અમદાવાદ મ્યુનિ. ડ્રેનેજ ખાતાનું મહા કૌભાંડ
અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડની પધ્ધતિમાં સમય મુજબ બદલાવ આવે છે. મ્યુનિસિપલ અધિકારીઓ માનીતા કોન્ટ્રક્ટરને ફાયદો થાય એ માટે ટેન્ડરની શરતો અને મંજુરીમાં મનસ્વીપણે નિર્ણય કરતા રહે છે. તેમજ કેટલાંક સંજાગોમાં નીચા ભાવ ભરનાર કોન્ટ્રાક્ટરને કોરાણે મુકી વધુ ભાવ ભરનાર કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે. ઉત્તર ઝોનના કોતરપુરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામમાં ડ્રેનેજ ખાતાના ઉચ્ચ અધિકારીઓએ આ પધ્ધતિ અપનાવી હતી. પરંતુ કમિટી ચેરમેન આ કૌભાંડની ગંધ આવી જતા ફરીથી ટેન્ડર મંગાવવા નીર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર સાબરમતી નદીમાં જતા ગંદા પાણીને અટકાવવા માટે કોતરપુર, હાંસોલ, અચેર, કોટેશ્વર વિસ્તારોમાં એસટીપી બનાવવા આયોજન કરવામાં આવ્યુ છે. કોતરપુર વિસ્તારમાં સ્ટ્રોમ વાટર ડ્રેઈન મારફતે નાળામાં થઈને ડ્રેનેજનું ગંદુ પાણી સાબરમતી નદીમાં જાય છે.
ગંદા પાણીને શુધ્ધ કરવા માટે કોતરપુરમાં એસપીટી બનાવવા ડ્રેનેજ પ્રોજેક્ટ ખાતાએ દસ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ સાથે ઈપાસી બેઝ ઓનલાઈન ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં પાંચ બીડરો ક્વોલીફાય થયા હતા.
જે પૈકી યુઈએમ ઈન્ડીયા પ્રા.લી. નામની કંપનીએ રૂ.૯૪ કરોડના ભાવ આપ્યા હતા. જેમાં કન્સ્ટ્કશન,ગ્રેવીટી ચેઈન અને ઓપરેશન-મેઈન્ટેનન્સનો સમાવેશ થતો હતો. જ્યારે ગીરધારીલાલ અગ્રવાલ નામના બીડરે રૂ.૯૬.૬૬ કરોડના ભાવ આપ્યા હતા. સુત્રોએ જણાવ્યા મુજબ ગીરધારીલાલ અગ્રવાલને કામ આપવા માટે મનપાના એક ઉચ્ચ અધિકારીનું દબાણ હતુ. તેથી ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓએ ‘જે રકમ ચુકવવાની નથી તેવી રકમની ગણતરી કરીને સૌથી નીચા ભાવ આપનાર યુઈએમ ઈન્ડીયાને રીજેક્ટ કર્યા હતા.
જેના માટે કન્સ્ટ્રકશન કોસ્ટમાં ઓપરેશન-મેઈન્ટેનન્સની રકમ ૩૦ ટકા કરતા ઓછી ભરી હોવાના કારણો આપવામાં આવ્યા હતા. તેથી તે કેપિટલ કોસ્ટમાં ઓ એન્ડ એમ કોસ્ટ ૩૦ ટકા મુજબ ઉમેરીને સદ્દર પાર્ટીને સેકન્ડ લોએસ્ટ જાહેર કરવામાં આવી હતી. યુઈએમ ઈન્ડીયા લીમીટેડે કેપિટલ કોસ્ટ ૭૦ કરોડની ગણતરી કરી હતી. જ્યારે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે ૩૦ ટકા લેખે ર૧ કરોડના બદલે રૂ.૧૭ કરોડના ભાવ આપ્યા હતા.
આમ, પાર્ટીએ રૂ.ચાર કરોડ ઓછાના ભાવ ઓછા આપ્યા હતા. તેમ છતાં તેના ભાવમાં રૂ.ચાર કરોડનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તથા કામ આપવામાં આવ્યુ હતુ.
મ્યુનિસિપલ ડ્રેનેજ પ્રોજેક્ટ ખાતા દ્વારા એસટીપીના કામની દરખાસ્તને વાટર સપ્લાય કમિટિ સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવ્યુ હતુ. કમિટી ચેરમેન અને સભ્યોએ ફાઈલનો ગહન અભ્યાસ કરતા આ ગોલમાલ બહાર આવી હતી. તેથી કમિટિએ દરખાસ્ત પરત મોકલી ફરીથી ટેન્ડર જાહેર કરવા નિર્ણય કર્યો છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.