Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના (AMC) બહુચર્ચિત રોડ કૌભાંડમાં સીટી ઈજનેરને સેફ પેસેજ આપવાનો તખ્તો તૈયાર

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ર૦૧૭ની સાલમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તા તૂટી ગયા હતા. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થયુ હતું. તદુપરાંત વોર્ડ લેવલના કેેટલાંક ઈજનેર કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોએ મેળાપીપણા કરીને ડામરના બોગસ બીલ બનાવીને આર્થિક ગેરરીતિ આચરી હતી. રોડ-રસ્તાના કામમાં થયેલ કૌભાંડ મુદ્દે એ સમયે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ થઈ હતી. જેના કારણે, મનપાને વિજીલન્સ તપાસ કરાવવાની ફરજ પડી હતી. મ્યુનિસિપલ વિજીલન્સ તપાસમાં દોષિત સાબિત થયેેલ ઈજનેર અધિકારીઓને દંડ તથા ઈન્ક્રીમેન્ટ કપાતની સજા કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસની ફાઈલ અભરાઈએ મુકવાના પ્રયાસ થયા હતા.

રોડ કૌભાંડમાં મોટામાથાઓનો પણ સમાવેશ થતો હોવાથી ઉચ્ચ કક્ષાએથી તપાસ આટોપવાની તમામ તૈયારરીઓ થઈ ચુકી હતી. પરંતુ નવા પશ્ચિમ ઝોનની મીટીંગમાં રોડ મુદ્દે તડાફડી થયા બાદ ‘સ્ટેુપીડ’ વિવાદ થયો હતો. આ વિવાદથી બચવા માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નરે તે જ દિવસે ડેપ્યુટી કમિશ્નર (વિજીલન્સ) દ્વારા ર૩ અધિકારીઓને ચાર્જશીટ આપવાની જાહેરાત કરી,ર૩ ઈજનેર અધિકારીઓને વિધિવત રીતે ચાર્જશીટ આપી હતી. જેમાં મ્યુનિસિપલ સીટી ઈજનેર અને સીટી ઈજનેર (રોડ-પ્રોજેક્ટ) નો પણ સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ કમિશ્નરે નવા પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના તત્કાલીન ઈજનેર અધિકારીઓને ચાર્જશીટ આપી હતી. જ્યારે અન્ય ઝોનના એડીશ્નલ અને ડેપ્યુટી કક્ષાના અધિકારીઓને પેનલ્ટી કરીને મુક્ત કરવામાં આવ્યા હતા. વર્તમાન મ્યુનિસિપલ કમીશનરના કાર્યકાળ દરમ્યાન ૨૦૧૭માં થયેલ કૌભાંડ અને ગેરરીતીની તપાસનો નિકાલ તેમની ફેર નિયુક્તિ બાદ પણ આવે તેવા કોઈ જ અણસાર જોવા મળતા નથી. મ્યુનિસિપલ સીટી ઈજનેર બે મહિના બાદ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમને સેફ પેસેજ આપવા માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બહુચર્ચિત રોડ કૌભાંડની તપાસનો અંત ત્રણ વર્ષ બાદ પણ આવ્યો નથી. એક વર્ષ પહેલાં કસુરવાર સાબિત થયેલ ઈજનેર અધિકારીઓને દંડ અને ચાર્જશીટ આપવા સુધીની સજા કરવામં આવી હતી. જેમાં મ્યુનિસિપલ વિજીલન્સ તપાસ પૂર્ણ થયા બાદ સજાના પ્રથમ ભાગમાં વોર્ડ લેવલના અધિકારીઓનેે રૂા.પ૦ હજાર સુધીનો દંડ કરવામાં આવ્યો હતો. સજાના બીજા ભાગમાં દોષિત અધિકારીઓના ઈજાફા કાપી લેવામાં આવ્યા હતા.

જ્યારે ત્રીજા અને અંતિમ ભાગમાં ર૩ અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી હતી. તેમની તપાસ માટેે નિવૃત્ત જજની નિમણુંક કરવામાં આવી છે. પરંતુ એક વર્ષમાં માત્ર એક જ વખત હિયરિંગ થયું છે. નિવૃત જજે તપાસ માટે ઈજનેર અધિકારીઓની ત્રણ ટીમ બનાવી છે. જેમાં એક ટીમ સીટી ઇજનેરની છે. અન્ય બે ટીમ હિતેશ કોન્ટ્રાક્ટર અને હરપાલસિંહ ઝાલાની છે. જે પૈકી હિતેશ કોન્ટ્રાક્ટરની ટીમનું એક વખત હિયરિંગ થયું છે.

જયારે અન્ય બે ટીમને હજી સુધી બોલાવવામાં આવી નથી. જાણકાર સૂત્રોએ જણાવ્યા મુજબ કોરોનાના કારણે તપાસ કરનાર નિવૃત્ત જજ પણ તેમના વતન ચાલ્યા ગયા છે.ર૦૧૭ના વર્ષમાંં રોડ તૂટવા બદલ એડિશ્નલ ઈજનેર કક્ષાના ૭ અધિકારીઓને નોટીસ આપવામાં આવી હતી.

