અમદાવાદ મ્યુનિ. ચીફ ફાયર ઓફીસર એક જ મહીનામાં બીજી વખત કોરોના સંક્રમિત
વૈજ્ઞાનિકો અને તબીબો માટે અભ્યાસનો વિષય
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ આંતક મચાવી રહ્યો છે. તેમજ ઇન્ફેકશન થયા બાદ તાકીદે સારવાર ન મળે તો ગણતરીના કલાકોમાંજ દર્દીનું મહત્વ થાય છે. કોરોનાની લહેર જીવણલેણ સાબિત થઈ રહી છે. સાથે સાથે નવા પ્રકારનો વાયરસ તબીબોની પણ સમજ બહાર હોય તેમ લાગી રહ્યુ છે.
સામાન્ય રીતે કોરોના વેક્સીનનો એક ડોઝ લીધો હોય તેવી વ્યકિતને સંક્રમણની ઓછી અસર થાય છે. તેમજ એક વખત કોરોના થયા બાદ ઓછામાં ઓછા ત્રણ મહીના સુધી બીજી વખત કોરોના થતો નથી તેવી માન્યતા છે. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના એક અધિકારીએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ તેમના ફેફસાને ૮૦ ટકા નુકસાન થયુ છે
તેમજ એક જ મહીનામાં બીજી વખત પોઝીટીવ રીપોર્ટ આવ્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. નિષ્ણાતોના મતે એક હજાર કેસમાંથી ૧૦ દર્દી આ પ્રકારે બીજી વખત સંક્રમિત થઈ શકે છે. અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટે ફ્રન્ટલાઈન વર્કર તરીકે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ ૨૬ માર્ચે લીધો હતો.
ત્યારબાદ પાંચમી એપ્રિલે તેઓ કોરોના સંક્રમિત થતા તેઓ હોમ આઈસોલેટ થયા હતા. પરંતુ બે-ત્રણ દિવસ બાદ તેમની તબિયત ખરાબ થતા તેઓ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તબીબોના જણાવ્યા મુજબ તેઓ દાખલ થયા તે સમયે તેમના ફેફસાને ૭૦ થી ૮૦ ટકા નુકસાન થયુ હતુ.
લગભગ ૧૫ દિવસની ઘનીસ્ટ સારવાર બાદ તેમને રીકવરી આવી હતી. તેથી ૨૧ એપ્રિલે તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમનો ફરીથી રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો. ૩૦ એપ્રિલે તેઓ રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જ્યાં વધુ એક વખત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રીપોર્ટ અત્યંત ચોકાવનારો હતો.
ચીફ ફાયર ઓફીસર બીજી વખત સંક્રમિત થયા હોવાનું રીપોર્ટમાં જાહેર થયુ હતુ. આ અંગે રાજેશ ભટ્ટે માહિતી આપતા જણાવ્યુ હતુ સામાન્ય માન્યતા મુજબ ૧૪ દિવસ બાદ કોરોના વાયરસ નુકશાન કરતો નથી. પરંતુ કેેટલાક કિસ્સામાં ઇન્ફેકશનનું પ્રમાણ વધુ હોય તો કોરોનાના ડેડ સેલ ફરીથી સક્રિય બની શકે છે.
શરીરમાંથી જ્યાં સુધી આ ડેડસેલનો નિકાલ ન થાય ત્યાંસુધી દર્દી પોઝીટીવ જાહેર થાય તેવી શક્યતા રહે છે. તેઓ પ્રથમ વખત પોઝીટીવ જાહેર થયા તે સમયે તેમના સીટી સ્કેન રીપોર્ટમાં વાયરસ લોડ વધારે હતો. વેકસીન લીધા બાદ પ્રથમ દસ દિવસ ઇમ્યુનીટી ઓછી થાય છે. તેમજ ૧૪ દિવસ બાદ એન્ટીબોડી ડેવલપ થાય છે.
તેથી આ કિસ્સામાં વેક્સીનની અસર ન થઈ તેમ કહેવું યોગ્ય નથી. તેવી જ રીતે વાયરસ લોડ વધુ હોય તો એક હજારમાંથી દસ દર્દી ફરીથી સંક્રમિત થાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. તેથી આ પ્રકારે કોઈ દર્દી બીજી વખત પોઝીટીવ જાહેર થાય તો તેમાં ગભરાવવાની જરૂર નથી તેમ તેમણે વધુમાં કહ્યુ હતું.
મ્યુનિ.ચીફ ફાયર ઓફીસરનો કેસ “લાખો મેં એક” જેવો છે. જે દેશ-વિદેશમાં વૈજ્ઞાનિકો અને તબીબો માટે પણ અભ્યાસનો વિષય બની શકે છે. કોરોના માટે કોઈ ખાસ દવા ન હોવાથી કેટલાક તબીબો માટે દર્દીનું શરીર પ્રયોગશાળા બની ગયુ હોવાની પણ ચર્ચ ચાલી રહી છે.