અમદાવાદ મ્યુનિ. બજેટ બોર્ડ બાદ મળનાર બીજા બોર્ડમાં ચેરમેનોના નામોની વિધિવત્ જાહેરાત થઈ શકે છે
પાયાના કાર્યકરોમાં જાેવા મળેલા છુપા રોષને પારખી જઈને સબ કમીટી હોદ્દેદારોની નિમણૂંક બાકી રાખવામાં આવી છે -૧૩ સબ કમીટી તેમજ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન, સભ્યોની નિમણૂક બાકી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યા બાદ ભાજપા દ્વારા મેયર, ડે.મેયર સહીત પાંચ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે પરંતુ સબ કમીટી ચેરમેન ડે.ચેરમેન તથા સભ્યોની નિમણુંક બાકી રાખવામાં આવી છે.
શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપામાં પ્રથમ વખત પ્રચંડ બહુમતિ બાદ હોદ્દેદારોની નિમણૂંકમાં વિરોધ જાેવા મળ્યો હતો પાર્ટીના અગ્રણી નેતામાંથી શરૂ કરી પાયાના કાર્યકરોમાં જાેવા મળેલા છુપા રોષને પારખી જઈને સબ કમીટી હોદ્દેદારોની નિમણૂંક બાકી રાખવામાં આવી છે શહેર સંગઠનમાં ફેરફાર થયા બાદ જ કમીટી ચેરમેન- સભ્યોની નિમણૂંક કરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કોર્પોેરેશનની ચૂંટણીના પરીણામ ર૩ ફેબ્રુઆરીએ જાહેર થયા બાદ ભાજપાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીના પ્રચાર માટે મોકલ્યા હતા તેથી હોદ્દેદારોની નિમણૂંક માટે ખાસ ચર્ચા થતી ન હતી. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પરીણામ બાદ ભાજપાએ માત્ર પાંચ હોદ્દેદારોની નિમણુંક કરી છે
જયારે ૧૩ સબ કમીટી તેમજ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન, સભ્યોની નિમણૂક બાકી રાખી છે. સુત્રોએ જણાવ્યા મુજબ ટિકિટ વહેંચણી સમયથી શહેર સંગઠનની મનમાની ચાલી રહી છે જે હોદ્દેદારોની નિમણુંકમાં પણ જાેવા મળી છે. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનની નિમણૂંક બાદ પાર્ટીમાં વિરોધ જાેવા મળ્યો હતો.
જેની રજુઆત દિલ્હી સુધી થઈ હતી નેતાઓ અને કાર્યકરોના રોષને શાંત કરવા તેમજ વધુ અન્યાય ન થાય તે માટે તાકીદે ધર્મેન્દ્ર શાહની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે પરંતુ સબ કમીટી ચેરમેનની નિમણુંક સહીતના નિર્ણય શહેર સંગઠનમાં ફેરફાર થયા બાદ જ કરવામાં આવશે.
અગાઉ મ્યુનિ. હોદ્દેદારોએ થોડા સમય બજેટ બોર્ડ પહેલા સબ કમીટી ચેરમેનની નિમણુંક માટે રજુઆત કરી હતી પરંતુ પક્ષમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી બજેટ બોર્ડમાં પાંચ હોદ્દેદારો જ પ્રવચન કરશે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બજેટ બોર્ડ મળશે જેના ૧પ-ર૦ દિવસ બાદ બીજુ બોર્ડ (માસિક સામાન્ય સભા) બોલાવવામાં આવશે જેમાં તમામ કમીટીના ચેરમેન, ડે. ચેરમેન તથા સભ્યોના નામની જાહેરાત થશે.
મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન અને સભ્યોની નિમણુંક પણ તે સમયે જ કરવામાં આવશે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં બીજુ બોર્ડ બોલાવવામાં આવી શકે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે ભાજપમાં પ્રથમ વખત પરીણામના બે મહીના બાદ સબ કમીટી હોદ્દેદારો અને સભ્યોની નિમણુંક થશે. પક્ષ ના આંતરીક વિખવાદને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જાેકે તેના કારણે પ્રજાકીય કામો પર વિપરીત અસર થઈ શકે છે તેમ નિષ્ણાંતો માની રહયા છે.