જે પૈકી પીએ પટેલ એડિશનલનો ચાર્જ સંભાળતા હતા જ્યારે અન્ય ૬ એડિશ્નલ પૈકી ત્રણને દંડ કરી દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.જયારે ત્રણ એડીશ્નલ અધિકારીને ચાર્જશીટ આપવમાં આવી છે. જે ઉચ્ચ અધિકારીઓન ચાર્જશીટ આપવામાં આવી છે તેમાં વર્તમાન સીટી ઈજનેર નરેન્દ્રભાઈ કે મોદી તથા રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા હિતેષ કોન્ટ્રાક્ટરના નામ મુખ્ય છે. નોંધનીય છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નરે નરેન્દ્રભાઈ મોદી સામે વિજીલન્સ તપાસ ચાલી રહી હોવા છતાં અગમ્ય કારણોસર તેમને પ્રમોશન આપ્યું હતું..

સીટી ઈજનેર બે માસમાં જ નિવૃત્ત પણ થઈ રહ્યા છે. તેથી તપાસ સમયસર પૂર્ણ નહીં થાય તો ભૂતકાળમાં અનેક કિસ્સામાં થયુ છે તેમ કોઈપણ પ્રકારના લાભ રોક્યા વિના માનભેર વિદાય થાય એવી પણ દહેશત વ્યક્ત થઈ રહી છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નરે જે ત્રણ એડીશ્નલને રાહત આપી હતી તેમાં રાખીબેેન ત્રિવેદી, એચ.ટી.મહેતા અને અમિત પટેલનો સમાવેશ થાય છે. ડેપ્યુટી ઈજનેર અધિકારી પી.એ.પટેલને તે સમયેે એડિશ્નલનો ચાર્જ સંભાળતા હતા તેમને પણ દંડ કરવામાં આવ્યો છે. એડીશ્નલ ઈજનેર અધિકારીઓને રૂા.૧.૮૦ લાખથી રૂા.ર.રપ લાખ સુધીનો દંડ કરવામાં આવ્યો છે!!

મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ કૌભાંડમાં ડેપ્યુટી ઈજનેર કક્ષાના ચાર આસિસ્ટન્ટ સીટી ઈજનેર કક્ષાના સાત તથા આસિસ્ટન્ટ ઈજનેર કક્ષાના અધિકારીઓને પણ ચાર્જશીટ આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓ તે સમયે પશ્ચિમ, નવા પશ્ચિમ ઝોન તથા રોડ પ્રોજેક્ટ ખાતામાં ફરજ બજાવતા હતા. પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં આકાશ ઈન્ફ્રાસ્ટ્‌?કચર અને જી.પી. ચૌધરીએ રોડ બનાવ્યા હતા.

જેમાં હલકી ગુણવતાના માલ સામાન તથા બોગસ બિલીંગ જેવી ગેરરીતિઓ પણ આચરી હોવાનું બહાર આવતા બંન્ને કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ બંન્ને કોન્ટ્રાક્ટરોએ આચરેલી ગેરરીતિમાં રહેમનજર દાખવનાર ઉચ્ચ અધિકારીઓને ચાર્ઝશીટ આપવા સુધીની સજા થઈ છે. વર્તમાન કમિશનર મુકેશકુમાર ર૦૧૭માં જયારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા તે સમયે મોટાપાયે રોડ તૂટ્યા હતા તેમ છતાં મનપાએ અસરકારક પગલાં લીધા ન હોવાથી વડી અદાલતે લાલ આંખ કરી હતી. તથા કોન્ટ્રાક્ટરોના ખર્ચે અને જાેખમે રોડ રીસરફેસ કરવા આદેશ કર્યો હતો.

સાથે સાથે જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરવા માટે પણ આદેશ કર્યો હતો. વડી અદાલતના આદેશ બાદ ત્રણ કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ કમિશનર પદે વિજય નહેરા નિયુકત થયા હતા.તેમણે પણ આ કૌભાંડની તપાસમાં રસ દાખવ્યો નહતો તેમજ વિજિલન્સ તપાસ ચાલતી હોવા છતાં એન.કે.મોદીને સીટી ઈજનેર તરીકે પ્રમોશન આપ્યુ હતુ. મ્યુનિસિપલ શાસકો સાથે થયેલા ઘર્ષણ બાદ બધા નું ધ્યાન અન્યત્ર દોરવા માટે તે જ દિવસે ચાર્જશીટ આપ્યાની જાહેરાત કરી હતી.

આ સમગ્ર કૌભાંડમાં એડિશ્નલ ઈજનેર અધિકારીઓને ૪૦ તથા ડેપ્યુટી ઈજનેર અધિકારીઓને ૪૧ જેટલી નોટીસો આપવામાં આવી હતી. રોડ ગેરરીતિ, મામલે જે અધિકારીઓને સજા કરવામાં આવી છે તે પૈકી કેટલાંક અધિકારીઓ ખોટી રીતે દંડાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. જયારે રાજકીય દબાણવશ કેટલાક ઉચ્ચ અધિકારીઓને ઓછી સજા કરીને રાહત આપવામાં આવી હોવાનું સુત્રોએે વધુમાં જણાવ્યુ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.