મ્યુનિસિપલ બજેટ પહેલા કમિટી ચેરમેનોની નિમણૂંક કરવા નવા હોદ્દેદારોની રજૂઆત
બજેટ ચર્ચા પહેલા સબ કમીટી ચેરમેન- ડે. ચેરમેનની નિયુક્તિ કરવા હોદ્દેદારોએ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુઆત કરી – મ્યુનિ. કમિશ્નર આગામી સપ્તાહે બજેટ રજુ કરશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતાધારી પક્ષ દ્વારા નવા હોદ્દેદારો અને સ્ટેન્ડીંગ કમીટી સભ્યોની નિમણૂંક કરવામાં આવ્યા બાદ નાણાકીય વર્ષ ર૦ર૧-રર ના બજેટ માટે તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. મ્યુનિ. ચૂંટણીના કારણે બજેટ પ્રક્રિયામાં લગભગ ૪૦ દિવસનો વિલંબ થયો છે.
મ્યુનિ. બોર્ડમાં બજેટ ચર્ચા પહેલા સબ કમીટી ચેરમેન અને ડે. ચેરમેનોની નિમણૂંક કરવામાં આવે તેવી લાગણી નવનિયુક્ત હોદ્દેદારોએ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ વ્યકત કરી છે જયારે નવા બજેટમાં વર્લ્ડ બેંક આધારીત વિકાસના કામો મુકવામાં આવશે.
મ્યુનિ.બજેટ પર કોરોનાની અસર જાેવા મળી |
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૦-ર૧ના બજેટ પર લોકડાઉનની મોટી અસર થઈ છે. સ્માર્ટ સીટીના અંદાજે રૂા.૮૦૦ કરોડના કામ રદ કરવામાં આવ્યા છે તેમજ જરૂરી ન હોય તેવા કામ “કેરી ફોરવર્ડ” કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. ફેબ્રુઆરી મહીનાના અંત સુધી માત્ર રૂા.૧૯૦૦ કરોડના જ કેપીટલ કામ થયા છે. જયારે રૂા.ર૩૦૦ કરોડનો રેવન્યુ ખર્ચ થયો છે. આમ રૂા.૯ર૦૦ કરોડના બજેટમાંથી પ૦ ટકા બજેટ ખર્ચ કે કામ થયા નથી. જેનું મુખ્ય કારણ રેવન્યુ આવકમાં ઘટાડો તથા સરકારી ગ્રાન્ટને માનવામાં આવી રહયા છે. દર વરસે નોનટેક્ષ આવક રૂા.૧ર૦૦ કરોડ આસપાસ રહે છે ચાલુ નાણાકીય વર્ષમાં નોન ટેક્ષ રેવન્યુ આવક માત્ર રૂા.૬૦૦ કરોડ થઈ છે તેવી જ રીતે સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી ગ્રાન્ટ પેટે માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ગ્રાન્ટ આપવામાં આવી છે પરંતુ તેની સામે કોરોના ખર્ચ પેટે સરકાર પાસેથી રૂા.૪૩પ કરોડ લેવાના બાકી છે. જયારે ૮૦ઃર૦ યોજના અંતર્ગત રૂા.૧૪૦ કરોડ બાકી છે. ગત વરસે ર૦ ફલાય ઓવર માટે જાહેરાત થઈ હતી જે પૈકી સાત ફલાય ઓવરને સરકારે મંજુરી આપી છે તેથી બાકી ૧૩ ફલાય ઓવરના કામ ફરીથી જાહેર થઈ શકે છે. જયારે ડ્રેનેજ પ્રોજેકટ માટે રૂા.૧૧પ કરોડ, વોટર પ્રોજેકટ વોટર ઓપરેશન માટે રૂા.૩રપ કરોડ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. નવા બજેટમાં વિકાસના જે કામો રજુ કરવામાં આવશે તે વર્લ્ડ બેંક ગ્રાન્ટ આધારીત હશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. |
મ્યુનિ. કોર્પોરેશનમાં દર વરસે ર૦ ફેબ્રુઆરી પહેલા બજેટ મંજુર કરી રાજય સરકારને મોકલી આપવાની પરંપરા છે પરંતુ મહાનગરપાલિકા ચૂંટણીના કારણે વર્ષો જુની પ્રથા તુટી છે. મ્યુનિ. કમિશ્નરે ર૦ ફેબ્રુઆરી પહેલા કરવેરા દરખાસ્ત સરકારને મોકલી આપી હતી જયારે નવા હોદ્દેદારોની વરણી બાદ જ બજેટ રજુ કરવા માટે મળેલી સુચનાનો અમલ કર્યો હતો. મ્યુનિ. શાસક પક્ષે ૧૦મી માર્ચે પાચ હોદ્દેદારોની વરણી કર્યા બાદ કમિશ્નર કચેરીએ બજેટનો ધમધમાટ શરૂ થયો છે.
સુત્રોએ જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં મળનાર સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવશે. મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં નવા કરવેરા લાદવામાં આવશે નહિ તેમજ વર્તમાન નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઝાકમઝોળ વાળા બજેટ તૈયાર કરવામાં આવશે નહિ.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ર૦ માર્ચની આસપાસ સુધારા સાથેનું બજેટ મંજુર કરવામાં આવશે જેના સાત દિવસ (રજા સિવાય) બાદ મ્યુનિ. બોર્ડમાં બજેટ ચર્ચા રાખવામાં આવશે તેમજ બજેટને અંતિમ મંજુરી આપી રાજય સરકારને મોકલી આપવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંચ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે પરંતુ સબ કમીટી ચેરમેન- ડે. ચેરમેનોની વરણી થઈ નથી તેથી નવા હોદ્દેદારો દ્વારા બજેટ ચર્ચા પહેલા વરણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
ર૦ થી રપ માર્ચ આસપાસ સબ કમીટી ચેરમેનોની નિયુક્તિ થઈ જાય તો તેઓ બજેટ ચર્ચામાં ભાગ લઈ શકે તેમજ મ્યુનિ. વહીવટી તંત્રથી વાકેફ પણ થઈ શકે તેમ છે. ૧૩ માર્ચથી જિલ્લા- તાલુકા પંચાયતના હોદ્દેદારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડ મળે તેવી શક્યતા છે. સદ્ર પ્રક્રિયા ત્રણ દિવસ ચાલશે જે પુર્ણ થયા બાદ સબ કમીટી ચેરમેનની ફાઈલ હાથ પર લેવામાં આવી શકે છે.