢવ આવાસને બી.યુ. કેવી રીતે આપવામાં આવી ? કમીટી ચેરમેન અશ્વિનભાઈ પેથાણીએ પાર્કીંગ ન હોવાની બાબતનો સ્વીકાર કરતા જણાવ્યુ હતું કે કોન્ટ્રાકટર ઈસ્કોન ગ્રુપ દ્વારા રીવાઈઝડ રજાચિઠ્ઠી લેવામાં આવી હતી,
પરંતુ રીવાઈઝડ પ્લાનમાં પાર્કીંગ દર્શાવવામાં આવ્યુ હતુ કે કેમ? તે વિગત હજી જાહેર થઈ નથી, કમીટી ચેરમેનના ખુલાસા બાદ એ બાબત સ્પષ્ટ થાય છે કે તંત્ર દ્વારા ક્યાંક તો ભુલ થઈ છે. જાે પાર્કીંગ ન હોય તો રીવાઈઝડ રજા ચિઠ્ઠી, પ્લાન મંજુરી અને બી.યુ. ઈસ્યુ કરનાર અધિકારી શંકાના દાયરામાં આવી શકે છે,
જયારે મનપા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કન્સલન્ટ કે જેમને રૂા.બે કરોડ ફી ચુકવવામાં આવી છે તેમની કામગીરી બાબતે પણ ફેર- વિચાર કરવાની જરૂર રહે છે. અત્રે નોંધનીય છે કે પલ્લવ ચાર રસ્તા પાસે હાઉસીંગ બોર્ડના મકાનોમાં પાર્કીંગ માટે બે સેલર દર્શાવવામાં આવ્યા હતા પરંતુ સેલર તૈયાર કરવામાં આવ્યા ન હતા, પાર્કીંગ ન હોવાથી બી.યુ. માટે મોટો વિવાદ થયો હતો તથા અંતે યેનકેન પ્રકારે બી.યુ. ઈસ્યુ થઈ હોવાની પણ ચર્ચા ચાલી હતી.