Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. હોદ્દેદારોનો “અભિવાદન યોગ” મજબુત

તમામ હોદ્દેદારોની ઓફિસમાં શુભેચ્છા પાઠવનારા લોકોની ભીડ જામેલી રહે છે-ઓફીસની બહાર પણ લાબી કતાર લાગી હોય છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહયા છે. પરંતુ તંત્રના પગલા કે માર્ગદર્શિકા માત્ર એકતરફી હોવાનો અહેસાસ નાગરીકો કરી રહયા છે.

મ્યુનિ. કોર્પો.ના નવનિયુક્ત હોદ્દેદારો તેમના કાર્યાલયમાં જ કોરોના માર્ગદર્શિકાના લીરા ઉડાવી રહયા છે જે બાબત પણ ચર્ચાનો વિષય બની છે. મ્યુનિ. કોર્પો.માં ૧૦ માર્ચે પાંચ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી તે દિવસથી શરૂ કરી આજ સુધી તમામ હોદ્દેદારોની ઓફિસમાં શુભેચ્છા પાઠવનારા લોકોની ભીડ જામેલી રહે છે તેમજ તેમની ઓફીસની બહાર પણ લાબી કતાર લાગી હોય છે.

શહેરના નાગરિકોને માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સની શીખામણ આપતા હોદ્દેદારો જ સરેઆમ માર્ગદર્શિકાનો ભંગ કરી રહયા છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટને આ મામલે સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે શુભેચ્છા આપવા માટે આવનારને રોકવા મુશ્કેલ છે

બે ત્રણ દિવસમાં શુભેચ્છકોની સંખ્યા ઓછી થઈ જશે, જયારે એએમટીએસ શરૂ કરવા માટે સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે વિચારણા ચાલી રહી છે. મેટ્રો ટ્રેન ચાલી શકે તો એસઓપીનું પાલન કરીને એએમટીએસ પણ ચાલી શકે છે તે બાબતનો તેમણે પરોક્ષ રીતે સ્વીકાર કર્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશન તરફથી કોરોના સંક્રમણને અટકાવવા માટે બાગ-બગીચા, ઝૂ, કાંકરીયા ફ્રન્ટ વગેરે બંધ કરવામાં આવ્યા છે સાથે- સાથે છેલ્લા એક સપ્તાહથી જાહેર પરિવહન સેવા પણ બંધ કરવામાં આવી છે, જેના કારણે નોકરીયાત વર્ગને ખુબ જ તકલીફ થઈ રહી છે.

જયારે બીજી તરફ રપ માર્ચથી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે આમ, એક જ શહેરમાં શહેર પરિવહન સેવા માટે બે અલગ-અલગ નિયમ જાેવા મળી રહયા છે. કોરોનાનો ફેલાવો ન થાય તે આશયથી વહીવટીતંત્ર દ્વારા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ પર ભાર મુકવામાં આવી રહયો છે.

પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના નવનિયુક્ત હોદ્દેદારોના કાર્યાલયની અંદર અને બહાર આ નિયમોના છેલ્લા પંદર દિવસથી લીરા ઉડી રહયા છે. મ્યુનિ. હોદ્દેદારોની ૧૦ માર્ચે નિમણૂંક થઈ તે દિવસથી તેમને શુભેચ્છા પાઠવવા માટે કાર્યકરો, કોર્પોરેટરો અને નાગરીકોના ટોળે-ટોળા ઉમટી રહયા છે જેમને નિયંત્રણમાં રાખવાની હિંમત તંત્ર દાખવી શકયુ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.