અમદાવાદ મ્યુનિ. બોર્ડમાં બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉછળ્યો

મોટેરા સ્ટેડીયમનો બેટર મેન્ટ ચાર્જ બાકીઃ કોંગ્રેસ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરના પ્રવેશદ્વાર સમાન ચંડોળા તળાવની ફરતે આવેલા ઝૂંપડાઓમાં બાંગ્લાદેશીઓના વસવાટ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમના પ્રોપર્ટી ટેક્ષની આકારણી થઈ નથી. તેમજ બેટરમેન્ટ ચાર્જના બાકી હપ્તા તેમજ મ્યુનિ.કમીશનરના પી.એ.સવાયા કમીશનર સાબિત થતા હોવાની ઉગ્ર રજૂઆત વિપક્ષ દ્વારા મ્યુનિ.કોર્પાેરેશનની સામાન્ય સભામાં થઈ હતી.
શહેરના ઐતિહાસિક ચંડોળા તળાવને ડેવલપ કરવા માટે રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા અનેક વખત જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તળાવ ડેવલપનું કામ થયું નથી. તેવી જ રીતે ચંડોળા તળાવની આસપાસ અંદાજે ૫૫૦૦ જેટલા ઝૂંપડા છે. ઝૂંપડાવાસીઓ લાઈટ, પાણી, રોડ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
તેવી રજૂઆત સ્થાનિક કોર્પાેરેટર શહેજાદખાન પઠાણ દ્વારા કરવામાં આવતા ભાજપા દંડક અરૂણસિંહ રાજપૂતે બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં શહેજાદ ખાન પઠાણે ભાજપ-કોંગ્રેસના કોર્પાેરેટરો અને મ્યુનિ.ટીમ સંયુક્ત રીતે ઘરે-ઘરે સસરવે કરે તથા જે નાગરીક બાંગ્લાદેશના હોય તેમને પરત મોકલી આપવામાં આવે તેઓ પડકાર ફેંક્યો હતો. આ લોકોના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના બોગસ દસ્તાવેજ ભાજપના શાસનમાં જ બની રહ્યા છે અને તેમના અધિકારીઓ જ સહી કરી રહ્યા હોવાનો સીધો આક્ષેપ કર્યા હતા.
ચાંદખેડાના મહિલા કોર્પાેરેટર રાજશ્રીબેન કેલરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનો બેટરમેન્ટ ચાર્જ બાકી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્ટેડીયમની બી.યુ.ઈશ્યુ કરતા સમયે એસ્ટેટ વિભાગ દ્વારા બેટરમેન્ટ ચાર્જના રૂા.૬૦ કરોડ ભરવા માટે તાકીદ કરવામાં આવી હતી. ત્યારબાદ સદર રકમ ૧૦ સરખા હપ્તામાં ભરવા માટે સંમતિ થઈ હતી.
તેમ છતાં માર્ચ-૨૦૨૧ના રૂા.૧૦ કરોડ ભરવામાં આવ્યા નથી. તેવી જ રીતે સ્ટેડીયમનું ઉદ્ઘાટન થઈ ગયું હોવા છતાં ટેક્ષ વિભાગ દ્વારા દોઢ વર્ષથી આકારણી કરવામાં આવી નથી. જેના કારણે તંત્રએ કરોડો રૂપિયાની આવક ગુમાવી છે.
ગોમતીપુરના કોર્પાેરેટર ઈકબાલ શેખે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની નિષ્ફળતા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ નિકોલ, ઓઢવ, વસ્ત્રાપુર, સરસપુર, સૈજપુર, ગોમતીપુર સહિત અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેનો નિકાલ કરવામાં ૨૪થી ૩૬ કલાક જેટલો સમય થયો હતો.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ઈન્કમટેક્ષ, અંજલી, રાજેન્દ્ર પાર્ક, વિરાટનગરના ફ્લાય ઓવર લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ તમામ બ્રીજના કામ સમયસર પૂર્ણ થયા છે. પરંતુ ખોખરા-અનુપમ રેલવે બ્રીજનું કામ ત્રણ વર્ષથી ખોરંભે પડ્યું છે. જેના કારણે હજારો નાગરીકોને હાલાકી થઈ રહી છે. આ બ્રીજનું કામ સમયસર પૂર્ણ થાય તે માટે રેલવે સાથે તાકીદે મીટીંગ કરવી જરૂરી છે.
જમાલપુરના કોર્પાેરેટર રફીક શેખે મ્યુનિ.કમીશનરની કામગીરી સામે પ્રશ્નાર્થ કર્યા હતાં. તેમણે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રજાકીય કામ માટે કમીશનરની એપોઈન્ટમેન્ટ માટે ફોન કરીએ કે રૂબરૂ જઈએ છીએ તે સમયે તેમના પી.એ.વિશાલ નાયકનું વર્તન અત્યંત ખરાબ હાય છે.
તેમજ મ્યુનિ.કમિશનરને શા માટે મળવાનું છે ? શું કામ છે ? તેવા અનેક પ્રશ્નો કરે છે. અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અને પ્રજાના કામ માટે કમીશનરને મળવાનું રહે છે. કમીશનરના અંગત સચિવ વિશાલ નાયક આઠ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. એડીશનલ પ્રમોશન મળ્યા બાદ પણ તેઓ પી.એ. તરીકે જ ફરજ બજાવી રહ્યા છે.
તેમની લાયકાત અને યોગ્યતાનો લાભ નાગરીકો અને શહેરીજનોને પણ મળવો જરૂરી છે. તેમજ મ્યુનિ.કમીશનરના પી.એ.તરીકે આસી. કે ડેપ્યુટી ઈજનેર કક્ષાના કર્ચમારીની નિમણૂંક કરવામાં આવે તે દિશામાં કાર્યવાહી કરવી આવશ્યક છે. જમાલપુર વોર્ડમાં પ્રદૂષિત પાણી અને અપૂરતા પ્રેશરની સમસ્યા વકરી રહી છે. વોર્ડ સમિતિ બેઠકમાં અનેક વખત ફરીયાદ કરી છે. અધિકારીઓ કામ કરતા નથી તેથી મ્યુનિ.બોર્ડમાં રજૂઆત કરવાની ફરજ પડી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.